સપા સાથેની ડીલ વચ્ચે કોંગ્રેસમાં બળવાના સંકેત, દિગ્ગજ નેતાએ કહ્યું- 'તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં'

લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસની મુશ્કેલી ઘટવાની જગ્યાએ વધી રહી હોય તેવું દેખાય છે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
સપા સાથેની ડીલ વચ્ચે કોંગ્રેસમાં બળવાના સંકેત, દિગ્ગજ નેતાએ કહ્યું- 'તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં' 1 - image

image : Twitter



Salman Khurshid Congress News | ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ઔપચારિક જાહેરાત થઈ ચૂકી છે. કોંગ્રેસ યુપીમાં 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે સપા 63 સીટો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને આપેલી સીટોમાં ફર્રુખાબાદનો સમાવેશ થતો નથી જે હવે કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પાર્ટી પ્રત્યે બળવાખોર વલણ દાખવ્યું છે.

સોશિયલ મીડિયા પર કરી ટ્વિટ 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે હું ભલે તૂટી જઈશ, પણ ઝૂકીશ નહીં. તેમણે લખ્યું, "ફર્રુખાબાદ સાથેના મારા સંબંધોને કેટલી કસોટીઓનો સામનો કરવો પડશે? પ્રશ્ન મારા વિશેનો નથી, પરંતુ આપણા બધાના ભવિષ્યનો છે, આવનારી પેઢીઓનો છે. હું ક્યારેય ભાગ્યના નિર્ણયો સામે ઝૂક્યો નથી. હું કરી શકું છું. તૂટી જઈશ પણ હું ઝૂકીશ નહીં. તુમ સાથ દેને કા વાદા કરો, મેં નગમે સુનાતા રહું. 

સલમાન ખુર્શીદની શું હતી ઈચ્છા? 

પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ નારાજ એટલા માટે છે કેમ કે તેઓ જે ફર્રુખાબાદ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે તે સીટ શેરિંગ હેઠળ સમાજવાદી પાર્ટીને ફાળવી દેવાઈ છે.  સપાએ પણ આ સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સલમાન ખુર્શીદ અત્યાર સુધી બે વખત ફર્રુખાબાદ સીટ પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તેમણે 1991માં પહેલી ચૂંટણી જીતી હતી, જ્યારે 2009માં બીજી ચૂંટણી જીતી હતી. જે બાદ તેઓ સતત બે ચૂંટણી હારી ચૂક્યા છે.

સલમાન ખુર્શીદ 1991માં પહેલીવાર જીત્યા હતા

વર્ષ 1991માં પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. 1996 અને 1998માં સ્વામી સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજ ભાજપ તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 1999 અને 2004માં સમાજવાદી પાર્ટીના ચંદ્રભૂષણ સિંહ ઉર્ફે મુન્નુ ભૈયાની જીત થઈ હતી. 2009ની ચૂંટણીમાં સલમાન ખુર્શીદ ફરી એકવાર કોંગ્રેસમાંથી જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મુકેશ રાજપૂત 20 વર્ષ બાદ ફર્રુખાબાદ સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

સપા સાથેની ડીલ વચ્ચે કોંગ્રેસમાં બળવાના સંકેત, દિગ્ગજ નેતાએ કહ્યું- 'તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં' 2 - image



Google NewsGoogle News