5 રાજ્યોમાં ફટાફટ ગઠબંધન માટે કોંગ્રેસ સહિતના સાથી પક્ષો થયા મજબૂર, તેની પાછળના 4 મોટા કારણો
Loksabha Election 2024 : કોંગ્રેસ માટે આ અઠવાડિયું થોડી રાહત રૂપ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપીને ગઠબંધનના કારણે રાજી થઈ ગયું છે. દિલ્હીથી આમ આદમી પાર્ટીએ પણ ઓફર આપી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે, બંગાળમાં મમતા બેનર્જી જેમણે કોંગ્રેસને તેમની ઓકાત બતાવી દીધી હતી તે પણ બેઠકો ઓફર કરી રહી છે. મહારાષ્ટ્રમાં ધમકી આપી રહેલા ઉદ્ધવ ઠાકરે પણ લાઈન પર આવી ગયા છે અને બેઠક વહેંચણી કરવા માટે હા પાડી છે. અચાનક તાબડતોબ ગઠબંધનની ઓફર કેવી રીતે આવવા લાગી? કારણ કે સામાન્ય જનતામાં કોંગ્રેસનો ગ્રાફ વધતો જોવા નથી મળી રહ્યો. અને ન તો રાહુલ ગાંધીએ એવો કોઈ ચમત્કાર બતાવ્યો છે કે વિપક્ષ કોંગ્રેસથી ગઠબંધન માટે મજબૂર થઈ રહ્યું છે. પછી એવું શું થયું કે અચાનક કોંગ્રેસના સમર્થનમાં આ પાંચ રાજ્યોથી ખુશખબર આવી છે? આવો જાણવાનો પ્રયાસ કરીએ...
1. વિપક્ષી ગઠબંધનમાં તિરાડ
'I.N.D.I.A' ગઠબંધનના આર્કિટેક્ટ નીતીશ કુમારના NDAમાં ગયા બાદ ભાજપ વિરોધી તમામ પાર્ટીઓમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી હી. જેને લઈને કોંગ્રેસ જ નહીં સ્થાનિક પક્ષોમાં પણ નિરાશાની સ્થિતિ જોવા મળવા લાગી. સમાજવાદી પાર્ટીને જ લઈએ તો સ્વામી પ્રસાદ મૌર્ય, પલ્લવી પટેલ અને સલીમ શેરવાની જેવા લીડર પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની સામે પડ્યા હતા. બીજી તરફ કોંગ્રેસમાં કમલનાથ, મિલિંદ દેવડ, અશોક ચૌહાણ, સલમાન ખુર્શીદ, મનીષ તિવારી જેવા કદાવર નેતા નારાજ થયા કેટલાકે પાર્ટી છોડી દીધી. એવી સ્થિતિમાં પાર્ટીઓના નેતૃત્વને સમજમાં આવ્યું કે, જો જલ્દીથી આ સ્થિતિને કાબૂ ન કરવામાં આવી તો ભારે ડેમેજ થઈ શકે છે. એ સમજમાં આવતા જ ચોતરફ થોડા તમે નમો, થોડા અમે નમીએ શરૂ થયું અને સમજૂતીના રસ્તે સૌ આવી ગયા. આ વાત માત્ર કોંગ્રેસ અને સપાની નથી. આ જ વાત શિવસેના, ટીએમસી અને આમ આદમી પાર્ટીની પણ છે. તમામને પોતાના પક્ષો બતાઈ રહ્યા છે જે બીજાના સહારા માટે તલપાપડ થઈ રહ્યા હતા.
2. રામ મંદિર લહેર
દેશભરમાં રામ મંદિરના નામ પર ભાજપમાં લહેર ચાલતી જોવા મળી છે. રામ મંદિરના ઉદ્ધાટન સમયે ભાજપ ખુબ સક્રિય રહ્યું. ઉત્તર ભારતમાં રામ મંદિરની લહેરની સામે વિપક્ષના તમામ હથિયાર નિષ્ફળ જોવા મળ્યા. રાહુલ ગાંધીની જાતિગત વસ્તીગણતરીનો મુદ્દો હોય કે બિઝનેસમેનો પર પ્રહારની વાત હોય તેને કોઈ સાંભળવા તૈયાર નથી. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યું. જાતિગત વસ્તીગણતરીની વાત ન અખિલેશ યાદવ કરી રહ્યા છે અને ન તો તેમની પાર્ટીના પછાત વર્ગના નેતા બનનારા સ્વામી પ્રસાદ મૌર્ય કે પલ્લવી પટેલ. ખેડૂત આંદોલનને પણ ન ઉત્તરપ્રદેશમાં સમર્થન મળ્યું અને ન તો દિલ્હી - હરિયાણામાં. ગત વખતે જે રીતે દેશના ખેડૂતોનો સપોર્ટ મળી રહ્યો હતો તેવો આ વખતે જોવા નથી મળી રહ્યો. કારણ કે રામ મંદિરની લહેર સામે તમામ આંદોલન ફિક્કા પડી ગયા છે.
3. અસ્તિત્વ બચવાનું સંકટ
પાર્ટીઓની સામે અસ્તિત્વ બચવા સંકટ પેદા થઈ ગયું છે. હવે ઉત્તર પ્રદેશનું જ ઉદાહરણ લો. સમાજવાદી પાર્ટી 2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં માત્ર 5-5 બેઠકો પર સમેટાઈ ગઈ. કોંગ્રેસના હાલ એ છે પોતાના 2 ગઢમાં એક અમેઠી 2019માં ગુમાવી ચૂકી છે. રાયબરેલી પણ આ વખતે જીતવી મુશ્કેલ છે કારણ કે અહીં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ ચૂકી છે. તો અખિલેશને 5 બેઠકોથી વધુ ન મળી તો ઉત્તરપ્રદેશમાં તેમની શાખા જોખમમાં મુકાશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને પણ પોતાના અસ્તિત્વનું સંકટ છે. ગત વખત લોકસભા ચૂંટણીમાં તેમની સ્થિતિ ખુબ ખરાબ હતી. મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે હોય કે શરદ પવાર તમામના હાથથી સત્તા તો ગઈ પરંતુ પાર્ટી પણ ન બચી. જો તમામ મળીને ચૂંટણી નહીં લડે તો અસ્તિત્વનું સંકટ નક્કી છે.
4. અનેક સર્વેમાં NDAને બહુમતિનો દાવો
લોકસભા ચૂંટણીને લઈને હાલમાં જ આવેલા કેટલાક સર્વેની વાત કરીએ તો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 2024માં ફરી એકવાર NDA ભારે બહુમતિથી વાપસી કરી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના સર્વેમાં NDAને 335 બેઠકો મળતી દેખાઈ રહી હતી, જ્યારે ભાજપ એકલી 304 બેઠકો જીતતી જોવા મળી રહી છે. સીએસડીએસના આંકડા અનુસાર, જો વિપક્ષ ભેગું મળીને ચૂંટણી લડે તો ભાજપને 235 થી 240 બેઠકો પર રોકી શકાય છે, જ્યારે વિપક્ષને 300 થી 305 બેઠકો મળી શકે છે. ત્યારે બેઠક વહેંચણી માટે રાજી થવા પાછળના આ કારણો છે.