‘ભગવાન જાણે સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે કે નહીં’, રેવંત રેડ્ડીના નિવેદન પછી ભાજપના પ્રહાર
Lok Sabha Elections 2024: તેલંગાણા (Telangana)ના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ (congress) અધ્યક્ષ રેવંત રેડ્ડી (Revanth Reddy)એ વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાની આતંકી વિરુદ્ધ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 'ભગવાન જાણે સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે કે નહીં, તે કોઈ જાણતું નથી.' આ નિવેદન પર ભાજપે વળતો જવાબ આપ્યો છે.
રેવંત રેડ્ડીએ સર્જિકલ ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શનિવારે (11મી મે) એક કાર્યક્રમમાં કહ્યું કે, 'કેન્દ્ર સરકારે આજ સુધી પુલવામા હુમલાનો ખુલાસો કર્યો નથી. આ હુમલા પાછળ કોનો હાથ છે, હુમલામાં વપરાયેલ વિસ્ફોટક ક્યાંથી આવ્યું અને તેની તપાસ શા માટે કરવામાં આવી નથી.' પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવતા કહ્યું કે, 'ભગવાન જાણે સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે કે નહીં, તે કોઈ જાણતું નથી.'
રેવંત રેડ્ડીને ભાજપે વળતો જવાબ આપ્યો
રેવંત રેડ્ડીના નિવેદનનો જવાબ આપતા ભાજપના નેતા બંદી સંજય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'એક દિવસ, તેને પાકિસ્તાનના અખબાર તરફથી પ્રશંસા મળી. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલ કરે છે. કોંગ્રેસ હૈદરાબાદમાં આવેલા ગોકુલ ચેટ, મક્કા મસ્જિદ, દિલશુખનગર અને લુમ્બિની પાર્કમા થયેલા બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર છે. મને આશા નહોતી કે તેલંગાણાના મુખ્યમંત્રી રાજકીય લાભ માટે ભારતીય સેનાના બલિદાન પર સવાલ ઉઠાવશે.'
પુલવામામાં 40 જવાનો શહીદ થયા હતા
14મી ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં IEDથી ભરેલા વાહનને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની બસ સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આના જવાબમાં 26મી ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના ઠેકાણાને નિશાન બનાવ્યું, જેમાં મોટી સંખ્યામાં આતંકી માર્યા ગયા હતી.