લોકપાલનો મહુઆ મોઇત્રા સામે સીબીઆઇ તપાસનો આદેશ : ભાજપ સાંસદનો દાવો
- નાણા લઇને સંસદમાં પ્રશ્ર પૂછવાનો કેસ
- 'સીબીઆઇ કા સ્વાગત હે, આઇએ ઓર મેરે જૂતે ગિનિએ ': તૃણમુલ સાંસદ મહુઆ મોઇત્રા
- એપેક્સ કમિટિએ મહુઆનું સાંસદપદ કરવાની ભલામણ કરી
નવી દિલ્હી : સંસદમાં પ્રશ્ર પૂછવાના બદલામાં નાણા લેવાના આરોપના કેસમાં તૃણમુલ સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે લોકપાલે મહુઆ મોઇત્રાની વિરુદ્ધ સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે.
દુબેએ જણાવ્યું છે કે લોકપાલે આજે મારી ફરિયાદ પર આરોપી સાંસદ મહુઆ મોઇત્રાની વિરુદ્ધ સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે.
દુબેની આ ટિપ્પણીનો જવાબ આપતા મોઇત્રાએ જણાવ્યું હતું કે સીબીઆઇએ સૌ પ્રથમ અદાણી ગુ્રપે આચરેલા કોલસા કૌભાંડની તપાસ માટે એફઆઇઆર દાખલ કરવી જોઇએ.
મોઇત્રાએ એક્સ પર જણાવ્યું હતું કે અદાણીએ પ્રથમ ૧૩ હજાર કરોડના કોલસા કૌભાંડમાં એફઆઇઆર દાખલ કરવી જોઇએ. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે કઇ રીતે એફપીઆઇ માલિકીની (ચીન અને યુએઇ સહિત) અદાણી કંપનીઓ ભારતીય પોર્ટ અને એરપોર્ટ ખરીદી રહી છે.
દુબેની ફરિયાદને પગલે લોકસભાની એથિક્સ કમિટી તપાસ કરી રહી છે. આ કમિટીમાં ભાજપના સાત, કોંગ્રેસના સાત, બસપાનો એક, શિવસેનાનો એક, વાયએસઆરસીપીનો એક, સીપીઆઇ (એમ)નો એક અને જદ(યુ)નો એક સભ્ય છે. મોઇત્રાએ દુબેના આ દાવા અંગે વધુમાં જણાવ્યું હતું કે સીબીઆઇનું સ્વાગત છે. આવો અને મારા પગરખા ગણો.
આ કેસમાં સંસદની એથિક્સ કમિટીએ નિશિકાંત દુબે અને મહુઆ મોઇત્રાના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાઇની પૂછપરછ કરી હતી.
જો કે મહુઆએ આ પૂછપરછ અંગે આરોપ મૂક્યો હતો કે તેમને અંગત પ્રશ્રો પૂછવામાં આવ્યા હતાં.