Get The App

ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરી, વિપક્ષે હોબાળા બાદ સૂત્રોચ્ચાર કર્યા, લોકસભાની કાર્યવાહી સ્થગિત

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરી, વિપક્ષે હોબાળા બાદ સૂત્રોચ્ચાર કર્યા, લોકસભાની કાર્યવાહી સ્થગિત 1 - image


Lok Sabha Speaker Election 2024: ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે. બુધવારે તેઓ ધ્વનિ મત દ્વારા સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ત્યારે પોતાના પ્રથમ સંબોધનમાં જ ઓમ બિરલાએ કટોકટીની આકરી ટીકા કરી હતી. જે બાદ ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્પીકર પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે વિપક્ષી ભારતીય બ્લોકે કેરળના માવેલિકારાથી 8 વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા.

+

• Lok Sabha Speaker Election LIVE UPDATES

13:40

લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરતા જ વિપક્ષે હોબાળો કરીને ગૃહમાં સૂત્રોચ્ચાર શરુ શરુ કરી દીધો હતો. હોબાળાને પગલે સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી ગુરુવાર (27 જૂન) સુધી સ્થગિત કરી દીધી હતી.

13:28

બિરલાએ લોકસભામાં કટોકટીની ટીકા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં તેમની કેબિનેટની રજૂઆત કરી. આ પછી સ્પીકર ઓમ બિરલાએ ઈમરજન્સીની ટીકા કરી હતી. ઓમ બિરલાએ કટોકટીને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો. આ દરમિયાન તેમણે ગૃહમાં 2 મિનિટનું મૌન પણ રખાવ્યું હતું. ઓમ બિરલાએ કહ્યું કે 'આ ગૃહ 1975માં દેશમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે, અમે તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી  નિભાવી.'

11:35 AM 

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી હતી. 

11:30 AM 

ઓમ બિરલાને વડાપ્રધાને શુભેચ્છા પાઠવી 

વડાપ્રધાન મોદીએ સતત બીજી વખત સ્પીકર બનવા બદલ ઓમ બિરલાને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ તમે અમારા સૌનું માર્ગદર્શન કરશો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિનમ્ર અને વ્યવહાર કુશળ વ્યક્તિ હંમેશા સફળ થાય છે. બીજી વખત સ્પીકરની જવાબદારી મળતાં નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. બલરામ જાખડ બાદ તમે જ એવા છે જેમને આ જવાબદારી બીજી વખત મળી છે. તમે નવો ઈતિહાસ બનાવ્યો છે. બધા સાંસદો તમને ઓળખે છે. 

11:20 AM 

પીએમ મોદી અને રાહુલ ગાંધી આસન સુધી લઈ ગયા 

લોકસભા સ્પીકર તરીકે વરણી થયા બાદ ઓમ બિરલાને ગૃહના લીડર વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઈ ગયા હતા. ઓમ બિરલાના આસન સુધી પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ ઊભા થઈ ગયા અને તેમણે કહ્યું - હવે આ તમારું આસન છે અને તમે જ સંભાળો. 


11:10 AM 

ધ્વનિમતથી NDAના ઉમેદવારની લોકસભા સ્પીકર પદ માટે પસંદગી કરી લેવામાં આવી છે. ફરી એકવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર બની ગયા છે.  

11:05 AM 

વડાપ્રધાન મોદીએ સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો 

વડાપ્રધાન મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેનું સમર્થન કર્યું. લલન સિંહ પણ ઓમ બિરલાના નામના પ્રસ્તાવક બન્યાં. ડૉક્ટર રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો. 

11:04

I.N.D.I.A. ગઠબંધન તરફથી કે. સુરેશ માટે કોણ પ્રસ્તાવક બન્યા? 

1. પ્રથમ પ્રસ્તાવક અરવિંદ સાવંત

2. બીજા પ્રસ્તાવક આનંદ બધોરિયા 

3. ત્રીજા પ્રસ્તાવક સુપ્રિયા સુલે 

કોણ કરશે સમર્થન? 

1. એનકે પરમચંદ્રન

2. તારિક અનવર

3. કનિમોઝી


11:00 AM

મમતા બેનરજીની પાર્ટી I.N.D.I.A ગઠબંધનને કરશે સમર્થન

વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.ને હવે લોકસભા સ્પીકરના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન મળતું દેખાય છે. એવા અહેવાલ છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સમર્થન માટે મનાવી લીધા છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ભાજપે આ અંગે TMC સુપ્રીમો સાથે પણ વાત કરી હતી. અગાઉ ટીએમસીએ સ્પીકર ઉમેદવાર તરીકે કે.સુરેશની 'એકતરફી પસંદગી' પર નારાજગી વ્યક્ત કરી હતી.

542 સાંસદો કરશે વોટિંગ 

543 સભ્યોની લોકસભામાં હાલમાં 542 સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. 293 સાંસદો સાથે NDA પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધન પાસે 233 સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે NDA કે I.N.D.I.A.નો ભાગ નથી તેમના 16 સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જો આ 16 સાંસદો I.N.D.I.A.ના ઉમેદવારને સમર્થન આપે તો પણ તેની સંખ્યા 249 સુધી પહોંચી શકશે. જ્યારે ચૂંટણી જીતવા માટે 271 વોટની જરૂર પડશે.

ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરી, વિપક્ષે હોબાળા બાદ સૂત્રોચ્ચાર કર્યા, લોકસભાની કાર્યવાહી સ્થગિત 2 - image


Google NewsGoogle News