'બટન મારી પાસે નથી હોતું...', સંસદમાં રાહુલ ગાંધીએ માઇક ચાલુ કરવા કરી વિનંતી તો સ્પીકરે જુઓ શું કહ્યું
Parliament Session: NEET પેપર લીકનો મુદ્દો આજે (28મી જૂન) સંસદમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર પાસેથી NEET પેપર લીક પર ચર્ચાની માંગ કરી અને વિપક્ષે સ્થગિત દરખાસ્ત આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. અમે સંસદમાં પક્ષ અને વિપક્ષની ચર્ચા કરીને વિદ્યાર્થીઓને એક સંદેશ આપવા માંગીએ છીએ.' જો કે, લોકસભાના સ્પીકર ઓમ બિરલા તરત જ NEET પર ચર્ચા કરવા સંમત થયા ન હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પીકર પાસે બે મિનિટનો સમય માંગ્યો હતો. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, 'તમે માત્ર બે મિનિટ નહીં પરંતુ તમારી પાર્ટીનો આખો સમય લઈ શકો છો. તમે વિપક્ષના નેતા છો, સંસદીય મર્યાદાનું પાલન કરો. હું માઈક બંધ કરતો નથી, અહીં કોઈ બટન નથી.'
કોંગ્રેસે માઈક બંધ કરવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, 'પેપર લીક થવાથી યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે. NEET પરીક્ષામાં પણ પેપર લીક થાય છે અને સરકાર કંઈ કરતી નથી. આજે આ લોકોએ ગૃહમાં રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દીધું હતું.'
આ પણ વાંચો: VIDEO: NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા
કોંગ્રેસે આ મુદ્દે 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, 'એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી NEET પર કંઈ નથી બોલી રહ્યા, તો બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગૃહમાં યુવાનોનો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ માઈક બંધ છે આ પ્રકારનું નાનું કૃત્ય કરીને યુવાનોનો અવાજ દબાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.'
રાહુલ ગાંધી NEET મુદ્દે ચર્ચા ઇચ્છતા હતા
સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'ગુરૂવારે (27મી જૂન) તમામ વિપક્ષી પાર્ટીઓના ફ્લોર લીડર્સની એક બેઠક થઈ હતી અને બધા સાથે એ વાત પર સહમતિ થઈ હતી કે NEETના મુદ્દા પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે આ યુવાનોનો મુદ્દો છે અને તેના પર યોગ્ય રીતે ચર્ચા થવી જોઈએ. તમારે પણ ચર્ચામાં જોડાવું જોઈએ, કારણ કે આ યુવાનોની વાત છે. આ સંદેશ સંસદમાંથી જવો જોઈએ કે ભારત સરકાર અને વિપક્ષ સાથે મળીને વિદ્યાર્થીઓ વિશે વાત કરી રહ્યા છે.'