ઉદ્ધાટન બાદ પ્રગતિ મેદાન ટનલમાં અનેક ખામીઓ સામે આવતા કંપનીને રૂ. 500 કરોડની નોટિસ
Image:twitter (x)
-પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ પ્રગતિ મેદાન ટનલનું નિર્માણ કરતી કંપનીને નોટિસ મોકલી
નવી મુંબઇ,તા.6 ફેબ્રુઆરી 2024, મંગળવાર
ભારતમાં ભ્રષ્ટાચાર ખાસ કરીને સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર ઘટ્યો હોવાના અનેક આંકડાઓ આપણે જોઈએ છીએ. જોકે મોદી સરકારના દિલ્હીના જ એક ફ્લેગશીપ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર અથવા અનેક મોટી ભૂલો થઈ હોવાનું સામે આવ્યું છે. મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે ખૂબ જ ધામધૂમથી શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ પર હવે 2 વર્ષ બાદ સરકારી વિભાગે અનેક પ્રશ્નો ઉભા કર્યા અને ડિઝાઇનથી લઈને સીવેજ સહિતની અનેક સમસ્યાઓ ઉજાગર કરતા ખળભળાટ મચી ગયો છે.
પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ પ્રગતિ મેદાન ટનલનું નિર્માણ કરતી કંપનીને નોટિસ મોકલી છે. વાસ્તવમાં આ ટનલના નિર્માણ બાદ હવે ઘણી ખામીઓ સામે આવતા નોટિસ ફટકારી છે અને કન્સ્ટ્રક્શન કરનાર ફ્લેગશીપ કંપની L&Tને 500 કરોડ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો છે. આ સાથે PWDએ કંપનીને સમગ્ર પ્રગતિ મેદાન ટનલનું સમારકામ શરૂ કરવા અને પ્રોજેક્ટની ટેક્નોલોજી અને ડિઝાઇન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા પણ કહ્યું છે.
નોટિસમાં કંપનીને પૂછવામાં આવ્યું છે કે, સરકાર અને તેની સંબંધિત એજન્સીઓને થયેલા આર્થિક નુકસાન અને પ્રોજેક્ટ પૂરો ન કરી શકવાને કારણે ઇમેજ ખરાબ થવા માટે તેમની સામે શા માટે પગલાં ન લેવા જોઈએ?
રૂ. 500 કરોડ જમા કરવા આદેશ :
PWDએ કંપનીને નોટિસ જારી કરીને ટોકન રકમ તરીકે ઓછામાં ઓછા રૂ. 500 કરોડ જમા કરવા જણાવ્યું છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કંપની ભૈરવ માર્ગ પાસેના મહત્વના અંડરપાસ (અંડરપાસ નંબર-5)ના નિર્માણમાં પણ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. લોક નિર્માણ વિભાગે કંપનીને 3 ફેબ્રુઆરીએ આ નોટિસ જારી કરી છે અને 15 દિવસમાં તેનો જવાબ માંગ્યો છે. ખાસ કરીને રેલવેના પાટા નીચેની ટનલનું કામ પૂર્ણ થયું નથી.
અંડરપાસ નંબર-5 પ્રગતિ મેદાન ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોરનો એક ભાગ છે. આ ભાગ ડિસેમ્બર 2022માં ખોલવાનો હતો પરંતુ બાંધકામના પડકારો અને પૂરને કારણે થયેલા નુકસાનને કારણે ઘણી વખત વિલંબ થયો છે. G-20 સમિટને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત મંડપમની સાથે પ્રગતિ મેદાન સંકુલ અને તેના ઇન્ટિગ્રેટે ટ્રાન્ઝિટ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1.3 કિલોમીટર લાંબી ટનલ અને પાંચ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ટનલની ડિઝાઇનમાં ઘણી ખામીઓ
PWD દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર વર્ષ 2017માં બહાર પાડવામાં આવ્યા હતા અને તેનું બાંધકામ 2019માં પૂર્ણ થવાનું હતું. જોકે, આ પ્રોજેક્ટ પાછળથી પૂર્ણ થયો અને વર્ષ 2022 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જોકે સમય જતાં, તેના બાંધકામમાં ખામીઓ મળી આવી છે. આ ખામીઓ માત્ર ટેક્નિકલ નથી પરંતુ તેની ડિઝાઇન અને સ્ટ્રકચરમાં પણ જોવા મળી રહી છે.
પ્રોજેક્ટ પાછળ રૂ. 777 કરોડનો ખર્ચ
સૌથી ખરાબ અને ચિંતાજનક બાબત એ છે કે અંડરપાસમાં અનેક જગ્યાએ પાણી જમા થાય છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે રૂ. 777 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ 1.3 કિમી લાંબી ટનલ ઈન્ટિગ્રેટેડ કોરિડોરના સેન્ટરમાં છે અને તેની સાથે જોડાયેલા અંડરપાસ ભૈરવ માર્ગ, રિંગ રોડ અને મધુરા રોડને સિગ્નલ ફ્રી બનાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યા હતા.
ટનલમાં કઈ ખામીઓ સામે આવી ?
PWDએ આ પ્રોજેક્ટમાં 12 મહત્વની ખામીઓને ઓળખી કાઢી છે, જેમાં ટનલના કેટલાક સાંધાઓ પાસે પાણીનું લીકેજ, ટનલમાં ઘણી જગ્યાએ કોંક્રીટ/સિમેન્ટ પર તિરાડો, ટનલમાં પાણીનો ભરાવો, આખી ટનલ અને અંડરપાસમાં નબળી ગટર વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કર્બસ્ટોન્સમાં નુકસાન, બ્રાન્ચ ટનલના આઈટીપીઓ પાર્કિંગની લાંબા સમયથી સફાઈ ન કરવી, ગટરની વ્યવસ્થાનો અભાવ, છત પરથી પાણી ટપકવું, અનેક જગ્યાએ ભીંતચિત્રોને નુકસાન વગેરેનો સમાવેશ થાય છે.