I.N.D.I.A. ગઠબંધનને વધુ એક ઝટકો, ભાજપમાં સામેલ થશે જયંત ચૌધરી, RLDને 4 બેઠકોની ઑફર
ભાજપે ઉત્તર પ્રદેશમાં RLDને ચાર લોકસભા બેઠકોની ઑફર કરી હોવાના અહેવાલ
તાજેતરમાં જ જયંત ચૌધરી અને અખિલેશ વચ્ચે સાત બેઠકો માટે ડીલ થઈ હતી
Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉત્તરપ્રદેશમાં નીતીશ કુમાર (Nitish Kumar) બાદ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના અધ્યક્ષ જયંત ચૌધરી (Jayant Chaudhary) ભાજપમાં સાથેના ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં RLDને ચાર લોકસભા બેઠકોની ઑફર કરી છે. ત્યારબાદ વાયુવેગે ચર્ચા ફેલાઈ રહી છે કે, આરએલડી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તુટી શકે છે.
BJPએ RLDને આ ચાર બેઠકોની ઑફર કરી
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે કૈરાના, બાગપત, મથુરા અને અમરોહા લોકસભા બેઠકની ઓફર કરી છે. બીજીતરફ સમાજવાદી પાર્ટી ઈચ્છતી હતી કે, આરએલડીના ઉમેદવાર મુઝફ્ફરનગર, કૈરાના, બિજનૌર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે. આ જ કારણે આરએલડી અને સપાનું ગઠબંધન તૂટવાનું કારણ દેખાઈ રહ્યું છે.
યુપીમાં RLD-SP વચ્ચેનું ગઠબંધન તૂટવાની તૈયારીમાં
ઉલ્લેખનિય છે કે, જયંત ચૌધરી અને અખિલેશ યાદવ વચ્ચે લખનઉમાં મુલાકાત થયા બાદ સાત બેઠકો માટે ડીલ થઈ હતી. આ સાત બેઠકોમાં બાગપત, મુઝફ્ફરનગર, કૈરાના, મથુરા અને હાથરસ નિશ્ચિત છે, જ્યારે મેરઠ, બિજનૌર, અમરોહા, નગીના અને ફતેહપુર સીકરી બેઠકોમાંથી કંઈ બે બેઠકો આરએલડીને અપાશે, તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી. દરમિયાન ઉત્તર પ્રદેશમાં આરએલડી અને સપા વચ્ચે ગઠબંધન છે.
જયંત ચૌધરી ઈન્ડિયા ગઠબંધનની મુશ્કેલી વધારી
તાજેતરમાં જ જનતા દળ યુનાઈટેડના વડા નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન બનાવી ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો હતો અને તેમણે બિહારમાં નવી સરકાર બનાવી હતી. હવે આરએલડી પણ ઈન્ડિયા ગઠબંધનને ઝટકો આપી ભાજપ સાથે હાથ મિલાવવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.