વડાપ્રધાન મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘અમે નવી ઊર્જા, ઉત્સાહ અને સંકલ્પો સાથે આગળ વધીશું’
Lok Sabha Elections Results 2024 | દેશમાં કોની સરકાર બનશે અને કયા પક્ષને કેટલી બેઠક મળી તે આજે સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. લોકસભા ચૂંટણીમાં દેશની 543 બેઠકની મત ગણતરી પૂર્ણ થઈ રહી છે. એક્ઝિટ પોલની સરખામણીમાં ઈન્ડિયા બ્લોકે જોરદાર ટક્કર આપી છે. એનડીએને 290થી વધુ બેઠક મળી ગઈ છે, પરંતુ ઈન્ડિયા બ્લોકનો આંકડો પણ 230ને પાર થઈ ગયો છે. જો એનડીએ સરકાર બનશે તો નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે. આ સાથે જ તેમનો ત્રણ વાર વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનશે. આ પહેલા જવાહરલાલ નહેરુના નામે આ રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. આ વખતે 96.88 કરોડ મતદારમાંથી 64.2 કરોડ મતદાર દ્વારા મત આપવાનો રેકોર્ડ પણ નોંધાયો છે.
ELECTION RESULTS LIVE UPDATES :
11:00 PM
અમે લોકોનો અવાજ ઉઠાવતા રહીશું : કનૈયા કુમાર
કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારે હાર બાદ ટ્વિટર પર લખ્યું છે કે, ‘હું ઉત્તર-પૂર્વ દિલ્હીના લોકો, કોંગ્રેસ પાર્ટી અને તમામ કાર્યકર્તાઓ, સહકાર્યકરો અને ઈન્ડિયા ગઠબંધનના તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે, જેમણે અમારી ચૂંટણીમાં યોગદાન આપ્યું. આ ભીષણ ગરમીમાં ચૂંટણી યોજવી પડકારજનક હતું. આ જવાબદારીમાં સફળ થયેલા ચૂંટણી પંચ, પોલીસ, સુરક્ષા કર્મચારીઓ અને વહીવટીતંત્ર પણ અભિનંદનને પાત્ર છે. મારા વિપક્ષી ઉમેદવાર મનોજ તિવારીને ત્રીજી વખત સાંસદ સભ્ય બનવા બદલ શુભેચ્છા. હું ઉત્તર પૂર્વ દિલ્હીના લોકો માટે સક્રિય રીતે વિપક્ષની ભૂમિકા નિભાવતો રહીશ અને તેમની માંગો અને મુદ્દાઓ પર અવાજ ઉઠાવતો રહીશ.
10ઃ15 PM
ભાજપે ચંદ્રાબાબુ નાયડુને હેરાન કર્યા : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આપણે સરકાર બનાવવાનો દાવો કરવો જોઈએ. હું કાલે સાંજે દિલ્હી જઈશ. ચોક્કસ આંકડા આવવાના બાકી છે. પરંતુ ભાજપના સાથી પક્ષો પણ ડરના કારણે તેમની સાથે છે. મને લાગે છે કે તેઓ (નાયડુ સહિત અન્ય ગઠબંધન સાથે) ગઠબંધનમાંથી બહાર આવશે. ભાજપે ચંદ્રાબાબુ નાયડુને પરેશાન કર્યા હતા.
10ઃ00 PM
શિવરાજ સિંહ ચૌહાણનો ભવ્ય રોડ-શો
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણની જીત થયા બાદ તેમણે રોડ-શો યોજ્યો હતો.
09ઃ15 PM
ભાજપ કાર્યકર્તાઓની ઉજવણી
લોકસભા ચૂંટણી-2024માં જીત બાદ કાર્યકર્તાઓએ દિલ્હીમાં ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી કરી.
08ઃ59 PM
1962 પછી કોઈ સરકારને ત્રીજી વખત તક મળી છે : મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આ આદેશના ઘણા પાસાઓ છે. 1962 પછી આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ સરકાર તેના બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય...'
08ઃ57 PM
વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના મતદારોની પ્રશંસા કરી
વડાપ્રધાને તેમના સંબોધન દરમિયાન કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે અને વિશ્વભરમાં ભારતને બદનામ કરનારી શક્તિઓને અરીસો બતાવ્યો છે.
08ઃ55 PM
ઓડિશામાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે : પીએમ મોદી
વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે સંબોધતા કહ્યું કે, અમે ઓડિશામાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અમને આ રાજ્યમાંથી લોકસભાની બેઠકો પણ મળી છે અને આ પહેલીવાર છે જ્યારે ભગવાન જગન્નાથની ભૂમિ પર ભાજપનો મુખ્યમંત્રી હશે. પીએમએ કેરળ અને તેલંગાણા વિશે પણ વાત કરી. પીએમે કહ્યું કે અમારા કાર્યકર્તાઓએ કેરળમાં ખૂબ મહેનત કરી.
08ઃ53 PM
આ 140 કરોડ ભારતીયોની જીત : PM મોદી
પીએમ મોદીએ ચૂંટણી પંચની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની જીત છે. ભારતના બંધારણ પ્રત્યેની અતૂટ વફાદારીની આ જીત છે. આ વિકસિત ભારતના વચનની જીત છે. 'સબકા સાથ-સબકા વિકાસ'ના આ મંત્રની આ જીત છે. આ 140 કરોડ ભારતીયોની જીત છે.
08ઃ50 PM
‘હું તમામ દેશવાસીઓનો ઋણી’ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે પોતાના સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય' અને 'જય જગન્નાથ'થી કરી હતી. PMએ કહ્યું- આજનો દિવસ ખૂબ જ શુભ છે. આ શુભ દિવસે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. પીએમએ કહ્યું, અમે જનતાના ખૂબ આભારી છીએ. પીએમ મોદીએ કહ્યું- જનતાએ દેશવાસીઓનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
08.40 PM
એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવશે : નડ્ડા
એનડીએની જીત બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી હેડક્વાર્ટરમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે દેશમાં આ પહેલીવાર છે જ્યારે ગઠબંધન દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે. તેમણે એનડીએની જીત પર કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે 2014 પછી દેશમાં મજબૂત સરકાર છે. અમે દરેક રાજ્યમાં NDAનો ઝંડો ફરકાવ્યો.
+
08.00 PM
જનતાનો વિશ્વાસ મોદી સાથે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘NDAનો વિજય એ દેશ માટે પોતાનું જીવન આપનારા નેતા નરેન્દ્ર મોદી ઉપર જનાદેશે કરેલા અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ જીત મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાના વિશ્વાસનો મત છે. જનાદેશનો આ આશીર્વાદ વડાપ્રધાન મોદીએ છેલ્લા એક દાયકામાં કરેલા ગરીબ કલ્યાણ, વારસાના પુનરુત્થાન, મહિલાઓના સ્વાભિમાન અને ખેડૂતોના કલ્યાણના કાર્યની સફળતાના આશીર્વાદ છે. નવું ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાને વધુ ગતિ અને તાકાત આપવા તૈયાર છે.‘ અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશના લોકોને નમન કરું છું. સતત ત્રીજી જીતે સ્પષ્ટ કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી પર છે.’
07:30 PM
પરિણામો બાદ વડાપ્રધાન મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ‘દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.’
