લખનઉમાં માતા અને 4 બહેનોના હત્યારાની ક્રાઈમ કુંડળી, દીકરીને પણ મારી નાખી, પત્ની પણ ગુમ
Lucknow Murder : ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચકચારી ઘટના બની છે. પુત્રએ પોતાની ઘરડી માતા અને ચાર બહેન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હત્યારાની ક્રાઈમ કુંડળી જાહેર થઈ છે. આરોપીએ અગાઉ પણ હત્યાને અંજામ આપ્યો હતો.
પોતાની જ દીકરીની હત્યા કરી
મૂળ આગ્રાના કુબેરપુરમાં રહેતા અરશદે માતા અને બહેનોની હત્યા પહેલાં પોતાની જ દીકરીની પણ હત્યા કરી હતી. તેમજ તેની પત્ની પણ ગુમ છે. અને માતા-બહેનોની હત્યા બાદ તેના પિતા પણ ગુમ છે. આ સિવાય થોડા દિવસ પહેલાં અરશદે એક દુકાનદાર પર પણ ઘાતકી પથ્થરમારા વડે હુમલો કર્યો હતો.
આસપાસના લોકો સાથે ઝઘડાં કરતો હતો
અરશદના પાડોશીઓના જણાવ્યા અનુસાર, તે ખૂબ અજીબ પ્રકારનો વ્યક્તિ હતો. તે આસપાસના લોકો સાથે અવારનવાર વાતવાતમાં ઝઘડો કરતો હતો. તેનો પરિવાર પણ ખૂબ ઓછા લોકો સાથે વાતચીત કરતો હતો. આખો પરિવાર ઘણીવાર બે-બે મહિના સુધી ગુમ થઈ જતો હતો.
આ પણ વાંચોઃ 24 વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને 4 બહેનની કરી હત્યા, લખનઉની હોટેલમાં બની ઘટના
આરોપી અરશદે મહોલ્લાના લોકો પર આરોપ લગાવ્યો
આરોપી અરશદે હત્યા બાદ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કબૂલ્યું છે કે, તેણે જ પોતાની ચાર બહેનો અને માતાને મોતને ઘાટ ઉતારી છે. આ હત્યા કરવા પાછળ મહોલ્લાના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. તેણે વીડિયોમાં ધર્મ પરિવર્તન અને ઘર છીનવી લેવાના આરોપ મૂકતાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. અરશદે પાડોશીઓએ તેનું ઘર છીનવી તેને અને તેના પિતાને જેલભેગા કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ પણ મૂક્યો છે. તેમજ તેની બહેનોને વેચી દેવાની ફિરાકમાં અમુક લોકોના નામ પણ આપ્યા છે.
દુકાનદાર પર પથ્થરમારો
થોડા સમય પહેલાં અરશદે એક દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. તેમજ પોતાની ઘરની છત પર દુકાનદાર પર પથ્થરમારો કર્યો હતો. દુકાનદારે માંડમાંડ પોતાનો જીવ બચાવ્યો હતો. તેના આવા સ્વભાવના કારણે મહોલ્લાના કોઈપણ વ્યક્તિ અરશદ અને તેના પરિવારથી અંતર જાળવતુ હતું.
અરશદ વિશે કોઈ ખાસ માહિતી નહીં
હત્યારો તેના વિસ્તારમાં અરશદ દિલ્લીવાલે નામથી ઓળખાતો હતો. તેના કામ વિશે પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી. તે શરૂઆતમાં ફેરી કરતો હતો. પરંતુ બાદમાં તેણે કામ છોડી દીધુ હતું. તે અને તેનો પરિવાર ખૂબ ઓછી વખત બહાર જોવા મળતો. તેની બાળકીની હત્યા કર્યા બાદ તેની પત્નિ પણ ગુમ છે. જેની હજી સુધી કોઈ ભાળ મળી શકી નથી.
હોટલમાં કરી નિર્મમ હત્યા
અરશદ તેના પરિવાર સાથે 30 ડિસેમ્બરે લખનઉ આવ્યો હતો. અહીં તે શરણજીત હોટલમાં રોકાયો હતો. જ્યાં બુધવારે નવા વર્ષના સૂર્યની પહેલી કિરણે જ પોતાના પરિવારની નિર્મમ હત્યા કરી દીધી હતી. તેના પિતા ફરાર છે. પ્રારંભિક ધોરણે પોલીસે અંદાજ લગાવ્યો છે કે, તેના પિતા પણ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હશે. અરશદ ફરાર થાય તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હત્યાન પાછળનું કારણ પારિવારિક કંકાસ ગણાવ્યો છે.