ભાજપનો મુખ્ય મહિલા ચહેરો અને કદાવર નેતાનો લોકસભા ચૂંટણી લડવા નનૈયો, કહ્યું- 'પૈસા નથી..'
જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો
image : IANS |
Lok Sabha Elections 2024 | કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ (BJP) ના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે 'જરૂરી ફંડ' નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રીની મોટી જાહેરાત
એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું, "ઘણાં દિવસો સુધી વિચાર્યા પછી મેં જવાબ આપ્યો... કદાચ નહીં. મારી પાસે ચૂંટણી લડવા માટે આટલા પૈસા નથી, પછી તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. જીતવા માટે અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે... શું તમે આ સમુદાયથી છો કે એ ધર્મથી છો? તમે ક્યાંના છો? મને નથી લાગતું કે હું આ બધું કરવા સક્ષમ છું."
ફંડ કેમ નથી... જણાવ્યું કારણ
નિર્મલા સીતારમણે કહ્યું કે, "હું ખૂબ આભારી છું કે ભાજપના નેતૃત્વએ મારી અરજી સ્વીકારી... તેથી જ હું ચૂંટણી લડી રહી નથી." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી? તો તેમણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ તેમનું અંગત ફંડ નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતનો કોન્સોલિડેટેડ ફંડ મારું નથી.
હું ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરીશ : સીતારમણ
સત્તાધારી ભાજપે 19 એપ્રિલથી શરૂ થનારી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના અનેક વર્તમાન સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. સીતારમણ કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય છે. નાણામંત્રીએ કહ્યું કે તે અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરશે. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ.