જેડીયુ, એલજેપી(આર)... મોદી કેબિનેટમાં બિહારથી કયા પક્ષના કેટલા મંત્રી?, આખરે બની ગઈ ફોર્મ્યુલા

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
જેડીયુ, એલજેપી(આર)... મોદી કેબિનેટમાં બિહારથી કયા પક્ષના કેટલા મંત્રી?, આખરે બની ગઈ ફોર્મ્યુલા 1 - image


Lok Sabha Elections Result 2024: નરેન્દ્ર મોદી નવીમી જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મંત્રીમંડળ સાથે વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર શપથ લેશે. બિહારથી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોને સામેલ કરવામાં આવશે તેની ફોર્મ્યુલા એનડીએના નેતાઓએ બનાવી છે. નોંધનીય છે કે, બિહારમાં ભાજપ અને જેડીયુ સિવાય ચિરાગ પાસવાનના પક્ષ એલજેપી (આર), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક માર્ચા એનડીએમાં સામેલ છે. જો કે, આરએલએમ કારાકાટ બેઠક જીતી શકી નથી, જ્યાંથી તેના નેતા ઉપેન્દ્ર કુશવાહા એનડીએના ઉમેદવાર હતા.

બિહારથી કયા પક્ષના કેટલા મંત્રી બનશે?

અહેવાલો અનુસાર, બિહાર સરકારમાં જે ફોર્મ્યુલા પર મંત્રી પરિષદની રચના કરવામાં આવી છે તે  ફોર્મ્યુલા આધારે કેન્દ્રમાં મંત્રીઓ બનાવવામાં આવશે.  બિહારના ભાજપના જેટલા સાંસદો મંત્રી બનશે, એટલી જ સંખ્યામાં જેડીયુના સાંસદો પણ મંત્રી બનશે. જેડીયુ અને ભાજપ અલગ-અલગ જ્ઞાતિ સમીકરણો અનુસાર મંત્રી પદ માટે તેમના સાંસદોની પસંદગી કરશે. જેમ કે, જો યાદવ જ્ઞાતિના સાંસદને ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવે તો જેડીયુમાંથી કોઈ યાદવ સાંસદ મંત્રી નહીં બને. એલજેપી અને હમને 1-1 મંત્રી પદ મળશે. બિહારમાં NDAએ 40માંથી 30 બેઠક જીતી છે. જેમાં ભાજપની 12, જેડીયુની 12, એલજેપી (આર)ની પાચ અને એચએએમ (સેક્યુલર)ની 1 બેઠકનો સમાવેશ થાય છે.

કેન્દ્રમાં બિહાર-આંધ્રનું પ્રતિનિધિત્વ વધશે!

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના નવા મંત્રીમંડળમાં બિહાર અને આંધ્રપ્રદેશને વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે. જો કે, નવા મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે, કારણ કે અહીં ભાજપની બેઠકોમાં 29 બેઠકોનો ઘટાડો થયો છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં 72 સભ્યોની મંત્રી પરિષદમાં ઉત્તર પ્રદેશના 13 સાંસદો મંત્રી હતા. તેમાંથી આ વખતે સ્મૃતિ ઈરાની, મહેન્દ્ર નાથ પાંડે, સંજીવ બાલિયાન, કૌશલ કિશોર જેવા કેટલાક મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. 

મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશથી મંત્રીઓની સંખ્યા ઓછી થઈ શકે છે

મહારાષ્ટ્રમાં આ વખતે એનડીએ 48માંથી માત્ર 17 બેઠક જીતી શકી છે, જ્યારે વર્ષ 2019માં એનડીએ 42 બેઠક જીતી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, જનતા દળ (યુનાઈટેડ) પાસે લોકસભામાં 12 અને રાજ્યસભામાં 4 સાંસદો છે, તે કેન્દ્રમાં એનડીએ સરકારમાં રેલવે, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગો ઈચ્છે છે. જેડીયુના રાજ્યસભાના સાંસદોમાં સંજય કુમાર ઝાનો સમાવેશ થાય છે, જે એનડીએ નેતાઓની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા.

જેડીયુના આ સાંસદો કેન્દ્રમાં મંત્રી બની શકે છે

એનડીએની બેઠકમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂર ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર પણ હાજર હતા. હરિવંશ જેડીયુના ચાર રાજ્યસભા સાંસદોમાંથી એક છે અને તેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હોવાથી તેઓ મંત્રી પદની દાવેદારી નથી. જેડીયુના જે સાંસદોને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે તેમાં રાજીવ રંજન અને કૌશલેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે,  રાજીવ રંજન મુંગેરથી જીત્યા છે, જ્યારે કૌશલેન્દ્ર કુમાર નાલંદાથી જીત્યા છે. હમ (સેક્યુલર)ના વડા જીતન રામ માંઝી ગયાથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે અને તેમને પણ મોદી સરકારમાં સ્થાન મળી શકે છે.

ચિરાગ પાસવાન મંત્રી બની શકે છે

લોક જનશક્તિ પાર્ટી (આર)ના ચિરાગ પાસવાનને મત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (આર)એ પાચ બેઠક જીતી છે. એનડીએ સંસદીય દળની બેઠકમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કર્યું હતું.



Google NewsGoogle News