07:15 PM
ફરૂખાબાદ બેઠકનું પરિણામ જાહેર ન થતા અખિલેશ ભડક્યા
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વીટ કરીને ફરુખાબાદ સીટ અંગે ફરિયાદ કરી છે. અખિલેશે લખ્યું છે કે, ફરીખાબાદમાં જિલ્લા મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં વહીવટીતંત્ર સપાના વિજેતા ઉમેદવારોને હરાવવાની મથામણ કરી રહ્યા છે. ચૂંટણી પંચે તાત્કાલિક ધ્યાને લેવું જોઈએ અને યોગ્ય પરિણામ જાહેર કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં સપાના ઉમેદવાર નવલકિશોર શાક્ય 3500 વોટથી આગળ ચાલી રહ્યા છે અને ભાજપના મુકેશ રાજપૂત બીજા નંબર પર ચાલી રહ્યા છે.
07ઃ10 PM
પરિણામો બાદ રાહુલ ગાંધીનું ટ્વિટ
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતની જનતાએ બંધારણ અને લોકશાહીને બચાવી લીધી છે. દેશના વંચિતો અને ગરીબોના અધિકારોના રક્ષણ કરવા માટે INDIA ગઠબંધન તેમની સાથે ઉભી છે. ગઠબંધનના તમામ સાથીઓ અને કોંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓને અભિનંદન...’
07:00 PM
ઓવૈસી 3 લાખ મતોથી જીત્યા
AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદ બેઠક પરથી ત્રણ લાખ મતોથી જીત્યા છે. જીત બાદ તેમને સર્ટિફિકેટ મળ્યું છે. તેમની સામે ભાજપના ઉમેદવાર માધવી લતા હતા.
06:40 PM
INDIA ગઠબંધનની બેઠકમાં સામેલ નહીં થાય મમતા, અભિષેક બેનરજીને મોકલશે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું છે કે, હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમામ રાજ્યોને તેમની આવકનો હિસ્સો મળવો જોઈએ. હું ઈચ્છું છું કે ઈડી-સીબીઆઈનો દુરુપયોગ બંધ થાય. અમે દેશભરમાં આંદોલન શરૂ કરીશું. મમતાએ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે, નાણાં કે કેન્દ્રીય એજન્સીઓના ડરથી ભાજપ સાથે ન રહો, આવો અમારી સાથે જોડાઓ. હું આવતીકાલે I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં ભાગ લઈ શકીશ નહીં, પરંતુ હું ચોક્કસ કોઈને મોકલીશ કારણ કે મારે મારા લોકોની સુરક્ષા કરવાની છે. હું અભિષેકને દિલ્હી મોકલીશ.
06:35 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુરંત રાજીનામું આપે : મમતા
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની વિશ્વનીયતામાં ઘટાડો થયો છે. મોદીજીએ પોતાના દમ પર બહુમતી મેળવી નથી. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીને તાત્કાલીક રાજીનામું આપવા માંગ કરી છે. એટલું જ નહીં તેમણે આક્ષેપ કર્યો છે કે, ઘણા સ્થળોએ અમારા ઉમેદવારોની જીત થઈ હોવા છતાં તેમને સર્ટિફિકેટ અપાયા નથી.
06:25 PM
સ્મૃતિ ઈરાનીએ હાર સ્વીકારી
અમેઠી બેઠક પરના ભાજપના દિગ્ગજ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ હાર સ્વિકારી લીધી છે. તેમણે અમેઠીની પ્રજાનો આભાર માન્યો છે. આ સાથે તેમણે કોંગ્રેસના ઉમેદવાર કે.એલ.શર્માને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, અમેઠીમાંથી કોંગ્રેસના ઉમેદવારને 5,36,680 મતો, સ્મૃતિ ઈરાનીને 3,70,754 મતો મળ્યા છે.
06:15 PM
'પીએમ મોદીને પોતાના જોરે બહુમતી ના મળી...' પ.બંગાળમાં સપાટો બોલાવનારા મમતા બેનરજીના પ્રહાર
પ.બંગાળમાં મમતા બેનરજીએ એકલા હાથે ભાજપને ધૂળ ચટાડતાં અને શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 30 બેઠકો જીતી લીધી હતી. જ્યારે ભાજપના ખાતામાં ફક્ત 11 જેટલી જ બેઠકો આવતી દેખાય છે. કોંગ્રેસને 1 બેઠક મળી છે. પરિણામો બાદ મમતા બેનરજીએ કહ્યું કે આ અત્યાચારનો પરાજય થયો છે. પીએમ મોદી પોતાના જોરે ભાજપને બહુમતી ના અપાવી શક્યા. પીએમ મોદીની વિશ્વસનીયતા હવે ઘટી ગઇ છે. ભાજપે બંધારણીય સંસ્થાનોની આઝાદી છીનવી લીધી હતી. અમને અનેક વાર ઓછા આંકવામાં આવી રહ્યા હતા.
ફરી રાહુલ ગાંધીએ અદાણીનો ઉલ્લેખ કરી મોદી સરકાર સામે તાક્યું નિશાન
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ફરી એકવાર અદાણીનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તમે પણ જોયું હશે કે જેવા જ ભાજપના હારવાના અહેવાલ આવ્યા કે અદાણીના શેરોમાં પણ મોટો કડાકો આવ્યો. તમને આ લિંક સમજાઈ જવી જોઈએ. હવે લોકો આ વાતને સમજવા લાગ્યા છે કે મોદી ગયા તો અદાણી ગયા. સરકાર બનાવવાના સવાલ પર રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમે ઈનકાર નથી કરી રહ્યાં, આવતીકાલે અમારા ગઠબંધનના સાથીઓ સાથે ચર્ચા કરીને આ મુદ્દે જવાબ આપીશું.
06:00 PM
'આ લડાઈ બંધારણને બચાવવાની હતી...' રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ શરૂ, કોંગ્રેસના દિગ્ગજો હાજર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું કે આ લડાઈ અમારી અને ભાજપ વચ્ચે કે પીએમ મોદી વિરુદ્ધ નહોતી પરંતુ અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી અને આ લડાઈમાં અમારો સાથ આપવા બદલ હું દરેક નાગરિકો, મતદારો, અમારા ગઠબંધનના સાથીઓ બધાને શુભેચ્છા પાઠવવા માગુ છું. અમારા I.N.D.I.A. ગઠબંધને જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં એકજૂટ થઇને લડ્યાં. કોંગ્રેસે દેશને નવું વિઝન આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ ભાજપ, ઈડી, સીબીઆઈ વિરુદ્ધ પણ હતી. તે ખોટી રીતે વિપક્ષને દબાવી રહ્યા હતા.
05:56 PM
આ લોકતંત્રની જીત છે, લોકોએ ભાજપના અભિમાનને તોડી નાખ્યો. કરોડો કાર્યકરોનો આભાર. I.N.D.I.A. ગઠબંધનના સાથીઓનો પણ આભાર. આ મેન્ડેટ પીએમ મોદીના વિરોધમાં છે.
પ્રજાએ કોઈ પક્ષને બહુમતી ન આપી, આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી : ખડગેનું મોટું નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે પ્રજાએ કોઈ પક્ષને બહુમતી નથી આપી. આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી. પીએમ મોદીએ અમારી વિરુદ્ધ જે જુઠ્ઠાણાં ફેલાવ્યાં તે પ્રજાએ નકારી કાઢ્યાં. અમારું અભિયાન સકારાત્મક હતું. અમે લોકોના મુદ્દા ઊઠાવ્યાં. બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર આ ચૂંટણી લડી. આ પીએમ મોદીનો નૈતિક પરાજય છે. અમે જનમતનો સ્વીકાર કરીએ છીએ.
