Get The App

રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનતા મોદી સરકાર સામે મોટો પડકાર, કેબિનેટ મંત્રી જેવો હોય છે આ હોદ્દો

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Om Birla, Narendra Modi And Rahul Gandhi in Lok Sabha


Lok Sabha Speaker Election Controversy : લોકસભાની કામગીરી ગરમાગરમી સાથે શરૂ થઈ. સંસદમાં કામના શ્રીગણેશ થયાને હજુ તો ફક્ત બે જ દિવસ થયા ત્યાં તો સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેએ પોતપોતાના તેવર દેખાડી દીધા. લોકસભા અધ્યક્ષની ચૂંટણી અને બંધારણનો વિવાદ એ બંને મુદ્દે આકરા વલણ અખત્યાર કરાયા. 

શું કહ્યું રાહુલ ગાંધીએ?

સ્પીકરની પસંદગી મુદ્દે એકમત ન થઈ શકાયું. આખરે ધ્વનિમતે એનડીએની પસંદગી એવા ઓમ બિરલાને સ્પીકર બનાવાયા. રાહુલ ગાંધીએ ઓમ બિરલા સાથે હાથ મિલાવીને એમને આવકાર્યા અને અભિનંદન પણ આપ્યા, પણ સાથોસાથ તેઓ ટોણો મારવાનું પણ ન ચૂક્યા. ઓમ બિરલાને સંબોધીને રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘લોકસભા દેશના લોકોનો અવાજ રજૂ કરે છે અને એ અવાજ યોગ્ય રીતે રજૂ થાય એ બાબતે સ્પીકરની ભૂમિકા નિર્ણાયક હોય છે. ફક્ત સત્તાધારી પક્ષ જ નહીં, વિપક્ષ પણ ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. એમાંય ગત લોકસભાની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં તો વિપક્ષને લોકોનું વધુ સમર્થન મળ્યું છે. જનતાની અવાજને રજૂ કરવા વિપક્ષ કટીબદ્ધ છે અને અમે આશા કરીએ છીએ કે સ્પીકર તરીકે તમે અમને એ કામ કરવામાં સહયોગી સાબિત થશો, અમારો અવાજ રજૂ કરવાની તક આપશો.’ 

રાહુલ ગાંધીને મોઘમમાં કહી દીધું કે, સ્પીકર તરીકે તમારે ફક્ત સત્તાધારી પક્ષની કઠપૂતળી બનવાનું નથી,, વિપક્ષનું પણ સાંભળવું પડશે. ઓમ બિરલાને કહીને એમણે સત્તાધારી પક્ષને સંભળાવી દીધું હતું. 

105 વર્ષ જૂના કાયદાથી લોકસભા બની, કઈ રીતે આવ્યું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ

શું બોલ્યા હતા ઓમ બિરલા?

સ્પીકર તરીકેના પોતાના પહેલા જ સંબોધનમાં ઓમ બિરલાએ પચાસ વર્ષ પહેલાં ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીની નિંદા કરી હતી. એમણે કહ્યું હતું, ‘આ ગૃહ 1975માં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. એ સમયે ઇમરજન્સીનો વિરોધ કરનાર, એની સામે લડનાર અને દેશની લોકશાહીના રક્ષણની જવાબદારી નિભાવનાર તમામ લોકોની અમે પ્રશંસા કરીએ છીએ.’ 

ઈમરજન્સીને લોકશાહીના ઈતિહાસમાં કાળો અધ્યાય ગણાવીને સ્પીકરે કોંગ્રેસની ઈન્દિરા ગાંધી સરકારની ટીકા કરી હતી અને ગૃહમાં બે મિનિટનું મૌન પણ પળાવ્યું હતું. એમના આવા વલણથી નાખુશ થઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. 

લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા દેશના વડાપ્રધાન

સરકાર સામે પડકાર, એક નહીં બે

એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે મોદી સરકાર માટે પાછલા દસ વર્ષોમાં હતી એવી આસાન રાહ આગામી પાંચ વર્ષમાં નહીં હોય. સહયોગી દળો પૈકીના નિતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને સતત સાથે રાખીને સરકારે આગળ વધવું પડશે. પ્રત્યેક મોટા નિર્ણયોમાં એમની સહમતી જોઈશે. ભૂતકાળમાં એનડીએના સાથી પક્ષોના દબાણમાં વાજપેયી-અડવાણીની ભાજપ સરકારે રામમંદિરના મુદ્દે પીછેહઠ કરીને મધ્યમ માર્ગ અપનાવવો પડ્યો હતો. એ સમયે ભાજપના નેતાઓના ભાષણો અને ગઠબંધન સરકારની ચૂંટણીની જાહેરાતોમાં દેખીતો ફરક જોવા મળતો હતો. વર્તમાન ભાજપની હાલત પણ કંઈક એવી જ થઈ શકે એમ છે. સાથી દળોને સંભાળવા એણે ‘ગરજવાન’ બની રહેવું પડશે. 

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યાં હાથ, સંસદમાં સર્જાયું આ દૃશ્ય, જાણો શું હતો મામલો

સત્તાધારી પક્ષ માટે પડકાર બનશે ઈન્ડિ ગઠબંધન

સામી છાવણીના નેતા એવા રાહુલ ગાંધી પણ આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકને મળેલા જનસમર્થનથી ભારે ઉત્સાહમાં છે. સંસદની શરૂઆતી કામગીરીમાં જોવા મળેલા એમના વલણથી સ્પષ્ટ થાય છે કે આ વખતે તેઓ સત્તાધારી પક્ષ માટે વિશેષપણે પડકારજનક બનવાના છે. એનડીએના ચૂંટાયેલા સાંસદોની સંખ્યા વધુ હોવાથી સ્પીકર એમની પસંદગીના જ બનવાના હતા એ તો દેખીતી વાત હતી, છતાં વિપક્ષ આ મુદ્દાને ચોળીને ચીકણું કરવામાં સફળ થયો. સ્પીકરપદ માટે ચૂંટણીની ફરજ પાડીને વિપક્ષે પોતાની હાજરી સ્થાપિત કરવાનો સફળ પ્રયાસ કર્યો. હાથમાં બંધારણની નકલ લઈને તેઓ સંસદમાં પહોંચ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો. ભવિષ્યમાં પણ સત્તાધારી પક્ષના પ્રત્યેક નિર્ણયમાં વિપક્ષી નેતા આ જ રીતે વિરોધના વાવટા ફરકાવશે, એવું લાગે છે.


Google NewsGoogle News