લખનઉમાં ભરબજારે ઈમારત ધરાશાયી થતાં 8 લોકોનાં મોતથી ખળભળાટ, 22થી વધુ ઈજાગ્રસ્ત
Lucknow Building Collapse : ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. શનિવારે વરસાદ વચ્ચે બપોર પછી સાડા ત્રણ વાગ્યા બાદ આ ઘટના બની હતી. આ કોમ્પલેક્ષમાં દવા, એન્જિન ઓઈલ કંપનીઓ સહિત ચાર ગોડાઉન આવેલા હતા જેમાં 30થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. કાટમાળમાં દટાઈ જતાં વેપારી જસમીત સાહની સહિત કુલ 8 લોકોનાં કમકમાટીભર્યા મોત થતાં વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા જેમને વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા છે.
હજુ પણ મૃતકાંક વધી શકે છે
પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે લાગી છે. કટરની મદદથી કાટમાળ હટાવીને લોકોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તંત્રનો દાવો છે કે હજુ પણ મૃતકાંક વધી શકે છે.
ઈમારત ધસી પડવાનું કારણ શું?
જોકે આ ઈમારત કેમ ધસી તેની પાછળનું કારણ જાણી શકાયું નથી પણ ટ્રાન્સપોર્ટનગર વેપારી મંડળ તથા વેરહાઉસના પ્રવક્તા રાજનારાયણ સિંહ કહે છે કે પાણી ભરાઇ જવાને કારણે પાયા નબળાં થઇ જતાં આ ઇમારત ધસી હોઈ શકે છે. આ મામલે અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નહોતી.
જર્જરિત હતી ઈમારત
પ્રાપ્ત જાણકારી અનુસાર શહીદ પથની પાસે ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે અચાનક જ એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારતની આસપાસ ઘણાં સમયથી પાણી ભરાયેલું છે એના કારણે પાયા નબળા થઈ ગયા હોઈ શકે. સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી ઈમારતની હાલત ખરાબ હતી પણ ધ્યાન આપવામાં આવતું નહોતું.
CM યોગીએ અધિકારીઓને હાજર રહેવા કહ્યું
આ ઈમારત ધરાશાયી થયા બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને NDRFની ટીમોને પણ તાબડતોબ સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. CM યોગીએ પણ ઘટનાની જાણ થતાં જ પોલીસ જવાનોને ત્યાં ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા હતા.