આજથી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સૈન્ય વડાનું પદ સંભાળશે
Indian Army Chief : ભારતીય સૈન્યના ઈતિહાસમાં પ્રથમ વખત બે ક્લાસમેટ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી ભારતીય સૈન્ય અને નેવીના પ્રમુખ હશે. મધ્ય પ્રદેશની સૈનિક સ્કૂલ રીવાથી આવનારા નેવીના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને સૈન્ય પ્રમુખનુ પદ સંભાળવા જઈ રહેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 1970ના દસકના શરૂઆતમાં પાંચમા ધોરણમાં એક સાથે અભ્યાસ કરતા હતા.
અભ્યાસ દરમિયાન બન્ને અધિકારીઓના રોલ નંબર પણ એકબીજાની નજીક હતા, લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીનો રોલ નંબર 931 જ્યારે એડમિરલ ત્રિપાઠીનો 938 હતો. શાળામાં અભ્યાસ સમયથી જ બન્ને સારા મિત્રો છે. સૈન્યમાં અલગ અલગ કામ હોવા છતા હંમેશા એકબીજાના સંપર્કમાં રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ ભારત ભૂષણે ટ્વિટ કરીને કહ્યું હતું કે બે પ્રભાવશાળી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવા! માટેનું આ દુર્લભ સન્માન અને તેનો શ્રેય મધ્ય પ્રદેશની સૈનિક સ્કૂલને જાય છે. ! જ્યાંના બે પૂર્વ વિદ્યાર્થીઓ 50 વર્ષ બાદ પોત પોતાના સૈન્યનું નેતૃત્વ કરશે.
બંને અધિકારીઓને સૈન્યમાં કમાન મળી તે વચ્ચે પણ બહુ મોટું અંતર નથી. એડમિરલ ત્રિપાઠીએ 1 મેના રોજ ભારતીય નેવીની કમાન સંભાળી હતી. જ્યારે લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી રવિવારે 30મી તારીખે સૈન્યના વડાનું પદ સંભાળશે.
હાલમાં દ્વિવેદી સૈન્યમાં ઉપસેનાધ્યક્ષ છે. 30મી તારીખે વર્તમાન સૈન્ય વડા મનોજ પાંડે નિવૃત થવા જઈ રહ્યા છે. તેમનું સ્થાન ઉપેન્દ્ર દ્વિવેદી સંભાળશે. લે. જનરલ દ્વિવેદીને 1984માં જમ્મુ કાશ્મીર રાઈફલ્સમાં કમિશન કરાયા હતા. તેમની પાસે ઉત્તરી અને પશ્ચિમી એમ બંનેને સંતુલિત રાખવાનો અનુભવ છે. તેઓએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના ખાતમા માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે.