મોંઘવારીએ માઝા મૂકી : ગેસના સિલિન્ડરના ભાવમાં 3 મહિનામાં 200 રૂપિયાનો વધારો, આજે છે આટલો ભાવ
- સબસિડી વગરના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 794 રૂપિયા થઈ ગઈ
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
સરકારી તેલ કંપનીઓએ સામાન્ય લોકોને વધુ એક આંચકો આપ્યો છે. તેલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફરી એક વખત વધારો કર્યો છે. આ સાથે જ સબસિડી વગરના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. ગુરૂવારથી એટલે કે 25મી ફેબ્રુઆરીથી આ વધેલા ભાવ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિના દરમિયાન ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ ત્રીજી વખતનો વધારો થયો છે. સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીમાં ત્રીજી વખત ભાવવધારો
ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ LPGની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. અને આ ત્રીજી વખત ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
3 મહિનામાં 200 રૂપિયાનો વધારો
પહેલી ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો હતો. ત્યાર બાદ પહેલી જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા હતા. આ સાથે જ 644 રૂપિયાનું સિલિન્ડર 694 રૂપિયાનું થઈ ગયું હતું. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં આ ત્રીજી વખતના વધારા સાથે ભાવ 794 રૂપિયાએ પહોંચ્યો છે.
કોમર્શિયલ ગેસનો ભાવ
સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવોમાં ફેરફાર થાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીના રોજ ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં 190 રૂપિયાનો વધારો થયો હતો. ત્યાર બાદ દેશની રાજધાનીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1,533 રૂપિયા, કોલકાતામાં 1,598.50 રૂપિયા, મુંબઈમાં 1,482.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1,649 રૂપિયા થઈ ગયો છે.