17મી લોકસભાનો ભંગ, સાતમી જૂને સરકાર રચવાનો દાવો કરશે મોદી, નીતિશ-નાયડુનું સમર્થન
NDA Meeting : લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, NDA ગઠબંધનના નેતાઓ સાતમી જૂને રાષ્ટ્રપતિ ભવન પહોંચીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. એક કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (Droupadi Murmu)ને રાજીનામું આપીને લોકસભા ભંગ કરવાનું સૂચન કર્યું હતું, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. આ પહેલા પરિણામો બાદ આજે એનડીએની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં 10થી વધુ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નવી સરકાર બનાવવા માટે વડાપ્રધાન મોદીએ રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને આ સાથે લોકસભા ભંગ થઈ ગઈ છે.
NDAની બેઠકમાં આ નેતાઓ ઉપસ્થિત રહ્યા
દરમિયાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાન પર એનડીએની એક કલાક સુધી બેઠક ચાલી હતી, જેમાં 10થી વધુ પક્ષોના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં JDUના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, TDPના વડા ચંદ્રાબાબુ નાયડુ, ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના વડા સુદેશ મહંતો, RLDના જયંત ચૌધરી, જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, LJP (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન, અપના દળ (સોનેલાલ) નેતા અનુપ્રિયા પટેલ અને HAM નેતા જીતનરામ માંઝી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓને કહ્યું, અભિનંદન... બધાએ સારો સંઘર્ષ કર્યો. NDA હવે દેશના વિકાસ માટે કામ કરશે. અમે લોકો માટે અમારું કામ ચાલુ રાખીશું.
ટીડીપી, જેડીયુ, શિવસેનાએ એનડીએને સમર્થન પત્ર સોંપ્યા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ અને શિવસેના (શિંદે જૂથ)એ ભાજપને પોતાનો સમર્થન પત્ર સોપ્યો છે. એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા છે, જેના પર ગઠબંધનના 21 નેતાએ હસ્તાક્ષર કર્યા છે.
નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરવા બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો
આ માટે એક પ્રસ્તાવ પણ પસાર કરાયો છે, જેમાં લખાયું છે કે, ‘2024 ભારતના 140 કરોડ દેશવાસીઓએ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રમાં વિકાસ કરતો જોયો છે. ખૂબ લાંબા ગાળા બાદ લગભગ છ દાયકા પછી ભારતની પ્રજાએ સતત ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વની પસંદગી કરી છે. આપણને બધાને ગર્વ છે કે એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણી એકજૂટ રીતે લડી અને જીતી. આપણે સર્વસંમતિથી NDA નેતા નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે પસંદ કરીએ છીએ.’
સરકાર બનાવવાનો દાવો કરી શકે છે NDA
NDAના સાથી પક્ષના નેતા નરેન્દ્ર મોદી સાથે આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાષ્ટ્રપતિને મળવા જઇ શકે છે. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજનાથ સિંહ, ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પ્રફુલ્લ પટેલ રાષ્ટ્રપતિ ભવન જઇ શકે છે. તેમની સાથે જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત રહી શકે છે. NDA સંસદીય દળની બેઠક 7 જૂને સવારે 11 વાગ્યે યોજાશે. જેમાં નરેન્દ્ર મોદી ઔપચારિક રીતે નેતા તરીકે ચૂંટાશે. ત્યાર પછી 8 જૂને મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેઈ શકે છે.
વહેલી તકે સરકાર બનાવવી જોઈએ : નીતીશ કુમાર
એનડીએની બેઠક પૂર્ણ થયા બાદ નીતીશ કુમારે કહ્યું કે, ‘સરકાર બનાવવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આપણે જલદીથી સરકાર બનાવવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, ચંદ્રાબાબુની ટીડીપી 16 બેઠકો સાથે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.
સાથી પક્ષોએ મંત્રાલયોની યાદી પણ સુપરત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીડીપીએ છ મંત્રાલયોની સાથે સ્પીકર પદની માંગ કરી છે, જ્યારે જેડીયુએ ત્રણ મંત્રાલયની માંગ કરી છે. આ ઉપરાંત ચિરાગે બે એક કેબિનેટ અને એક સ્વતંત્ર મંત્રાલયની માંગ કરી છે. તો માંઝીએ એક, શિંદેએ બે એક કેબિનેટ અને એક સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રાલયની માંગ કરી છે. જયંત ચૌધરીએ કહ્યું છે કે, ‘ચૂંટણી પહેલા અમને મંત્રી પદ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, તો અનુપ્રિયા પટેલ પણ મંત્રી પદની માંગ કરી રહ્યા છે.’
NDAને લોકસભા ચૂંટણીમાં મળ્યો છે બહુમત
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને સૌથી વધુ 240 બેઠક મળી છે જ્યારે NDAને 292 બેઠક મળી છે. બીજી તરફ કોંગ્રેસને 99 બેઠક અને INDIA ગઠબંધનને 232 બેઠક મળી છે.