Get The App

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી: કોર્ટે 10 જાન્યુઆરીએ હાજર થવા આપ્યો આદેશ, જાણો શું છે મામલો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી: કોર્ટે 10 જાન્યુઆરીએ હાજર થવા આપ્યો આદેશ, જાણો શું છે મામલો 1 - image


Veer Savarkar Defamation Case Against Rahul Gandhi : ઉત્તર પ્રદેશની લખનઉ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત ભડકાઉ ભાષણ અને વીર સાવરકર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે કોંગ્રેસના નેતાને સમન્સ પાઠવ્યું છે અને 10 જાન્યુઆરી 2025ના રોજ હાજર થવા આદેશ આપ્યો છે.

રાહુલે વીર સાવરકરને ‘અંગ્રેજોના નોકર’ કહ્યા હતા

લખનૌની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 153(A) અને 505 હેઠળ ગુનો કર્યો હોવાના મામલે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. વકીલ નૃપેન્દ્ર પાંડેએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આક્ષેપ કર્યો હતો કે, ‘રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના આકોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વીર સાવરકરને ‘અંગ્રેજોના નોકર’ અને ‘પેન્શ લેનારા’ કહ્યા હતા.

રાહુલે નફરત ફેલાવવાના ઇરાદે નિવેદન કર્યું : અરજદાર

નૃપેન્દ્ર પાંડેએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ સમાજમાં દુશ્મનાવટ અને નફરત ફેલાવવાના ઇરાદાથી આવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તૈયાર કરાયેલા પત્રો પણ પત્રકારોને આપ્યા હતા, જે વિપક્ષ દ્વારા આયોજનબદ્ધ કૃત્ય દર્શાવે છે.

આ પણ વાંચો : અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઈકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?

રાહુલ ગાંધીએ 2022માં ભારત જોડો યાત્રાની આગેવાની કરી હતી અને આ દરમિયાન તેઓ યાત્રા સાથે મહારાષ્ટ્રના આકોલમાં ગયા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી. સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, ‘તેઓ તેમના ગુલામ રહેવા ઇચ્છે છે. સાવરકરે ડરના કારણે માફીપત્ર પર સહી કરી અને મહાત્મા ગાંધી તેમજ અન્ય નેતાઓ સાથે દગો કર્યો હતો.’

લખનઉ કોર્ટે તપાસના આદેશ આપ્યા

વકીલ નૃપેન્દ્ર પાંડેએ લખનઉ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે અરજીને ધ્યાને લઈ સીઆરપીસીની કલમ 156 (3) હેઠળ તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે હજરતગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને કેસની તપાસના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો : અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ


Google NewsGoogle News