05:45 PM
રાજસ્થાનમાં અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતનો 2 લાખ વોટ માર્જિનથી પરાજય, ઝાલોર બેઠકથી લડ્યા હતા
પ્રિયંકા ગાંધીના નિવાસે કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક, રાહુલ ગાંધી- સોનિયા ગાંધી સહિત અન્ય દિગ્ગજો હાજર
05:19 PM
રાહુલ ગાંધીનો વાયનાડ-રાયબરેલીથી 350000, જ્યારે PM મોદીનો 150000 મતોના અંતરથી વિજય
05:16 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસીથી દોઢ લાખ મતોના અંતરથી વિજય, વલણોમાં એક સમયે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય તેમને ઓવરટેક કરી ગયા હતા..
05:15 PM
રામમંદિર જ્યાં આવેલું છે તે અયોધ્યા એટલે કે ફૈજાબાદ બેઠક પર ભાજપના જ ઉમેદવાર લલ્લુ સિંહને સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે 50000 વોટથી પરાજયનો સ્વાદ ચખાડ્યો
અમેઠીથી સ્મૃતિ ઈરાની પણ પરાજય ભણી, કેન્દ્રીયમંત્રી આર.કે.સિંહ પણ આરા બેઠક પરથી હાર્યા
05:09 PM
ભાજપના કેન્દ્રીય મંત્રી અને વિવાદિત નેતા અજય મિશ્રા ટેણી લખીમપુર ખીરી બેઠક પરથી પરાજય, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર પણ હાર્યા
05:05 PM
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા મહુઆ મોઈત્રાનો કૃષ્ણાનગરની બેઠક પરથી ભવ્ય વિજય
'અધિકારીઓ યાદ રાખે કે સરકાર બદલાઇ રહી છે...': મહારાજગંજ, મેરઠના કલેક્ટરને ધમકાવાયાના અહેવાલ બાદ જયરામ રમેશની ચેતવણી
લદાખમાં કોંગ્રેસ-ભાજપ બંનેને નકારાયા, અપક્ષ ઉમેદવાર હનીફા જાન 28673 વોટથી વિજય તરફ
04:50 PM
'સરકાર બનાવવા હવે ભાજપે હાથ જોડવા પડી રહ્યા છે, દેશની પ્રજાએ ભાજપને નકાર્યો...' સંજય રાઉતના પ્રહાર
04:46 PM
'ભાજપનો અહંકાર ચકનાચૂર થયો...' ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિ સિંહ ગોહિલનું ચૂંટણી પરિણામ પર મહત્ત્વનું નિવેદન
04:45 PM
હોટસીટ મેનપુરીથી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનીલગભગ 220815 વોટ માર્જિનથી ભવ્ય જીત થઈ છે.
04:40 PM
જાણીતો ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ રાજકીય પીચ પર સફળ, કોંગ્રેસના દિગ્ગજ અધીર રંજન ચૌધરીને હરાવ્યાં
તિરુવનંતપુરમની બેઠક પર ભાજપના દિગ્ગજ મંત્રી રાજીવ ચંદ્રશેખરને પાછળ કરી 15000 વોટથી શશી થરુર આગળ
04:26 PM
'અહીં અહંકાર નહીં ચાલે, વિનમ્રતા જોઈશે...' અમેઠીની બેઠક પર ભવ્ય જીત બાદ કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ શર્માનું મોટું નિવેદન
વિદિશાથી ભાજપના કદાવર નેતા શિવરાજ સિંહ ચૌહાણની ભવ્ય જીત, 796575 વોટથી વિજયી
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા શિવરાજ સિંહ ચૌહાણની વિદિશા બેઠક પરથી ભવ્ય જીત થઈ છે. તેમનું જીતનું માર્જિન પણ 796575 વોટથી વધુનો રહ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલનો નોર્થ મુંબઈની બેઠક પરથી વિજય
03:30 PM
સાંજે 5:30 વાગ્યે કોંગ્રેસ કરશે પ્રેસ કોન્ફરન્સ, રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે ભાગ લેશે
03:11 PM
I.N.D.I.A. ગઠબંધનની જીતમાં મહારાષ્ટ્રની મોટી ભૂમિકા, નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ જોડે કોઈ વાત થઈ નથી : શરદ પવાર
બિહારમાં એનડીએના સાથી અને હમના પ્રમુખ જીતનરામ માંઝીનો પણ 1 લાખથી વધુ વોટથી વિજય
02:51 PM
બનાસકાંઠા બેઠક પરથી 15000 વોટથી જીતવા બદલ ગેનીબેન ઠાકોરને અભિનંદન : શક્તિસિંહ ગોહિલ
બનાસની બેન ગેનીબેન તરીકે લોકપ્રિય થયેલા કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો 21651થી વધુ વોટથી બમ્પર જીત થઇ હતી. આ સાથે કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. તેમના વિજયની સાથે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
02:50 PM
મંડી બેઠક પરથી ભાજપ ઉમેદવાર કંગના રણૌત 5 લાખ વોટથી આગળ
02:45 PM
મમતા બેનરજીનો દબદબો, પ.બંગાળમાં 30 બેઠક પર બમ્પર જીતના સંકેત, ભાજપને 11, કોંગ્રેસને 1
02:38 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે દિલ્હી જશે અને ભાજપના કાર્યકરોને સંબોધશે
02:37 PM
ટીડીપી તરફથી મોટી જાહેરાત- અમે NDAનો સાથ નહીં છોડીએ, 9મી જૂને સીએમ તરીકે શપથ લઈ શકે છે ચંદ્રબાબુ નાયડુ
02:35 PM
ચૂંટણી પરિણામ બાદ NDAએ આવતીકાલે બોલાવી બેઠક, સહયોગી પક્ષોના નેતાઓ સહિત જીતન રામ માંઝીને પણ બોલાવાયા
02:33 PM
છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો પણ વિજય, ભાજપના કાર્યકરોને સાદગીથી કરી ઉજવણી
02:31 PM
આજે શરદ પવાર 3 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ, કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતા : સૂત્રો
02:30 PM
સમય આવી ગયો છે, ઝોલો લઈને હિમાલય તરફ નીકળી પડો, જયરામ રમેશનો કટાક્ષ
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે લોકસભા ચૂંટણીના પરિણામો પર કહ્યું કે મુરાદાબાદમાં 3 ડિસેમ્બર 2016ના રોજ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ લોકો મારું શું બગાડી લેશે? ના, ના, બોલો શું કરી લેશે? અરે હું તો ફકીર માણસ છું, ઝોલો ઊપાડી નીકળી પડીશ. જયરામ રમેશે સવાલ કર્યો કે શું તમને આ વાત યાદ છે? હવે ઝોલો ઊઠાવી લો અને હિમાલય તરફ નીકળી પડો.
