કોણ બનશે લોકસભા અધ્યક્ષ? TDPના નિવેદનથી વિપક્ષને મળ્યો મોકો, ફરી આપી ઓફર

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Lok Sabha Speaker Election


Lok Sabha Speaker Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ બાદ લોકસભા સચિવાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી 26મી જૂને યોજાશે. હવે 18મી લોકસભાના અધ્યક્ષ પદને લઈને તેજ થઈ ગઈ છે. જો કે,  એનડીએ ગઠબંધનના ઉમેદવાર કોણ હશે તે સ્પષ્ટ થયું નથી.

I.N.D.I.A. ગઠબંધનનું શું કહેવું છે?

I.N.D.I.A. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે, લોકસભા અધ્યક્ષનું પદ જેડીયુ અથવા ટીડીપી પાસે જવું જોઈએ. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ 240 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ એકલા હાથે બહુમતી હાંસલ કરી શકી નહોતી. આવી સ્થિતિમાં એનડીએના સહયોગી પક્ષ જેડીયુ અને ટીડીપી કિંગમેકર બની ગયા. ટીડીપીને 16 અને જેડીયુએ 12 બેઠક જીતી છે. સૂત્રોના જણાવ્યાનુસાર,  ભાજપ લોકસભા અધ્યક્ષ પદ પોતાની પાસે રાખશે અને સાથે પક્ષને લોકસભાના નાયબ અધ્યક્ષ પદ આપશે.  

એનડીએના સાથી પક્ષને લોકસભા અધ્યક્ષ પદ મળવું જોઈએ: TDP

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પક્ષ જેડીયુ જે એનડીએનો ભાગ છે. તેમણે લોકસભા અધ્યક્ષ પદ માટે ભાજપને સમર્થન આપ્યું છે. જો કે, ટીડીપીનું કહેવું છે કે, એનડીએ ગઠબંધનને નેતાઓ સાથે ચર્ચા કરીને ઉમેદવારનું નામ સર્વસંમતિથી નક્કી કરવું જોઈએ. 

ટીડીપીના પ્રવક્તા પટ્ટાભી રામ કોમરેડ્ડીએ જણાવ્યું હતું કે, 'એનડીએના સાથી પક્ષોએ સાથે બેસીને નક્કી કરશે કે લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવાર કોણ હશે. એક વખત સર્વસંમતિ બાદ જ ઉમેદવારને મેદાનમાં ઉતારીશું અને ટીડીપી સહિત તમામ સહયોગીઓ તે ઉમેદવારને સમર્થન આપશે.' જો કે, અધ્યક્ષ પદ માટે આંધ્ર પ્રદેશના ભાજપના નેતા દગ્ગુબતી પુરંદેશ્વરીનું નામ સૌથી આગળ છે. બીજી તરફ અમલાપુરમથી ટીડીપી સાંસદ જી.એમ. હરીશ બાલયોગી પણ અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

સંજય રાઉતે ટીડીપીને ઓફર કરી 

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે રવિવારે(16મી જૂન) કહ્યું હતું કે, 'લોકસભા અધ્યક્ષ પદ માટેની ચૂંટણી ખૂબ જ મહત્ત્વની છે. આ વખતે સ્થિતિ 2014 અને 2019 જેવી નથી. મે સાંભળ્યું છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અધ્યક્ષ પદ માગ્યું છે. જો ટીડીપી પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. તો I.N.D.I.A.ગઠબંધન તેમને સમર્થન આપશે.'

સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, 'નિયમ મુજબ લોકસભાના નાયબ અધ્યક્ષનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, લોકસભાના નાયબ અધ્યક્ષનું પદ17મી લોકસભાથી ખાલી છે. આ પદ હંમેશા વિપક્ષી દળો પાસે રહ્યું છે.

લોકસભા અધ્યક્ષ પાસે કેટલી સત્તા હોય છે?

ગૃહનું કામકાજ સુચારૂ રીતે ચલાવવાની જવાબદારી સ્પીકરની છે. સભ્યોની ગેરલાયકાત પર સ્પીકરના અભિપ્રાય પણ મહત્વપૂર્ણ છે. જો બિલ પર સમાન મત હોય તો સ્પીકરના મત નિર્ણાયક સાબિત થાય છે.



Google NewsGoogle News