લંચ કરતી વખતે આવ્યો હાર્ટએટેક અને મહિલા અધિકારી ઢળી પડી, લખનઉનો હચમચાવતો મામલો
HDFC Bank Female Officer Died By Heart Attack: છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક મહિલાએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો છે. લખનઉથી એક હચમચાવી મૂકતો મામલો સામે આવ્યો છે. લખનઉમાં HDFC બેંકની એક મહિલા અધિકારીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થઈ ગયું છે. મહિલા લંચ કરવા માટે ઓફિસમાં બેઠી હતી ત્યારે તે અચાનક ખુરશી પરથી નીચે ઢળી પડી. મહિલા અધિકારીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. પોલીસે મહિલાના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત મંગળવારે HDFC બેંકની ગોમતી નગરના વિભૂતિખંડ બ્રાન્ચમાં એક મહિલા અધિકારી લંચ કરવા માટે ખુરશી પર બેઠા હતા અને તે અચાનક જ બેભાન થઈને નીચે ઢળી પડ્યા. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જોકે, ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહિલાનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના સાચા કારણની જાણ થશે. આ મહિલાની ઓળખ સદફ ફાતિમા તરીકે થઈ છે, તેમની ઉંમર 45 વર્ષની હોવાની માહિતી મળી રહી છે. આ મહિલા અધિકારી લખનઉના જ વજીરગંજ વિસ્તારની રહેવાસી હતી.
આવા સમાચાર દેશમાં વર્તમાન અર્થવ્યવસ્થાના દબાણનું પ્રતીક: અખિલેશ યાદવ
સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનૌની આ ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લખનૌમાં HDFCની એક મહિલા કર્મચારીના કામના દબાણ અને તણાવને કારણે ઓફિસમાં ખુરશી પરથી જ ઢળી પડીને મૃત્યુના સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. આવા સમાચાર દેશમાં વર્તમાન આર્થિક દબાણનું પ્રતીક છે. તમામ કંપનીઓ અને સરકારી વિભાગોએ આ બાબતે ગંભીરતાથી વિચારવું પડશે. દેશના માનવ સંસાધન માટે આ એક અપુરતી ક્ષતિ છે. આવા આકસ્મિક મૃત્યુ કામકાજની સ્થિતિ પર સવાલ ઉઠાવે છે. કોઈપણ દેશની વાસ્તવિક પ્રગતિનું માપદંડ એ સેવા કે ઉત્પાદનના આંકડામાં વધારો નથી. તેના બદલે તે વ્યક્તિ માનસિક રીતે કેટલો મુક્ત, સ્વસ્થ અને ખુશ છે તે છે. કંપનીઓ ઓછા લોકો પાસેથી અનેક ગણું વધુ કામ કરાવે છે.