02:25 PM
નીતીશ કુમારને I.N.D.I.A. ગઠબંધનની બમ્પર ઓફર કરવાની તૈયારી, નાયબ વડાપ્રધાન બનાવી શકે : સૂત્રો
02:15 PM
બિહારથી મોટું અપડેટ : ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સાથે નીતીશ કુમારે મુલાકાત ન કરી
02:15 PM
અમૃતપાલ, એન્જિનિયર રાશિદ અને ઈન્દિરા ગાંધીના હત્યારાઓમાં સામેલ બોડીગાર્ડનો દીકરો પણ લીડમાં
02:10 PM
રાહુલ ગાંધી આજે સાંજે મીડિયાને સંબોધન કરશે : સૂત્ર
01:50 PM
ઈન્દોરમાં ભાજપ અને નોટા વચ્ચે જામ્યો મુકાબલો, ભાજપના શંકર લાલવાણીના 11 લાખ મત સામે નોટાને બે લાખ મત મળ્યા
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધા પછી ચર્ચામાં આવેલી ઈન્દોર સીટ પર હવે ભાજપ અને નોટા વચ્ચે મુકાબલો જામ્યો છે. ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 5 લાખ મતની લીડથી આગળ તો ચાલી રહ્યા છે, પણ અહીંના લોકોને નોટાને પણ એક લાખ કરતાં વધુ મત આપ્યા છે. ભાજપ સામે અન્ય પાર્ટીના લોકોને જેટલા વોટ નથી મળ્યા એના કરતાં વધુ વોટ નોટાને મળતાં બેઠકનું પરિણામ ફરી ચર્ચાનો વિષય બની ગયું છે.
01:48 PM
ગુજરાતમાં ભાજપની બીજી જીત
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોમાંથી ભાજપનું ખાતું ખુલ્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો વિજય થયો છે. હજુ પણ ગુજરાતમાં બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી રહી છે.
01:47 PM
નીતિશ કુમાર સાથે શરદ પવારે પણ કરી ટેલિફોનિક ચર્ચા, જેડીયુ હવે NDA અને I.N.D.I.A. માટે મહત્ત્વપૂર્ણ
01ઃ46 PM
પરિણામો બાદ પીએમ મોદી અને અમિત શાહે ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર કરી ચર્ચા
01ઃ45 PM
- I.N.D.I.A ગઠબંધનની કંઈ પાર્ટી કેટલી બેઠકો પર આગળ
- કોંગ્રેસ - 97
- એસપી - 35
- TMC - 32
- ડીએમકે - 21
- ઉદ્ધવ જૂથ - 11
- શરદ જૂથ - 8
- CPM- 5
- RJD- 5
- AAP- 3
- CPI- 3
- IUML- 3
- VCK- 2
- CPI (ML)- 2
- JKNC- 2
- JMM- 2
- RSP- 1
- BADVP- 1
- KC- 1
- MDMK- 1
RLTP- 1
01ઃ42 PM
ભાજપ ટેન્શનમાં અને કોંગ્રેસ એક્શનમાં, સરકાર બનાવવા સોનિયા ગાંધીનો માસ્ટર પ્લાન
લોકસભા ચૂંટણીના પરિણામોના અત્યાર સુધીના વલણોમાં ભાજપ બહુમતીથી ભારે દૂર હોવાનું દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધીના નજીકના કોંગી નેતાઓ કે.સી. વેણુગોપલ NDAના સાથી પક્ષના નેતાઓનો સંપર્ક કરી લીધો છે. આ નેતાઓમાં JDUના નીતિશ કુમાર અને TDPના એન.ચંદ્રાબાબુ નાયડુ પણ સામેલ છે. એવું કહેવાય છે કે, ટીડીપીને I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રાબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે.
01:40 PM
અમદાવાદ પશ્ચિમમાં ભાજપની જીત
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની બે લાખ 84 હજાર કરતા વધુ મતોથી જીત થઈ છે.
01:38 PM
NDAની કંઈ પાર્ટી કેટલી બેઠકો પર આગળ
- BJP - 237
- TDP - 16
- JDU - 14
- LJPRV - 5
- SHS - 5
- JDS - 2
- JSP - 2
- RLD - 2
- AGP - 1
- AJSUP - 1
- HAM(S) - 1
- NCP - 1
- PMK - 1
- UPPL - 1
01:35 PM
અમેઠીમાં સ્મૃતિ 62 હજાર મતોથી પાછળ
અમેઠીમાં કોંગ્રેસના કિશોરી લાલ શર્મા આગળ ચાલી રહ્યા છે. ભાજપની સ્મૃતિ ઈરાની 62 હજારથી વધુ મતોથી પાછળ છે.
01:30 PM
દિલ્હીમાં ભાજપની ઢોલ-નગારા સાથે ઉજવણી શરૂ
દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઉજવણી શરૂ કરી દીધી છે. વલણો મુજબ દિલ્હીની તમામ સાત બેઠકો પર ભાજપ આગળ છે. 2019માં ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો જીતી હતી.
01:25 PM
મમતા બેનર્જીના નિવાસસ્થાને બેઠક શરૂ
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. ટીએમસી 31 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં ભાજપ 10 સીટો પર આગળ છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના કોલકાતાના કાલીઘાટ સ્થિત આવાસ પર એક મોટી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં મમતા અભિષેક બેનર્જી સાથે ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી રહી છે.
01:20 PM
ભાજપના રાજીવ પ્રતાપ આગળ
હોટ સીટ સારણમાં 14 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડીને 85464 વોટ મળ્યા છે. આરજેડીની રોહિણી આચાર્યને 73030 વોટ મળ્યા. રૂડી 12434 મતોથી આગળ છે.
01:05 PM
ઓડિશામાં 24 વર્ષો બાદ નવીન પટનાયકનો કિલ્લો ધ્વસ્ત, લોકસભા અને વિધાનસભા બંનેમાં ભાજપનું વર્ચસ્વ
ઓડિશામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી બંને એકસાથે યોજાઈ હતી. જેમાં વિધાનસભાની વાત કરીએ તો ભાજપે 72 બેઠકો પર જ્યારે બીજેડીએ 57 બેઠકો પર લીડ મેળવી છે. તેની સામે 15 બેઠકો હાલ કોંગ્રેસના ખાતામાં છે અને 1 ડાબેરી અને 1 અપક્ષ પાસે જતી દેખાય છે. આ દરમિયાન લોકસભાની વાત કરીએ તો 19 બેઠક પર ભાજપ લીડમાં છે અને બીજેડીના ખાતામાં 1 બેઠક જ આવી રહી છે. જ્યારે કોંગ્રેસને 1 જ બેઠક મળી રહી છે.
01:00 PM
રાજકોટમાં રૂપાલા સામે પરાજય સ્વીકારતાં પરેશ ધાનાણીનું નિવેદન...
'આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરુદ્ધ નહીં. વિચારધારાથી વિચારધારાની નહીં પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હ્રદય જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે, હાર જીતતો જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારુ છું.'
12:56
ગુજરાતમાં અર્જુન મોઢવાઢિયાની 1 લાખ 18 હજાર વોટથી જીત, તેઓ પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી લડ્યા હતા.
12:55 PM
વિધાનસભાની પેટા ચૂંટણી : વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સી જે ચાવડાની જીત, 54 હજાર કરતા વધુ મતોથી લીડ મેળવી
12:56 PM
છિંદવાડાથી કમલનાથના દીકરા નકુલનાથ 60 હજાર વોટથી પાછળ, કમલનાથે હાર સ્વીકાર કરી
12:54 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 85249 વોટ સાથે લીડમાં, કોંગ્રેસ ઉમેદવાર અજય રાયની જોરદાર ટક્કર
NDAની સીટો ઓછી થતાં તમામ નજર હવે નીતીશ કુમાર પર, I.N.D.I.A. ગઠબંધન માટે આશાનું કિરણ!
