Get The App

લોકસભાના પરિણામો વચ્ચે સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ નીતિશ કુમારને આપી શકે છે આ મોટી ઓફર

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
લોકસભાના પરિણામો વચ્ચે સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ નીતિશ કુમારને આપી શકે છે આ મોટી ઓફર 1 - image

Bihar Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ (BJP)નો દાવ ઉલટો પડ્યો છે, જ્યારે કોંગ્રેસે (Congress) પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે. આ સ્થિતિમાં બંને પક્ષે સરકાર રચવા દોડધામ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસ હવે સરકાર બનાવવા નીતિશ કુમાર (Nitish Kumar)ને નાયબ વડાપ્રધાન પદ ઓફર કરી શકે છે. બીજી તરફ, ભાજપનો નબળો દેખાવ જોઈને મરાઠા નેતા શરદ પવાર (Sharad Pawar) પણ સક્રિય થઈ ગયા છે. તેમણે પણ નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ (N.Chandrababu Naidu) અને નવીન પટનાયક (Naveen Patnaik)નો સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે. જો કે શરદ પવાર કોઈની સાથે સંપર્કમાં નહીં હોવાનું રટણ કરી રહ્યા છે. 

બિહારમાં જેડીયુની 14 બેઠકનો ફાયદો કોણ ઉઠાવશે? 

અત્યાર સુધીના લોકસભાના ચૂંટણી વલણો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે કેન્દ્રમાં સત્તાનું સિંહાસન ડામાડોળ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એકશન મોડમાં આવી ગયા છે. ત્યારે હવે આ વખતે બે મોટા નેતા ખૂબ જ શક્તિશાળી સામે આવ્યા છે. પ્રથમ બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમાર છે, અને બીજા આંધ્ર પ્રદેશના ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુ છે. બિહારમાં જેડીયુને 40માંથી 14 બેઠક પર આગળ છે, તો ભાજપને 12 અને કોંગ્રેસ બે બેઠક મેળવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ છે કે, જેડીયુ ભાજપ ગઠબંધનમાં જોડાય છે કે કોંગ્રેસની ઓફર સ્વીકારે છે?

ચંદ્રાબાબુની ટીડીપી પણ જોડતોડની ભૂમિકામાં 

લોકસભા ચૂંટણીની ચાલી રહેલી ગણતરી વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હોવાના સમાચાર છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહે એવા સમયે ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ થોડા સમય પહેલા તેમનો સંપર્ક કર્યો હતો. ચૂંટણીના પ્રાથમિક વલણો પરથી દેખાય છે કે, ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી હવે કિંગમેકર બને તેવા એંધાણ છે. આંધ્ર પ્રદેશની 25 લોકસભા બેઠકમાંથી ટીડીપી 16 બેઠક પર આગળ છે, જ્યારે અહીં ભાજપને ફક્ત ત્રણ બેઠક મળી છે. 

ચંદ્રાબાબુ વાજપેયીના કાર્યકાળમાં એનડીએનો હિસ્સો હતા 

આ ટીડીપી એ જ પાર્ટી છે, જેના નેતા ચંદ્રાબાબુ નાયડુ 2019ની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે મોદી સરકાર વિરુદ્ધ ગઠબંધનની આગેવાની કરી રહ્યા હતા. જો કે આ પહેલા ચંદ્રાબાબુ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં એનડીએનો હિસ્સો રહી ચૂક્યા છે.

આ બંને એવા નેતા છે કે જેઓ ભાજપની વર્તમાન નેતાગીરીને બહુ પસંદ નથી કરતા, પરંતુ એમ કહી શકાય કે તેઓ રાજકીય મજબૂરીમાં એનડીએ સાથે આવ્યા હતા. હવે ભાજપ નબળું પડતું દેખાઈ રહ્યું છે ત્યારે આ બંને પોતાના માટે તકો શોધી શકે છે. તેઓ મહાન સોદાબાજી શક્તિ પ્રાપ્ત કરી છે. જેઓ કહેતા હતા કે બિહારમાં વારંવાર પક્ષપલટો કરનારા નીતીશ માટે આ અસ્તિત્વની લડાઈ છે, પરંતુ ચૂંટણીમાં ફરી એકવાર નીતિશ મોટા રાજકીય ખેલાડી સાબિત થયા છે.


Google NewsGoogle News