Get The App

સંસદમાં કયાં બિલ પર કેટલી ચર્ચા થશે...તે બિઝનેસ એડવાઇઝરી કમિટી નક્કી કરે છે, જાણો શું છે તેનું કાર્ય

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Business Advisory Committee


Business Advisory Committee: સંસદનો ચોમાસુ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. તમામની નજર નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ રજૂ થનારા બજેટ પર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બિઝનેસ એડવાઈઝરી કમિટીની રચના કરી છે. સમિતિના અધ્યક્ષ ઓમ બિરલા બન્યા છે.

બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં વિભિન્ન પક્ષના 14 સાંસદોને સભ્યની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટી લોકસભાના કામકાજ માટે અત્યંત મહત્ત્વની છે. આવો જાણીએ કે, તે શું કામ કરે છે, અને તેમાં કોની પસંદગી કરવામાં આવે છે.

બિઝનેસ એડવાઈઝરી કમિટી શું કામ કરે છે?

બિઝનેસ એડવાઈઝરી કમિટી સંસદના વિવિધ કાર્યોમાં અસરકારક રીતે મદદ કરવા માટે સદન દ્વારા નિયુક્ત અથવા ચૂંટાયેલા સાંસદોની પેનલ છે. આ સમિતિ સ્પીકર (લોકસભા) અથવા અધ્યક્ષ (રાજ્યસભા)ના નિર્દેશન હેઠળ કામ કરે છે. બિઝનેસ એડવાઇઝરી કમિટી એ સંસદની એક સ્થાયી કમિટી છે, જેની રચના ચોક્કસ સમયાંતરે કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દરેક સત્રની શરૂઆતમાં મળે છે. આ કમિટી સરકારી બિલો અને અન્ય કામકાજ માટે કેટલો સમય ફાળવવો જોઈએ તેનુ સૂચન કરે છે. તે ફક્ત તે જ બિલોને ધ્યાનમાં લે છે જેને અધ્યક્ષ દ્વારા ગૃહના નેતા સાથે પરામર્શ કર્યા પછી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોય.

કમિટી પોતાની પહેલ પર, સરકારને ગૃહમાં ચર્ચા માટે વિશેષ વિષયો અંગે ભલામણ પણ કરી શકે છે. જેમાં તે ચર્ચાઓ માટે સમયની ફાળવણીનું ધ્યાન રાખે છે. કમિટીની અન્ય ફરજો સમયાંતરે અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવી શકે છે. કમિટી દ્વારા લેવામાં આવતા નિર્ણયો હંમેશા સર્વસંમત હોય છે. લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં અધ્યક્ષ સહિત 15 સભ્યો હોય છે. જો આમાંથી કોઈ સભ્ય પોતાની ભૂમિકા પરથી દૂર થાય તો અધ્યક્ષ નવા સભ્યની નિમણૂક કરી શકે છે. કમિટીમાં ગૃહના લગભગ તમામ વિભાગોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. વિપક્ષી દળોના કેટલાક સભ્યો કે જેમને કમિટીમાં સ્થાન મળતું નથી તેઓને અધ્યક્ષ દ્વારા બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. આ કમિટીની સૌપ્રથમ રચના 14 જુલાઈ 1952ના રોજ કરવામાં આવી હતી.

આ વખતે કમિટીમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, અનુરાગ સિંહ ઠાકુર, ભર્તૂહરિ મહતાબ, પીપી ચૌધરી, બિજયંત પાંડા, ડૉ. સંજય જયસ્વાલ વગેરે સમાવિષ્ટ છે. જ્યારે વિપક્ષમાંથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશ, ગૌરવ ગોગોઈ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, ડીએમકેના દયાનિધિ મારન, શિવસેનાના યુબીટીના અરવિંદ સાવંતને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ઓમ બિરલાની અધ્યક્ષતા હેઠળની કમિટીમાં સુદીપ બંદોપાધ્યાય (તૃણમૂલ કોંગ્રેસ), પીપી ચૌધરી (બીજેપી), લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ (ટીડીપી), નિશિકાંત દુબે (ભાજપ), ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ), સંજય જયસ્વાલ (ભાજપ), દિલેશ્વર કામત (જેડીયુ) સમાવિષ્ટ છે.


  સંસદમાં કયાં બિલ પર કેટલી ચર્ચા થશે...તે બિઝનેસ એડવાઇઝરી કમિટી નક્કી કરે છે, જાણો શું છે તેનું કાર્ય 2 - image


Google NewsGoogle News