હાલમાં બિહારની વાત કરીએ તો જેડીયુના ખાતામાં લોકસભાની 15 જેટલી બેઠકો આવી રહી છે. જ્યારે ભાજપને 12 બેઠકો પર લીડ છે. તેની સામે રામવિલાસ પાસવાની એલજેપી પાસે પણ 5 બેઠક અને હમ પાસે 1 બેઠક આવી રહી છે. આ સ્થિતિમાં વિરોધી આરજેડી 4, કોંગ્રેસ 1, સીપીઆઈ(એમ) 2 બેઠક જીતી રહી છે. જો આવી સ્થિતિમાં ફરી એકવાર નીતિશ કુમાર ગુલાંટ મારે અને I.N.D.I.A. ગઠબંધનમાં જોડાય તો બિહાર રાજ્યમાંથી સત્તા પણ જાય અને લોકસભામાં પણ એનડીએ નબળો પડે અને બની શકે કે સત્તા મળી તો તેની સામે પણ જોખમ ઊભું થાય.
12:40 PM
મોદી સરકારની સ્થિતિ નબળી થતાં પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ફરી આપી પ્રતિક્રિયા
લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સ્થિતિ નબળી દેખાતા પાકિસ્તાનથી ફરી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ તેમની ટ્વિટમાં લખ્યું કે ભારતના મતદારો પર હંમેશાથી વિશ્વાસ રહ્યો છે કે તે અતિવાદીઓ અને નફરત ફેલાવનારાઓને નકારી કાઢશે અને આ એકદમ સ્પષ્ટ છે કે મોદી અને રાજનાથ પણ મુશ્કેલીથી લોકસભામાં પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધી બંને બેઠક જીતી રહ્યા છે.
12:35 PM
લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન દેખાતા શેર બજારમાં 6200 પોઈન્ટનો જબરદસ્ત કડાકો, રોકાણકારોના 46 લાખ કરોડ ધોવાયા
12:30 PM
દમણ-દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત નિશ્ચિત, ભાજપના ઉમેદવારને હરાવ્યાં
દમણ-દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત નિશ્ચિત, ભાજપના ઉમેદવારને હરાવ્યાં
12:20 PM
ભાજપને બહુમતીના પણ ફાંફા, I.N.D.I.A. ગઠબંધને આપી મજબૂત ટક્કર
એનડીએ હાલમાં 290 સીટો પર આગળ છે. I.N.D.I.A. ગઠબંધન 230 સીટો પર આગળ છે. અન્ય પક્ષો 21 બેઠકો પર આગળ છે. અત્યારે એકલા ભાજપની વાત કરીએ તો તે 239 સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં એકલા ભાજપ માટે બહુમતી મેળવવી ઘણી મુશ્કેલ છે.
12:15 PM
રાજસ્થાનમાં અત્યાર સુધીની શું છે સ્થિતિ?
પાર્ટી બેઠક (લીડ)
ભાજપ 14
કોંગ્રેસ 8
સીપીઆઈ (એમ) 1
આરએલટીપી 1
ભારત આદિવાસી પાર્ટી 1
12:00 PM
રામનગરી અયોધ્યા એટલે કે ફૈજાબાદ બેઠક પર ભાજપના ઉમેદવાર ઠેઠ બીજા ક્રમે, સપાએ બાજી મારી અવધેશ પ્રસાદ 4690 વોટથી આગળ
12:00 PM
મેઘાલયમાં કોંગ્રેસની પ્રથમ બેઠકની જીતના દાવા
મેઘાલયની બે બેઠકોમાંથી એક બેઠક પર વોઈસ ઓફ ધી પીપલ્સ પાર્ટી અને એક બેઠક પર કોંગ્રેસ લીડ કરી રહી છે.
11:50 AM
જમ્મુ-કાશ્મીરની 5 બેઠકોમાંથી જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ 2, ભાજપ 2 અને અપક્ષ 1 બેઠક પર આગળ
11:47 AM
દિલ્હીમાં ભાજપે 7 બેઠક પર કબજો જમાવ્યો, તમામ પર લીડ, આપ-કોંગ્રેસ સફળ ન થયા
11:46 AM
રાજકોટમાં પરષોત્તમ રૂપાલા 2.72 લાખ મતથી આગળ, પરેશ ધાનાણીએ હાર સ્વીકારી અભિનંદન પાઠવ્યા
રાજકોટમાં પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત જણાતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી અભિનંદન પાઠવ્યા છે. સવારે 11:45 સુધીનાં પરિણામોમાં પરષોત્તમ રૂપાલા 2.72 લાખ મતથી આગળ નીકળી ગયા હતા. જેથી આ બહુચર્ચિત બેઠક પરથી તેમની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.
11:45 AM
હિમાચલ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ એમ ચાર રાજ્યમાં ભાજપની ક્લિન સ્વિપ નિશ્ચિત
11:40 AM
મધ્યપ્રદેશમાં ભાજપે સપાટો બોલાવ્યો, તમામ 29 બેઠક પર લીડ, કોંગ્રેસનો સફાયો, ખાતું પણ ન ખૂલ્યું
રાહુલ ગાંધીનો મજબૂત દેખાવ, રાયબરેલીથી 99000 વોટની લીડ, જ્યારે વાયનાડથી 157000 વોટની સરસાઈ
11:35 AM
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની મજબૂત સ્થિતિ, 29 બેઠક પર લીડ, ભાજપના ખાતામાં 11, કોંગ્રેસ અને ડાબેરીઓને 1-1 બેઠક
11:30 AM
ગુજરાતમાં ગાંધીનગરથી અમિત શાહને 5 લાખ વોટની સરસાઈ, કોંગ્રેસ ઉમેદવાર પાછળ
11:21 AM
કર્ણાટકમાં ભાજપને 17 બેઠક પર લીડ, જેડીએસ 3 અને કોંગ્રેસને 8 પર લીડ
પાર્ટી બેઠક (લીડ)
ભાજપ 17
કોંગ્રેસ 8
જેડીએસ 3
11:20 AM
તમિલનાડુમાં I.N.D.I.A. ગઠબંધને બોલાવ્યો સપાટો
પાર્ટી બેઠક (લીડ)
ડીએમકે 21
કોંગ્રેસ 8
વીસીકે 2
સીપીઆઈ 2
સીપીઆઈ(એમ) 2
પીએમકે 1
11:10 AM
બસપા ઉત્તરપ્રદેશમાં ખાલી હાથ, ખાતું જ નથી ખુલ્યું, કોંગ્રેસ-સપાએ કરી કમાલ, 40 બેઠકો પર લીડ
આ વખતે ઉત્તરપ્રદેશમાં બસપાનું ખાતું ખૂલતું જણાતું નથી. ગત ચૂંટણીમાં બસપાએ 10 બેઠકો જીતી હતી. ઉત્તરપ્રદેશના આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં ભાજપ 37 સીટો પર આગળ છે અને I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ-સપા 40 સીટો પર આગળ છે. વારાણસી સીટ પર પીએમ મોદી 49859 હજાર વોટથી આગળ છે.
