મારી નહીં તો બીજા કોઈની નહીં! છત્તીસગઢમાં બ્રેકઅપથી નારાજ પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી
- પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2024, સોમવાર
Kondagaon Murder: છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાના કેશકાલમાં એક સનકી પ્રેમીએ તેની પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા પાછળનું કારણ એ હતું કે, યુવક એ વાતથી નારાજ હતો કે, પ્રેમિકાનું તેની સાથે બ્રેકઅપ કર્યા બાદ અન્ય છોકરા સાથે અફેર હતું. હત્યા કર્યા બાદ યુવકે તેની ગર્લફ્રેન્ડના મોટા ભાઈને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. તેણે કહ્યું કે તારી બહેનની લાશ ઝાડ નીચે પડી છે. મૃતકના પરિવારજનોએ યુવકે જણાવેલા સ્થળ પરથી મૃતદેહ મેળવ્યો અને ત્યારબાદ તેની સૂચના કેશકાલ પોલીસને આપી.
ઘટના બાદ આરોપી ફરાર થઈ જવા માટે કેશકાલના ફોરેસ્ટ નાકા પાસે બસની રાહ જોઈ રહ્યો હતો પરંતુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી તેનું અને તેની પ્રેમિકાનું અફેર ચાલતુ હતું પરંતુ તેમની વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો અને પ્રેમિકાએ તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું. ત્યારબાદ તેને ખબર પડી કે તેની પ્રેમિકાનું અન્ય છોકરા સાથે અફેર છે. આ વાતથી નારાજ થઈને તેણે તેની પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો છે.
હત્યા કરી પરિવારજનોને આપી સૂચના
સમગ્ર હત્યાકાંડ અંગે માહિતી આપતા કેશકાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સૌરભ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગત 10 ફેબ્રુઆરીના રોજ બાંધાપરા વિશ્રામપુરી નિવાસી પ્રાર્થી મારુરામ શોરી દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો કે, 9 ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 2:00 વાગ્યાથી તેની નાની બહેન ઘરેથી ગાય અને બળદ ચરાવવા ગઈ હતી અને તે મોડી રાત સુધી ઘરે પરત નથી ફરી. આજુબાજુ તપાસ કર્યા બાદ પણ તે ન મળી. ત્યારબાદ બીજા દિવસે 10 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 4:00 વાગ્યે ગારાવંડી ગામમાં રહેતા અજય નેતામે ફોન કરીને જણાવ્યું કે મેં તમારી નાની બહેનનું ગળું દબાવી હત્યા કરી નાખી છે અને લાશને મારા ગામ ગારાવંડીના મક્કા ટીકરાના આંબાના ઝાડ નીચે ફેંકી દીધી છે. તેને આવીને લઈ જાઓ. આ માહિતી બાદ પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્ટેશન ઈન્ચાર્જ સહિત કોંડાગાંવ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો હતો.
બ્રેકઅપથી નારાજ પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી
ત્યારબાદ પોલીસે તાત્કાલિક આરોપી અજય નેતામની તલાશ શરૂ કરી દીધી અને ત્યારબાદ આરોપી ફરાર થઈ જાય તે પહેલા ફોરેસ્ટ નાકા પાસેથી તેની ધરપકડ કરી લીધી. આરોપીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન તેણે જણાવ્યું કે, મૃતિકા સાથે લગભગ ત્રણ વર્ષથી તેનો પ્રેમ સબંધ હતો. પરંતુ પ્રેમિકાનું તેની સાથે બ્રેકઅપ કર્યા બાદ અન્ય છોકરા સાથે અફેર હોવાને કારણે બદલાની ભાવનામાં પ્રેમિકાને ગામ ગારાવંડીના જંગલમાં લઈ જઈ ગળુ દબાવી તેની હત્યા કરી નાખી.
પોલીસે આરોપી વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કાર્યવાહી કરતા તેને જેલ હવાલે કરી દીધો છે. બીજી તરફ આ ઘટના બાદ મૃતિકાના પરિવારમાં માતમ છવાયો છે.