શપથ પહેલાં જ NDAના સાથી પક્ષમાં બબાલ, મંત્રી પદ ન મળતાં બે દિગ્ગજ આમને-સામને
NCP Will Declare Cabinet Ministers: કેબિનેટ મંત્રી પદ અંગે અજીત પવાર જૂથની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની અંદર વિવાદ શરૂ થઈ ચૂક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીપી તરફથી કેબિનેટ મંત્રીની યાદીમાંથી પ્રફુલ પટેલનું પત્તુ કપાઈ ચૂક્યું છે. પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સુનીલ તટકરેએ પ્રફુલ પટેલના નામને મંજૂરી આપી નથી. તટકરેએ દાવો કર્યો છે કે, મંત્રી લોકસભામાંથી જ હોવો જોઈએ. અત્યારસુધી એનસીપી તરફથી કોઈ નામ જાહેર થયું નથી. અજિત પવાર જૂથના એનસીપી પક્ષના દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘર્ષણ શરૂ થતાં ભાજપે એનસીપીને મતભેદો દૂર કરવા અને નામ ટૂંક સમયમાં સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
એનડીએ સરકાર આજે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ શપથ ગ્રહણ કરવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરી જવાહરલાલ નેહરૂના રેકોર્ડની બરાબરી કરશે. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાકિસ્તાનના મંત્રીઓ પણ દાવો કરી રહ્યા છે કે, એનડીએ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં તેવો દાવો કરી રહી છે. બીજી તરફ રાજસ્થાનમાં I.N.D.I.A. ગઠબંધન હેઠળ નાગૌરથી ચૂંટણી જીતનાર આરએલપીના હનુમાન બેનીવાલ કોંગ્રેસથી નારાજ છે. તેમણે I.N.D.I.A. એલાયન્સની બેઠકમાં આમંત્રણ ન મળવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેને લઈને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાંથી કોણ કોણ મંત્રી બની શકે
નવમી જૂને સંધ્યાકાળમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવાના છે. ત્યારે શપથવિધિ અગાઉ સંભવિત મંત્રીઓ સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતનાં લોકસભાના ચાર સાંસદો પણ હાજર હતા, જેથી તેમનું નામ નવા મંત્રીમંડળ માટે ફાઇનલ મનાઈ રહ્યું છે. અમિત શાહ, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયાને મંત્રી પદ આપવામાં આવી શકે છે. આ સાથે ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર અને જે.પી. નડ્ડા પણ મંત્રી બની શકે છે.