11:00 AM
અમરાવતીથી ભાજપના દિગ્ગજ ઉમેદવાર નવનીત રાણા પાછળ, પીએમ મોદી 41000 વોટથી આગળ
11.00 AM
લોકસભા ચૂંટણીના પરિણામોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. હાલ 11.00 વાગ્યા સુધીમાં બીએસઈ સેન્સેક્સમાં 2995 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. જ્યારે નિફ્ટીમાં 914 પોઈન્ટનો ધરખમ ઘટાડો થયો છે. હાલ BSE સેન્સેક્સ 74,474.57 પર જ્યારે નિફ્ટી 22,349.85 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
10:40 AM
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી દોઢ લાખ વોટથી આગળ
10:38 AM
દેશભરમાં કોંગ્રેસ અત્યાર સુધી 98 બેઠકો પર લીડમાં, સમાજવાદી પાર્ટી 34 બેઠકો પર આગળ જ્યારે ભાજપ 229 બેઠકો પર લીડમાં : ચૂંટણી પંચ
10:36 AM
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 22 બેઠક પર આગળ : ચૂંટણી પંચ
ઝાલૌરથી ભાજપના ઉમેદવાર લુંબારામ ચૌધરી આગળ થયા
10:20 AM
આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધને સપાટો બોલાવ્યો, ટીડીપી 106 બેઠક પર લીડમાં, ભાજપને પણ 4 બેઠક પર લીડ, સત્તાધારી વાયએસઆરસીપીની હાલત દયનીય 15 જ બેઠક પર લીડ
10:13 AM
અમેઠીથી સ્મૃતિ ઇરાની 20000 વોટથી પાછળ, કોંગ્રેસ ઉમેદવાર કે.એલ. શર્માનું મજબૂત પ્રદર્શન
10:09 AM
બિહારમાં NDA 38 બેઠકો પર આગળ, I.N.D.I.A. 2 બેઠકો પર લીડમાં
10:06 AM
542 બેઠકોના વલણો જાહેર, NDAને 285 સાથે બહુમત અને I.N.D.I.A. 227, બંને વચ્ચે રસાકસી
10:00 AM
રાહુલ ગાંધી વાયનાડથી લગભગ 52000 વોટથી આગળ, અમિત શાહ ગાંધીનગરથી લગભગ 2 લાખ 5 હજાર વોટથી જીત તરફ
9:59 AM
રાજસ્થાનમાં I.N.D.I.A. ગઠબંધનનું મજબૂત પ્રદર્શન, NDAની ક્લિન સ્વિપની આશા પર પાણી ફરી વળતું દેખાય છે.
9:57 AM
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના હાસન સીટથી 3000 વોટની લીડમાં
9:56 AM
વારાણસીથી ફરી પીએમ મોદી આગળ થયા, કન્નૌજથી અખિલેશ યાદવને 17000 વોટની લીડ
9:55 AM
હોટ સીટ અમેઠીથી સ્મૃતિ ઈરાની કોંગ્રેસ ઉમેદવાર કે.એલ. શર્માથી 5000 વોટ પાછળ
9:50 AM
538 બેઠકના વલણોમાં રસાકસી, NDA 295, I.N.D.I.A. 214 પર આગળ, યુપીમાં NDAને ઝટકો
9:40 AM
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 21 અને ભાજપ 16 બેઠક પર લીડમાં, કર્ણાટકમાં એનડીએ 19 અને કોંગ્રેસ 9 બેઠક પર આગળ, યુપી-હરિયાણા અને રાજસ્થાનમાં I.N.D.I.A. ગઠબંધનનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉત્તરપ્રદેશમાં સપા 36 અને કોંગ્રેસ 7 બેઠક પર આગળ, I.N.D.I.A. ગઠબંધનને 43 બેઠક પર લીડ મળી, NDAને જોરદાર ઝટકો
9:34 AM
હરિયાણામાં મોટા ઉલટફેરના સંકેત, 7 બેઠકોમાંથી 6 પર I.N.D.I.A. ગઠબંધન લીડમાં
9:30 AM
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પંચના મતે I.N.D.I.A. ગઠબંધન 40 બેઠક પર લીડમાં, ભાજપને મોટો ઝટકો
9:28 AM
ગુડગાંવથી કોંગ્રેસના રાજબબ્બર 13000 વોટથી આગળ
9:27 AM
વલણોમાં મોટો ઉલટફેર, હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસી પાછળ, ભાજપ ઉમેદવાર માધવી લતાને લીડ
9:26 AM
517 બેઠકના વલણોમાં રસ્સાકસી, NDA 279, I.N.D.I.A. 218 પર આગળ, PM મોદી-સ્મૃતિ ઈરાની પાછળ
9:25 AM
બેંગ્લુરુ સાઉથથી તેજસ્વી સૂર્યાને લીડ, પ.બંગાળમાં મહુઆ મોઈત્રાને પણ લીડ
9:18
ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ, કોંગ્રેસ કે.એલ.શર્મા લીડમાં
9:17 AM
લોકસભા ચૂંટણી પરિણામો પગલે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો
9:16 AM
500 બેઠકના વલણોમાં NDA 271 સાથે બહુમતીની નજીક, I.N.D.I.A. 207 પર આગળ, વારાણસીથી PM મોદી પાછળ
9:15 AM
વારાણસીથી કોંગ્રેસના અજય રાય આગળ, વડાપ્રધાન મોદી થયા પાછળ, ચૂંટણી પંચનો દાવો
9:10 AM
શરૂઆતના 480 બેઠકોના વલણોમાં NDA 263 અને I.N.D.I.A. 198 બેઠક પર આગળ
9:05 AM
રાજકોટમાં રૂપાલા લગભગ 16000 વોટથી હજુ પણ લીડમાં, કોંગ્રેસ ઉમેદવાર ધાનાણી પાછળ
9:04 AM
શરૂઆતના વલણોમાં એનડીએને ઉત્તરપ્રદેશમાં ઝટકો, 69 સીટોના વલણોમાં 39 પર જ આગળ, જ્યારે સપા અને કોંગ્રેસ 30 બેઠકો પર આગળ
9:00 AM
450 બેઠકના વલણોમાં NDA 264 સાથે બહુમતીની નજીક, I.N.D.I.A.173 પર આગળ
8:58 AM
વારાણસીમાં PM મોદી, રાયબરેલી-વાયનાડમાં રાહુલ ગાંધીને લીડ
સમગ્ર દેશમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શરૂઆતી વલણમાં NDA આગળ છે. વારાણસી બેઠક પરથી PM મોદી તો ભાજપના અન્ય નેતાઓ સ્મૃતિ ઈરાની, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ પોતપોતાની સીટ પર આગળ છે. વાયનાડ-રાયબરેલી બેઠક પર કોંગ્રેસના રાહુલ ગાંધી લીડમાં છે.
