PM મોદીની મહિલાઓને મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂ. ઘટશે, મહિલા દિવસ પર જાહેરાત
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ માટે જીવન સરળ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો
LPG Price : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's day)ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી. જે હેઠળ સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ માટે જીવન સરળ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.
પીએમ મોદીએ કરી ટ્વિટ
PMએ પોતાના ટ્વિટમાં લખ્યું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અમે LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે અને મહિલાઓના હિતમાં આ પગલાં લેવાની વાત કરી છે.
એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થશે
પીએમના આ મોટા પગલાથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાંધણ એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થવાથી ઘણા શહેરોમાં કિંમતોમાં ઘટાડો થશે. જો આપણે શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં ઘરેલુ એલપીજીની કિંમત 903 રૂપિયા છે અને 100 રૂપિયાના ઘટાડા બાદ તેની કિંમત 803 રૂપિયા થઈ જશે. જ્યારે મુંબઈમાં LPGની કિંમત 902.50 રૂપિયા છે અને હવે તેની કિંમત 802.50 રૂપિયા થશે. જ્યારે કોલકાતામાં LPGની કિંમત 1000 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે. પરંતુ નવી કિંમતો આવ્યા બાદ આ શહેરોમાં એલપીજીની કિંમત અનુક્રમે 900 રૂપિયા અને 818.50 રૂપિયા થઈ જશે.