અમેઠીમાં કોંગ્રેસના કે.એલ. શર્મા આપશે સ્મૃતિ ઈરાનીને ટક્કર, જાણો આ નિર્ણયનું રાજકીય ગણિત
Lok Sabha Elections 2024: ઉત્તર પ્રદેશની સૌથી મહત્ત્વપૂર્ણ લોકસભા બેઠક અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસે (Congress) ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્મા (K.L.Sharma)ને ટિકિટ આપી છે. જ્યારે રાયબરેલીથી રાહુલ ગાંધી (Rahul Gandhi) ચૂંટણી મેદાન છે. આ બંને બેઠકો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. સોનિયા ગાંધી (Sonia Gandhi) સતત ચાર વખત રાયબરેલીથી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી 2004માં પહેલીવાર અમેઠીથી સાંસદ બન્યા હતા. જો કે, હવે કોંગ્રેસે અમેઠી બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) સામે કે.એલ. શર્માને મેદાને ઉતાર્યા છે.
કિશોરી લાલ શર્મા કોણ છે?
અમેઠી બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના છે. કે.એલ. શર્માએ લાંબા સમય સુધી રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. તેઓ રાયબરેલીમાં આખું કામ સંભાળતા હતા. કે.એલ. શર્માને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. કે.એલ. શર્મા બિહારના પ્રભારી અને પંજાબ કોંગ્રેસ સમિતિના સભ્ય પણ છે. તેમને ચૂંટણી સંચાલનનો પણ ઘણો અનુભવ છે. પાર્ટીએ તેમને ઘણી ચૂંટણીઓમાં મેનેજમેન્ટની જવાબદારી પણ સોંપી હતી.
પ્રિયંકા ગાંધીના નામની પણ ચર્ચા હતી
અમેઠી લોકસભા બેઠકથી પ્રિયંકા ગાંધીના નામને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. પ્રિયંકા ગાંધીને પાર્ટી દ્વારા અમેઠીથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો, જો કે, તેમણે ના પાડી હતી. આ ઉપરાંત રોબર્ટ વાડ્રાનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.
સ્મૃતિ ઈરાની અને કે.એલ. શર્મા વચ્ચે ચૂંટણી જંગ
આ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કે.એલ. શર્મા અને ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે ચૂંટણી જંગ જામશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમને કારમી હાર આપી હતી. નોંધનીય છે કે, સ્મૃતિ ઈરાની ત્રીજી વખત અમેઠીથી ચૂંટણી લડી રહી છે.
અમેઠીનું જ્ઞાતિ સમીકરણ શું છે?
જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અમેઠી લોકસભા બેઠકમાં દલિતો 26 ટકા, મુસ્લિમો 20 ટકા અને બ્રાહ્મણો 18 ટકા પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસને લાગે છે કે જ્ઞાતિ સમીકરણથી તેમને ફાયદો થઈ શકે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સ્મૃતિ ઈરાનીએ અહીં જે કામ કર્યું છે અને સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવા માટે જે કામ કર્યું છે તેના આધારે તેમને મત મળી શકે છે. સ્મૃતિ ઈરાની સતત લોકોની વચ્ચે જઈને જનસંપર્ક કરી રહી છે.