8:55 AM
હમીરપુરથી ભાજપ ઉમેદવાર અનુરાગ ઠાકુર આગળ, પંજાબમાં 3 બેઠક પર આપને લીડ, દિલ્હીમાં આપ 1 સીટ પર આગળ
8:50 AM
શરૂઆતના વલણોમાં મંડીથી કંગના રણૌત 2000 વોટથી આગળ, ગાંધીનગરથી અમિત શાહ 80000 વોટથી આગળ, પાટલીપુત્રથી મીસા ભારતી આગળ
8:47 AM
તમિલનાડુમાં I.N.D.I.A. ગઠબંધન 33 બેઠકો પર લીડમાં
8:46 AM
શરૂઆતના 430 બેઠકોના વલણોમાં NDA 255 અને I.N.D.I.A. 158 બેઠક પર આગળ
8:46 AM
શરૂઆતના 400 બેઠકોના વલણોમાં NDA 243 અને I.N.D.I.A. 146 બેઠક પર આગળ
8:45 AM
ગુજરાતમાં 23 પર ભાજપ આગળ જ્યારે 2 બેઠક પર I.N.D.I.A. ગઠબંધન આગળ, મધ્યપ્રદેશમાં ભાજપને તમામ 29 બેઠકો પર લીડ, ઓડિશામાં ભાજપને 9 બેઠક પર લીડ
8:42 AM
શરૂઆતના 350 બેઠકોના વલણોમાં NDA 210 અને I.N.D.I.A. 128 બેઠક પર આગળ
8:40 AM
શરૂઆતના વલણોમાં દિલ્હીની તમામ 7 બેઠકો પર NDA ગઠબંધન છવાયું
8:36 AM
નાગપુરથી ભાજપના દિગ્ગજ અને ચર્ચિત નેતા નીતીન ગડકરી આગળ, જ્યારે આસનસોલથી શત્રુઘ્ન સિન્હા આગળ ચાલી રહ્યા છે. દિબ્રૂગઢથી સર્બાનંદ સોનોવાલ આગળ.
8:36 AM
હોટસીટ મનાતી હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી આગળ, ભાજપ ઉમેદવાર માધવી લતા પાછળ
8:35 AM
શરૂઆતના 310 બેઠકોના વલણોમાં NDA 193 અને I.N.D.I.A. 107 બેઠક પર આગળ, મંડીથી કંગના રણૌતને લીડ
8:30 AM
શરૂઆતના 275 બેઠકોના વલણોમાં NDA 168 અને I.N.D.I.A. 97 બેઠક પર આગળ
8:30 AM
બારામતીથી શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે વલણોમાં પાછળ
8:30 AM
શરૂઆતના 250 બેઠકોના વલણોમાં NDA 152 અને I.N.D.I.A. 90 બેઠક પર આગળ
8:26 AM
શરૂઆતના 200 બેઠકોના વલણોમાં NDA 122 અને I.N.D.I.A. 76 બેઠક પર આગળ
8:26 AM
રાયબરેલીથી પણ રાહુલ ગાંધી આગળ, મેનપુરીથી ડિમ્પલ યાદવનેે શરૂઆતના વલણોમાંં લીડ
8:25 AM
વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતના વલણોમાં આગળ
8:20 AM
શરૂઆતની 180 બેઠકોના વલણોમાં NDA 110 અને I.N.D.I.A. 64 બેઠક પર આગળ
8:17 AM
શરૂઆતની 101 બેઠકોના વલણોમાં NDA 56 અને I.N.D.I.A. 41 બેઠક પર આગળ
8:15 AM
ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી સીઆર પાટીલ તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ
8:12 AM
કન્નૌજ બેઠક પરથી અખિલેશ યાદવ શરૂઆતના વલણોમાં આગળ
8:11 AM
શરૂઆતના વલણોમાં રાહુલ ગાંધી વાયનાડથી આગળ ચાલી રહ્યાં છે
8:10 AM
કૈરાનામાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ આગળ
લોકસભા ચૂંટણીના પહેલા સમાચાર યુપીની કૈરાના સીટ પરથી આવ્યા છે. અહીં ભાજપના ઉમેદવાર પ્રદીપ ચૌધરીએ પોસ્ટલ બેલેટની મતગણતરીમાં લીડ મેળવી છે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સપાના ઉમેદવાર ઇકરા હસન પાછળ ચાલી રહ્યા છે.
8:09 AM
લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.
8:06 AM
શરૂઆતના વલણોમાં એનડીએ 7, I.N.D.I.A. 3 બેઠકો પર આગળ, હરિયાણામાં I.N.D.I.A. નું ખાતું ખૂલ્યું
8:00 AM
મતગણતરી શરૂ થઈ, શરૂઆતના વલણો જાહેર થવાનું શરૂ
7:58 AM
પહેલા બેલેટ પેપર અને બાદમાં EVMના મતોની ગણતરી કરાશે
સવાર આઠ વાગ્યે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા. સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. એક કલાક સુધી બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. બાદમાં EVMની મતગણતરી કરવામાં આવશે.
7:56 AM
પરિણામ જાહેર થાય તે પહેલાં જ પ.બંગાળમાં જોરદાર વિસ્ફોટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ
લોકસભા ચૂંટણીની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ દરમિયાન પશ્ચિમ બંગાળના જાદવપુરમાં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ભાંગુડના બ્લોક 2ના ઉત્તર કાશીપુરના ચલતાબેરિયામાં થયેલા વિસ્ફોટમાં ISFના પંચાયત સભ્ય સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી છે. બંગાળ પોલીસે જણાવ્યું કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. તમામ ઘાયલોની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
7:46 AM 'હમકો મિલકર લાની હૈ સચ કી, એક આઝાદી હમ સબકે હક કી...' અખિલેશ યાદવનું મોટું નિવેદન
7:45 AM
લોકસભા ચૂંટણી પરિણામને ધ્યાનમાં રાખી સાત રાજ્યોમાં પેરામિલીટરી ફોર્સ તૈનાત
ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે દેશના સાત રાજ્યોમાં અર્ધ સૈનિક દળોની ટુકડીઓ તૈનાત રહેશે. આટલું જ નહીં પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં 19 જૂન સુધી CAPF તૈનાત રહેશે.
7:32 AM
દેશભરમાં 1,224 મતગણતરી કેન્દ્રોની વ્યવસ્થા, 22 લાખ અધિકારીઓ તહેનાત
દેશભરની 543 સીટોના પરિણામ થોડીવારમાં જાહેર થશે. દેશમાં 1,224 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યાં મતગણતરી હાથ ધરાશે. મતગણતરી પ્રક્રિયામાં લગભગ 22 લાખ અધિકારીઓ સામેલ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સવારે 11 વાગ્યાથી ટ્રેન્ડ આવવા લાગશે.
7:30 AM
ભાજપનો ગંભીર આરોપ, ઉત્તરપ્રદેશમાં સપા-કોંગ્રેસ રમખાણો કરી શકે છે, તમામ જિલ્લામાં કલમ 144 લાગુ
ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન સમાજવાદી પાર્ટી રમખાણો કરાવવાના પ્રયાસમાં છે. ભાજપના સિનિયર નેતાઓએ ચૂંટણી પંચ સાથે મળીને આ મામલે એક આવેદન પત્ર સોંપ્યું. જેમાં આરોપ મૂક્યો છે કે સપા અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ બાદ 4 જૂને મતગણતરી દરમિયાન જમાવડો કરીને રમખાણો કરી શકે છે. આ મામલે કોંગ્રેસ પણ તેની સાથે છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
7:20 AM
પરિણામ પહેલા હાઈકોર્ટના 7 પૂર્વ જજોનો રાષ્ટ્રપતિને ખુલ્લો પત્ર
હાઈકોર્ટના સાત ભૂતપૂર્વ જજોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક ખુલ્લો પત્ર લખીને "સ્થાપિત લોકશાહીના દાખલા" ને અનુસરવા વિનંતી કરી અને જો 2024ની લોકસભા ચૂંટણીઓ ત્રિશંકુ તરફ દોરી જાય તો હોર્સ ટ્રેડિંગને રોકીને સૌથી મોટા ગઠબંધનને સત્તામાં સરકાર રચવા આમંત્રિત કરવા અપીલ કરી હતી.
