'સંસદ સુરક્ષા ચૂકઃ આરોપીઓનો પ્લાન આત્મહત્યાનો હતો , આ કારણે ગયો નિષ્ફળ', પોલીસ સમક્ષ આરોપી સાગરનો ખુલાસો
સંસદની સુરક્ષાને ભંગ કરનારા 6 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે
પ્રતાપ સિંહાએ જ આ આરોપીઓમાંથી બે આરોપીને વિઝિટર પાસ આપ્યો હતો
Image:SocialMedia |
Security Breach Of Parliament : સંસદની સુરક્ષાને ભંગ કરનારા 6 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ ખુલાસો કર્યો છે કે લોકસભામાં સ્મોક કેન સાથે ઘુસવાની યોજના બનાવવા પહેલા તેઓ કેટલાંક અન્ય પ્લાન પણ બનાવી રહ્યા હતા. તેઓએ સંસદમાં જ આત્મદાહ કરવાની અને પેમ્ફલેટનું વિતરણ કરવાની યોજના બનાવી હતી.
સ્મોક કેનમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે તપાસ હાથ ધરી છે. આવી સ્થિતિમાં સ્પેશિયલ સેલ ભાજપના સાંસદ પ્રતાપ સિંહાનું પણ નિવેદન રેકોર્ડ કરવાની યોજના બનાવી રહ્યું છે. પ્રતાપ સિંહાએ જ આ આરોપીઓમાંથી બે આરોપીને વિઝિટર પાસ આપ્યો હતો. સંસદના શૂન્યકાળ દરમિયાન વિઝિટર ગેલેરીથી લોકસભામાં કૂદનારા આ બે આરોપીનું નામ સાગર શર્મા અને મનોરંજન છે. આ બંને પાસે સ્મોક કેન હતા, જેમાંથી તેમણે પીળો ધુમાડો કાઢ્યો હતો. તેમણે સંસદમાં સૂત્રોચ્ચાર કરીને અરાજકતા ફેલાવી હતી. આ દરમિયાન ગૃહમાં હાજર સાંસદોએ તેમને ઝડપી લીધા હતા.
ખાસ પ્રકારનું અગ્નિવિરોધી જેલ લગાવી આત્મવિલોપન કરવાના હતા
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ યોજનાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા આરોપીઓએ કેટલાક વિકલ્પો તૈયાર રાખ્યા હતા, જે સરકારને તેમનો સંદેશ મોકલવામાં અસરકારક હોઈ શકે. તેઓ પહેલા પોતાના શરીર પર ખાસ પ્રકારનું અગ્નિવિરોધી જેલ લગાવીને આત્મવિલોપન કરવાના હતા, પરંતુ ઓનલાઈન પેમેન્ટ નહીં થઈ શકવાના કારણે તેઓ જેલ ખરીદી ના શક્યા. આ ઉપરાંત તેમણે સંસદમાં પેમ્ફલેટનું વિતરણ કરવાનું પણ વિચાર્યું હતું, પરંતુ એ યોજના પણ પડતી મૂકી અને પછી તેઓ બીજી એક યોજના સાથે આગળ વધ્યા, જેનો તેમણે બુધવારે અમલ કર્યો હતો.'
લલિત ઝા સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ છે
સંસદ ભવનમાં ઘૂસણખોરી સંબંધિત ષડયંત્રના કેસમાં આરોપીની અલગ-અલગ પૂછપરછ ચાલી રહી છે. દિલ્હી પોલીસે ગઈકાલે સ્થાનિક કોર્ટને જણાવ્યું કે સંસદની સુરક્ષામાં ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ લલિત ઝા સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ છે. તે અને અન્ય આરોપીઓ દેશમાં અરાજકતા ફેલાવવા માંગતા હતા. જેથી તેઓ સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા દબાણ કરી શકે. સૂત્રોના જણાવ્યા મુજબ 13 ડિસેમ્બરે બનેલી ઘટનાની ગતિવિધિનું પુનરાવર્તન કરવા માટે પોલીસ સંસદની મંજૂરી લઈ શકે છે.
લલિત ઝાને સાત દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો
પશ્ચિમ બંગાળના રહેવાસી લલિત મોહન ઝાને ધરપકડ બાદ ગઈકાલે સાત દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં દાવો કર્યો કે લલિતે સ્વીકાર્યું છે કે સંસદની સુરક્ષા ભંગ કરવાના ષડ્યંત્ર માટે આરોપીઓ ઘણી વખત એકબીજાને મળ્યા હતા. પોલીસે કહ્યું કે આ સિવાય આરોપીની પૂછપરછ કરવાની જરૂર છે જેથી એ જાણવા મળે કે તેનો કોઈ દુશ્મન દેશ કે આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે કેમ.