સંસદમાં સુરક્ષા ચૂક મામલે હોબાળા વચ્ચે લોકસભામાં 14, રાજ્યસભામાં 1 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ
રાજ્યસભામાં ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરાયા હતા
સંસદમાં સુરક્ષા ચૂક મામલે કર્યો હતો હોબાળો કરનારા લોકસભામાં 14 સાંસદ સસ્પેન્ડ
Congress MPs Suspended From Lok Sabha: લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળા માટે ગૃહથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે તેના બાદ પણ હોબાળો શાંત ન થતાં વધુ 9 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એટલે કે હવે કુલ 15 સાંસદો સસ્પેન્ડ થઈ ગયા છે જેમાં લોકસભામાં 14 અને રાજ્યસભામાં 1 સાંસદ સામેલ છે.
કોંગ્રેસના સાંસદો બાદ વધુ 9 સાંસદો સસ્પેન્ડ
કોંગ્રેસના 5 સાંસદોને સસ્પેન્ડ કરાયા બાદ પણ હોબાળો શાંત ન થતાં વધુ 9 સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમાં બેની બેહનન, મોહમ્મદ જાવેદ, પી.આર.નટરાજન, કનિમોઝી, વી.કે.શ્રીકંદન, કે.સુબ્રમણ્યમ, એસ.આર. પાર્થિબન, એસ.વેંકટેશન અને મનિકમ ટાગોર સામેલ છે.
સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી દળોએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ગૃહ મંત્રી શાહના નિવેદનની માગ કરી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકરે હોબાળો કરવાના આરોપમાં કોંગ્રેસના સાંસદો સામે આ કાર્યવાહી કરી હતી.
સંસદીય કાર્યમંત્રીએ આપી માહિતી
સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભામાં કહ્યું કે અમે બધા સહમત છીએ કે ગઈકાલે બનેલી ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ચૂક હતી અને આ મામલે લોકસભા અધ્યક્ષના નિર્દેશ પર અમે ઉચ્ચતરીય તપાસ શરૂ કરાવી દીધી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈપણ સભ્યથી રાજનીતિની અપેક્ષા નથી રખાતી. આપણે હવે પક્ષોની રાજનીતિથી ઉપર ઊઠીને કામ કરવું પડશે. સંસદમાં સુરક્ષા ચૂકની ઘટનાઓ પહેલા પણ બની હતી અને તે સમયે લોકસભાના અધ્યક્ષોના દિશાનિર્દેશો અનુસાર કાર્યવાહી ચાલતી જ રહી છે.
ડેરેક ઓબ્રાયન પણ સસ્પેન્ડ
અગાઉ રાજ્યસભામાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના સસ્પેન્શનને લઈને વિપક્ષી દળોના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હોબાળો કર્યો હતો.