7:17 AM
ભુપેશ બઘેલનો ગંભીર આરોપ, પરિણામ પહેલા વોટિંગ મશીન બદલાયા
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનો ગંભીર આરોપ, પરિણામો પહેલા વોટિંગ મશીન બદલી નખાયા. તેમણે પુરાવા પણ રજૂ કરતાં કહ્યું કે ઇવીએમ, કન્ટ્રોલ યુનિટ અને વીવીપીએટી મશીનના સિરિયલ નંબર જાહેર કરતાં કહ્યું કે મતવિસ્તારોમાં મતદાન થયા બાદ ઈવીએમ મશીનો બદલી નાખવામાં આવ્યા છે. આ મુદ્દાને ગંભીર ગણાવતા તેમણે કહ્યું કે કઈ સ્થિતિમાં આવું કરાયું તેની તપાસ થાય.
6:58 AM
બધાની નજર આ 20 હોટ સીટો પર રહેશે
1. વારાણસી (ઉત્તર પ્રદેશ): નરેન્દ્ર મોદી (ભાજપ) વિરુદ્ધ અજય રાય (કોંગ્રેસ)
2. ગાંધીનગર (ગુજરાત): અમિત શાહ (ભાજપ) વિરુદ્ધ સોનલ પટેલ (કોંગ્રેસ)
3. લખનૌ (ઉત્તર પ્રદેશ): રાજનાથ સિંહ (ભાજપ) વિરુદ્ધ રવિદાસ મેહરોત્રા (SP).
4. નવી દિલ્હી (દિલ્હી): બાંસુરી સ્વરાજ (ભાજપ) વિરુદ્ધ સોમનાથ ભારતી (આપ)
5. મેરઠ (ઉત્તર પ્રદેશ): અરુણ ગોવિલ (ભાજપ) વિરુદ્ધ સુનિતા વર્મા (SP)
6. ડાયમંડ હાર્બર (પશ્ચિમ બંગાળ): અભિષેક બેનર્જી (TMC) વિરુદ્ધ અભિજીત દાસ (BJP)
7. ગુના (મધ્યપ્રદેશ): જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) વિરુદ્ધ યાદવેન્દ્ર રાવ (કોંગ્રેસ).
8. હાસન (કર્ણાટક): પ્રજ્વલ રેવન્ના (JDS) વિરુદ્ધ શ્રેયસ પટેલ (કોંગ્રેસ).
9. મંડી (હિમાચલ પ્રદેશ): કંગના રનૌત (ભાજપ) વિરુદ્ધ વિક્રમાદિત્ય સિંહ (કોંગ્રેસ)
10. ઉત્તર-પૂર્વ દિલ્હી (દિલ્હી): મનોજ તિવારી (ભાજપ) વિરુદ્ધ કન્હૈયા કુમાર (કોંગ્રેસ)
11. નાગપુર (મહારાષ્ટ્ર): નીતિન ગડકરી (ભાજપ) વિરુદ્ધ વિકાસ ઠાકરે (કોંગ્રેસ)
12. વાયનાડ (કેરળ): રાહુલ ગાંધી (કોંગ્રેસ) વિરુદ્ધ કે. સુરેન્દ્રન (ભાજપ)
13. બારામતી (મહારાષ્ટ્ર): સુપ્રિયા સુલે (NCP (SP)) વિરુદ્ધ સુનેત્રા પવાર (NCP)
14. હૈદરાબાદ (તેલંગાણા): અસદુદ્દીન ઓવૈસી (AIMIM) વિરુદ્ધ માધવી લતા (BJP).
15. કન્નૌજ (ઉત્તર પ્રદેશ): અખિલેશ યાદવ (SP) વિરુદ્ધ સુબ્રત પાઠક (BJP)
16. રાયબરેલી (ઉત્તર પ્રદેશ): રાહુલ ગાંધી (કોંગ્રેસ) વિરુદ્ધ દિનેશ પ્રતાપ સિંહ (ભાજપ)
17. પુરી (ઓડિશા): સંબિત પાત્રા (BJP) વિરુદ્ધ અરુણ પટનાયક (BJD)
18. વિદિશા (મધ્યપ્રદેશ): શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) વિરુદ્ધ પ્રતાપભાનુ શર્મા (કોંગ્રેસ)
19. કરનાલ (હરિયાણા): મનોહર લાલ ખટ્ટર (ભાજપ) વિરુદ્ધ દિવ્યાંશુ બુધિરાજા (કોંગ્રેસ).
20. કૃષ્ણનગર (પશ્ચિમ બંગાળ): મહુઆ મોઇત્રા (TMC) વિરુદ્ધ અમૃતા રોય (BJP)
6:50 AM
વોટ કાઉન્ટિંગ સેન્ટર પર સુરક્ષામાં વધારો
લોકસભા ચૂંટણી 2024ની વોટ કાઉન્ટિંગ સેન્ટરને પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કોઈપણ અણગમતી ઘટનાને પહોંચી વળવા માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.લોકસભા ચૂંટણી 2024ની વોટ કાઉન્ટિંગ સેન્ટરને પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કોઈપણ અણગમતી ઘટનાને પહોંચી વળવા માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
6:30 AM | NDA હેટ્રિક મારશે કે પછી I.N.D.I.A. આપશે સરપ્રાઈઝ?
લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષો અને ગઠબંધન પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ આજે એ સ્પષ્ટ થઈ જશે કે એનડીએ ત્રીજી વખત સત્તામાં આવશે કે વિપક્ષ I.N.D.I.A. ગઠબંધન કોઈ સરપ્રાઈઝ આપશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે I.N.D.I.A.ને 295 સીટો મળશે. જ્યારે NDA 400 બેઠક જીતવાનો દાવો કરે છે.
કયા પક્ષના કેટલાં ઉમેદવારો ચૂંટણી મેદાને?
છ રાષ્ટ્રીય પક્ષો પૈકીના એક બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ સૌથી વધુ 488 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. ત્યારબાદ ભાજપે 441, કોંગ્રેસે 328, સીપીઆઇ(એમ)એ ૫૨ જ્યારે આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. રાજ્ય કક્ષાના પક્ષોની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીએ 71, તૃણમૂલે 48 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. એઆઇએડીએમકેએ 36, સીપીઆઇએ 30, વાયએસઆરસીપીએ 25, રાજદએ 24 અને ડીએમકેએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. બિનસત્તાવાર પક્ષોની વાત કરવામાં આવે તો સોશિયલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) એ 150, પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (ડેમોક્રેટિક)એ 79 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં.
બેઠક દીઠ સરેરાશ ઉમેદવારોની સંખ્યા 15
બેઠક દીઠ સરેરાશ ઉમેદવારોની સંખ્યા 15 છે. તમિલનાડુની કરુર બેઠક પર સૌથી વધુ 64 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે પૈકી 46 એટલે કે 85 ટકા ઉમેદવારો અપક્ષ હતાં. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સરેરાશ ઉંમર 48 વર્ષ હતી. 17મી લોકસભામાં ચૂંટાયેલા 327 સાંસદોએ આ વખતે ફરીથી ચૂંટણી લડી છે. 53 વર્તમાન પ્રધાનો પણ ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે.