લવ જેહાદને આંતરરાષ્ટ્રીય કાવતરું ગણાવતાં કોર્ટે 25 વર્ષીય આરોપીને આજીવન કેદની સજા ફટકારી

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
લવ જેહાદને આંતરરાષ્ટ્રીય કાવતરું ગણાવતાં કોર્ટે 25 વર્ષીય આરોપીને આજીવન કેદની સજા ફટકારી 1 - image


- લાલચ આપી થતું ધર્માંતરણ ના અટકાવ્યું તો ગંભીર પરિણામ આવી શકે છે : બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટ

- મરજી મુજબ ધર્મનું પાલન કરવાની બંધારણે આપેલી સ્વતંત્રતા સાથે લવ જેહાદના નામે બાંધછોડ ના કરી શકાય : કોર્ટ

- વિદેશી ફન્ડિંગથી ભારતમાં પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છે : જજનું અવલોકન

Love Jihad Case : ઉત્તર પ્રદેશના બરેલીની કોર્ટે એક મામલાનો ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે હિન્દુ યુવતીઓને ધર્માંતરણ માટે પ્રેમજાળમાં ફસાવવામાં આવી રહી છે. લવ જેહાદ એક આંતરરાષ્ટ્રીય કાવતરુ છે જેનો ઉદ્દેશ્ય ભારતમાં એક વિશેષ ધર્મના કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રભુત્વ સ્થાપિત કરવાનો છે. આ સાથે જ કોર્ટે ગેરકાયદે ધર્માંતરણ અને રેપના એક મામલામાં 25 વર્ષીય આરોપી મોહમ્મદ અલીમને આજીવન કેદની સજા ફટકારી હતી, આ અપરાધમાં સામેલ અલીમના પિતાને પણ બે વર્ષની કેદની સજા આપી હતી.

ઉત્તર પ્રદેશના બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે આ ચુકાદો આપ્યો હતો, ચુકાદો આપતી વેળાએ તેમણે કહ્યું હતું કે ગેરકાયદે ધર્માંતરણ માટે હિન્દુ યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવામાં આવી રહી છે અને ભારતમાં પણ પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ધર્માંતરણ દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતા સામે એક મોટો ખતરો છે. અલીમ એક ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો. એવો આરોપ હતો કે અલીમે પોતાની ઓળખ છુપાવી અને નામ પણ બદલીને આનંદ હોવાનું જણાવ્યું હતું. 

બાદમાં આ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનું ગેરકાયદે ધર્માંતરણ કરાયું, આ દરમિયાન યુવતીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા જેને કારણે તે ગર્ભવતી થઇ ગઇ તો તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો. આ તમામ આરોપ યુવતીએ પોલીસ સમક્ષ દાખલ ફરિયાદમાં લગાવ્યા હતા. અલીમને આજીવન કેદની સજા આપતા કોર્ટે કહ્યું હતું કે માનસીક રીતે દબાણ કરીને ધર્માંતરણ થઇ રહ્યું છે, ધર્માંતરણ માટે વિદેશી ફન્ડિંગ પણ મળી રહ્યું છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ લાવવામાં ના આવ્યો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. 

જજે કહ્યું હતું કે ભારતનું બંધારણ તમામ લોકોને મરજીથી પોતાના ધર્મનું પાલન કરવાની છૂટ આપે છે. જોકે આ વ્યક્તિગત સ્વતંત્રતાની સાથે ગેરકાયદે ધર્માંતરણ કે લવ જેહાદના માધ્યમથી બાંધછોડ ના કરી શકાય. લગ્ન કે નોકરી જેવી લાલચ આપીને થતું ધર્માંતરણ અટકાવવાની જરૂર છે. કોર્ટે પોતાના આદેશની કોપીને ઉત્તર પ્રદેશના મુખ્ય સચીવ અને પોલીસ વડાને મોકલવા પણ કહ્યું હતું.  

કાયદાના અમલ બાદ ચાર વર્ષના આંકડા મુજબ 

યુપીમાં ગેરકાયદે ધર્માંતરણના 835 કેસ, 1682ની ધરપકડ

98 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ, કુલ 2700 આરોપીમાંથી 124ને છોડી મુકાયા 

લખનઉ : દેશમાં સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર વર્ષમાં ગેરકાયદે ધર્માંતરણના ૮૩૫ કેસો સામે આવ્યા છે. જેમાં કુલ ૧૬૮૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માંતરણ રોકથામ કાયદા હેઠળ આ કાર્યવાહી કરાઇ છે.  

વર્ષ ૨૦૨૦માં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર દ્વારા ગેરકાયદે ધર્માંતરણ વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. જેના અમલ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ કાયદા હેઠળ ૮૩૫ કેસો નોંધાયા છે જ્યારે ૧૬૦૦થી વધુની ધરપકડ કરાઇ છે, આ આંકડા કાયદાનો અમલ થયો ત્યારથી લઇને આ વર્ષના ૩૧મી જુલાઇ સુધીના છે. 

પોલીસે આ ૮૩૫માંથી ૮૧૮ કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે, એટલે કે ૯૮ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ થઇ ગઇ છે. જ્યારે માત્ર ૧૭ કેસો જ તપાસ હેઠળ છે. જે પણ લોકોને આ કેસોમાં આરોપી બનાવવામાં આવ્યા હતા તેમાંથી ૧૨૪ લોકોને સંડોવણી ના હોવાથી છોડી મુકાયા છે. કુલ ૮૩૫ કેસોમાં ૨૭૦૮ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી ૭૦ ટકા લોકોએ કોર્ટમાં સરન્ડર કર્યું હતું.  


Google NewsGoogle News