કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ, ફ્રીમાં હવે લક્ઝરી ટ્રેનોમાં કરી શકશે મુસાફરી! જાણો LTCનો નવો નિયમ
LTC Benefits For Government Employees : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીને લઈને મોટી જાહેરાત કરી છે. લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) હેઠળ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. સરકારી કર્માચારીઓ પાસે કુલ 385 ટ્રેનમાં મુસાફરી કરવાનો વિકલ્પ છે, જેમાં 136 વંદે ભારત, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેન સામેલ છે. અગાઉ, તેઓ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી 144 હાઇ-એન્ડ ટ્રેનોમાં એસી મુસાફરીનો આનંદ માણી શકતા હતા. આ નિર્ણયથી દેશના તમામ પ્રદેશોમાં LTC મુસાફરી બુકિંગ માટે સરકારી કર્મચારીઓને વધુ વિકલ્પો મળશે.
કચેરી અને કર્મચારીઓના સૂચનો બાદ સરકારનો નિર્ણય
કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT) ને LTC હેઠળ વિવિધ પ્રીમિયમ ટ્રેનો અંગે તમામ કચેરીઓ અને કર્મચારીઓ તરફથી સૂચનો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સ્તરના સરકારી કર્મચારીઓ હવે તેમની LTCનો લાભ લઈને અત્યાધુનિક વંદે ભારત, તેજસ અને હમસફર એક્સપ્રેસમાં મુસાફરી સુવિધાઓનો લાભ લઈ શકશે.
આ નિર્ણય હેઠળ કર્મચારીઓ હવે 241 વધારાની ટ્રેનો માટે LTCનો ઉપયોગ કરી શકશે. દેશના તમામ ઝોનમાં કુલ 385 ટ્રેનો થશે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા LTC મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાશે. જેમાં કર્મચારીઓની પાત્રતા મુજબ LTC માટે ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાની મળશે. જ્યારે મુસાફરી માટે કર્મચારીઓ કરેલો ખર્ચ તેમને પરત મળી રહશે.
આ યોજના 25 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે
ગત વર્ષે સરકારે ઘણી જગ્યાઓ માટે LTC સમયરેખા પણ લંબાવી હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની મુસાફરી માટે લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) મેળવવા માટેની યોજનાને બે વર્ષ માટે લંબાવી હતી. હવે આ યોજના 26 સપ્ટેમ્બર 2024 થી 25 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓ પોતાના હોમ ટાઉન LTCને પસંદ કરેલા સ્થળોએ મુસાફરી કરવા માટે બદલી શકે છે.
કયા મુસાફરોને કયા સ્તર સુધી ડિસ્કાઉન્ટ મળશે?
વંદે ભારત, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં ટૂંકા અને મધ્યમ અંતરની રેલ મુસાફરી પર સ્તર 11 અને તેનાથી નીચેના કર્મચારીઓ ચેર કાર મુસાફરીનો લાભ લઈ શકે છે. આ ટ્રેનોમાં લેવલ 12 અને તેનાથી ઉપરના કર્મચારીઓને એક્ઝિક્યુટિવ ચેર કારમાં રહેવાની સુવિધા મળી શકશે. બર્થ ધરાવતી રાજધાની જેવી લક્ઝરી ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી માટે લેવલ 12 અને તેનાથી વધુના કર્મચારીઓ સેકન્ડ એસીમાં મુસાફરી કરવાનું પસંદ કરી શકે છે. લેવલ 6 થી 11 સુધીના કર્મચારીઓને સેકન્ડ એસીમાં મુસાફરી કરવાનો વિકલ્પ મળે છે, જ્યારે લેવલ 5 અને તેનાથી નીચેના કર્મચારીઓ તેમની LTC મુસાફરી માટે થર્ડ એસીમાં મુસાફરી કરવા માટે હકદાર છે.
આ પણ વાંચો: VIDEO: અરવિંદ કેજરીવાલ પર હુમલો! AAPનો ભાજપ નેતા પર મોટો આરોપ, પોલીસે જણાવી સમગ્ર ઘટના
LTC શું છે?
LTC એ સરકારી કર્મચારીઓને આપવામાં આવતો કન્સેશનલ મુસાફરી લાભ છે. જેમાં તેમને ચાર વર્ષ સુધી ભારતમાં ગમે ત્યાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. લાયક કેન્દ્ર સરકારના કર્મચારીઓ LTC યોજના હેઠળ રાઉન્ડ ટ્રીપ માટે પગાર સાથે રજા તેમજ ટિકિટ રિફંડ મેળવવા માટે હકદાર છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગ અનુસાર કર્મચારીઓ દર બે વર્ષે બે વાર હોમ ટાઉન LTC મેળવવા, બે વર્ષમાં એક વાર તેમના વતનની મુલાકાત લેવા અને બીજા સમયગાળામાં ભારતમાં કોઈપણ સ્થળે મુસાફરી કરવાની સુવિધા મળે છે.