લગ્નમાં મફતનું જમવા ઘૂસ્યા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પછી દેશી બંદૂક બતાવી કરી બબાલ, તોડફોડ પણ કરી
Lucknow University Students Create Ruckus In Wedding: ઘણા એવો લોકો હોય છે જે આમંત્રણ વિના લગ્નમાં મફતનું જમવા માટે ઘૂસી જતાં હોય છે. પરંતુ લખનઉમાં આ મુદ્દે ભયંકર બબાલ થઈ ગઈ હતી. આ મામલો આઈટી ચોક પાસે રામાધીન મેરેજ હોલનો છે. અહીં કેસરબાગ વિસ્તારથી એક જાન આવી હતી. જ્યાં લખનઉ યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ મફતનું જમવા માટે પહોંચી ગયા હતા. આમંત્રણ વિના લગ્નમાં પહોંચી જતાં વિદ્યાર્થીઓ અને લગ્ન પ્રસંગ વાળા પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી અને ત્યારબાદ વિવાદ એટલો વધી ગયો કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખૂબ હોબાળો મચાવ્યો અને તોડફોડ શરૂ કરી દીધી. વિદ્યાર્થીઓએ લગ્નમાં આવેલા મહેમાનો સાથે મારપીટ કરી અને આ દરમિયાન ફાયરિંગ અને બોમ્બમારો કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે રામાધીન મેરેજ હોલમાં લગ્ન પ્રસંગ હતો. લગભગ 11:00 વાગ્યે લખનઉ યુનિવર્સિટીની હોસ્ટેલના કેટલાક છોકરાઓ જમવા માટે લગ્ન સમારોહમાં ઘૂસી આવ્યા હતા. જ્યાં કેટલાક લોકોએ તેઓને ઓળખી લીધા હતા. જે બાદ લગ્ન વાળા પરિવાર સાથે તેમનો ઝઘડો થઈ ગયો હતો. વિવાદ બાદ આ વિદ્યાર્થીઓ ફરી હોસ્ટેલમાં જતા રહ્યા અને ત્યારબાદ તેઓ હોસ્ટેલમાંથી બીજા વિદ્યાર્થીઓને આ લગ્ન સ્થળ પર બોલાવી લાવ્યા.
કોલેજના વિદ્યાર્થીઓએ કર્યો હંગામો
થોડી જ વારમાં હોસ્ટેલના 100થી વધુ વિદ્યાર્થીઓ લગ્ન સમારોહમાં પહોંચી ગયા અને તેમણે ત્યાં હંગામો શરૂ કરી દીધો. ખાણી-પીણીના કાઉન્ટર ઉથલાવી દીધા હતા અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં ત્યાં પાર્ક કરેલા અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે મહેમાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમની સાથે પણ મારપીટ કરી હતી. ત્યારબાદ લગ્ન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી. બદમાશોએ રાહદારીઓને પણ નહોતા છોડ્યા. જે પણ તેમની સામે આવે તેની સાથે મારપીટ કરી અને જાન પર પથ્થરમારો કર્યો હતો.
મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી અને તેમના ઘરેણાં પણ લૂંટી લીધા
વિદ્યાર્થીઓની આ હરકતથી દુ:ખી વરરાજાના પિતાએ કહ્યું કે, 'જો તમને જમવું જ હતું તો જમીને જતું રહેવું હતું, આવી મારપીટ અને બબાલ કરવાની શું જરૂર હતી. અમે બધા જાનમાં નાચતા-ગાતા જઈ રહ્યા હતા. અચાનક ઘણા છોકરાઓ ત્યાં આવી ગયા અને તેમણે અમારા બધા સાથે મારપીટ શરૂ કરી દીધી. અમે પૂછ્યું કે, તમે કોણ છો અને શું થયું? પરંતુ આ છોકરાઓ આવતા ગયા અને મારપીટ કરતા રહ્યા. આ દરમિયાન અનેક મહિલાઓ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી અને તેમના ઘરેણાં પણ લૂંટી લીધા.' વરરાજાનના ભાઈએ જણાવ્યું કે, આ છોકરાઓ પોતાની સાથે દેશી બંદૂક લઈને આવ્યા હતા. અમે તેમને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ ન માન્યા અને દેશી બંદૂક બતાવી બબાલ કરતા રહ્યા. તેઓ પોલીસની સામે પણ હંગામો કરતા રહ્યા.
પોલીસે કેટલાક આરોપી વિદ્યાર્થીઓની અટકાયત કરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ લગ્ન પ્રસંગમાં લગભગ એક કલાક સુધી હંગામો ચાલતો રહ્યો હતો. વરરાજાના પિતાએ વિદ્યાર્થીઓ પર બોમ્બમારો અને ફાયરિંગનો પણ આરોપ લગાવ્યો છે. ઘટનાની માહિતી મળતા જ સેન્ટ્રલ ઝોન પોલીસ ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ત્યારબાદ પોલીસે લાઠીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ખદેડ્યા હતા. પોલીસે કેટલાક આરોપી વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે. જોકે, પોલીસે બોમ્બમારાના અહેવાલનો ઈનકાર કર્યો છે.
આ બબાલ દરમિયાન ઘણા લોકોને ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અન્ય પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સ્થિતિ સામાન્ય છે.