Get The App

મોદી લહેરમાં પણ જે રાજ્યમાં જીતી ન શક્યું ભાજપ, ત્યાં 10 વર્ષમાં કઈ રીતે બદલાઈ ગયા સમીકરણ?

Updated: May 27th, 2024


Google NewsGoogle News
મોદી લહેરમાં પણ જે રાજ્યમાં જીતી ન શક્યું ભાજપ, ત્યાં 10 વર્ષમાં કઈ રીતે બદલાઈ ગયા સમીકરણ? 1 - image


Lok Sabha Elections 2024: ઓડિશાના ચૂંટણી મેદાનમાં આ વખતે સીધી ટક્કર ભાજપ અને બીજેડી (બીજુ જનતા દળ) વચ્ચે છે. એક તરફ નવીન પટનાયક બીજેડી માટે સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે. બીજી તરફ બીજેડી સાથે ગઠબંધનના નિષ્ફળ પ્રયાસો પછી ભાજપ એવો કોઈ ચહેરો શોધી શક્યો નથી જેને મુખ્યમંત્રી નવીન પટનાયકના વિકલ્પ તરીકે રજૂ કરી શકાય. આ દરમિયાન છેલ્લા એક દાયકામાં ભાજપે ઓડિશામાં પોતાને મજબૂત બનાવ્યું છે અને બીજેડીને ટક્કર આપી રહ્યું છે. ત્યારે એ જાણીએ કે, 10 દસ વર્ષમાં બીજેડી સામે ભાજપ કેવી રીતે ઊભું રહ્યું છે?

બીજેડીએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી

ઓડિશામાં બીજેડીએ વર્ષ 1998માં ભાજપ સાથે ગઠબંધન કરીને પહેલી ચૂંટણી લડી હતી. જો કે, વર્ષ 2009માં બંને પક્ષ અલગ થઈ ગયા અને બીજેડીએ પોતાના દમ પર ચૂંટણી લડી, જેના કારણે ભાજપને ઓડિશામાં ભારે નુકસાન થયું. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ ભાજપ ઓડિશામાં કોઈ સફળતા દેખાડી શક્યું ન હતું, પરંતુ વર્ષ 2019માં ભાજપે બાજી પલટી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બીજેડી વચ્ચે મત શેર અને બેઠક શેરનો તફાવત ઘણો ઓછો થયો. ત્યારે સવાલ એ થાય છે કે બીજેડી અને મુખ્યમંત્રી નવીન પટનાયકના મજબૂત સમર્થન વચ્ચે ભાજપ ઓડિશામાં પોતાનો પગ મજબૂત કરવામાં કેવી રીતે સફળ થયો? તેનું મુખ્ય કારણ એ છે કે ભાજપ ઓડિશામાં કોંગ્રેસની મત બેંકને તોડવામાં સફળ રહી છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ઓડિશામાં કોંગ્રેસ અને ભાજપના મત શેર 32.7 ટકા અને 16.9 ટકા હતો. વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં, આ આંકડો વધીને 13.8 ટકા અને 38.4 ટકા થયો.

કોંગ્રેસને થયું નુકસાન!

ઓડિશામાં વર્ષ 2009માં કોંગ્રેસે જીતેલી છ લોકસભા બેઠકોમાંથી વર્ષ 2014માં પાંચ બીજેડીએ જીતી હતી અને માત્ર એક જ ભાજપે જીતી હતી.  વર્ષ 2009માં કોંગ્રેસે જીતેલી 27 વિધાનસભા બેઠકોમાંથી વર્ષ 2014માં 18 બીજેડીમાં ગઈ અને માત્ર બે જ ભાજપમાં ગઈ.

ભાજપ માટે કેવા પડકારો છે?

લોકસભા 2024ની ચૂંટણી માટે ગઠબંધન કરવા માટે બંને પક્ષો વચ્ચેની વાતચીત નિષ્ફળ જતાં ચૂંટણી વધુ રોમાંચક બની છે. એક તરફ, ભાજપને રાજ્યમાં તેની સંભાવનાઓ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર વિશ્વાસ છે. તો બીજી તરફ પાર્ટીને પાંચ વખતના મુખ્યમંત્રી નવીન પટનાયકના આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ઘણાં લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે, ત્યારે મતદારોનો એક મોટો વર્ગ હજુ પણ નવીન પટનાયકની તરફેણમાં ઊભો હોય તેવું લાગે છે.

મુખ્યમંત્રી નવીન પટનાયકની લોકપ્રિયતા વચ્ચે ભાજપ તેના પ્રચારમાં ઓડિયા અસ્મિતાનો મુદ્દો ઉઠાવી રહી છે. જેમાં તમિલ મૂળના પૂર્વ અમલદાર વી.કે. પાંડિયનને નિશાન બનાવી રહી છે. જેમણે મુખ્યમંત્રી નવીન પટનાયકના અનુગામી તરીકે ગણવામાં આવે છે. ભાજપના નેતાઓએ નવીન પટનાયક પર ઓડિશાના વારસા, સંસ્કૃતિ અને ભાષા માટે બહુ આદર ધરાવતા નથી અને બિન-ઓડિયા અમલદારોની પકડમાં હોવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપની આશા પીએમ મોદી ફેક્ટર પર 

ઓડિશામાં ભાજપનું નબળું વલણ અને પક્ષની કેન્દ્રીય નેતૃત્વ અને પટનાયક સરકાર વચ્ચેની સંવાદિતાને પણ ભાજપની નબળાઈ માટે જવાબદાર ગણવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ભાજપના ટોચના નેતાઓએ ઘણી વખત જાહેરમાં પટનાયક સરકારની પ્રશંસા કરી છે. જો કે, વર્તમાન ચૂંટણીમાં ભાજપની આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેક્ટર અને મતદારોના એક વર્ગમાં બદલાવની ઈચ્છા પર ટકેલી છે.

મહિલાઓમાં નવીન પટનાયકની લોકપ્રિયતા

બીજેડીના પક્ષમાં સ્વ-સહાય જૂથો (એસએચજી) છે, જેમાં 70 લાખ મહિલા સભ્યો છે અને છેલ્લા બે દાયકામાં પક્ષ માટે મતબેંક બની છે. બીજેડી માટે મહિલાઓનું આ સમર્થન સ્પષ્ટપણે જોઈ શકાય છે કારણ કે પક્ષની રેલીઓ અને રોડ શોમાં તેમની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. બીજેડી નેતા અને નવીન પટનાયકના સહયોગી વીકે પાંડિયને પણ મહિલાઓને પક્ષનો સૌથી મોટો ટેકો ગણાવ્યો અને કહ્યું કે, 'મુખ્યમંત્રી હંમેશા તેમની સાથે ઊભા રહ્યા છે.'

આ પણ વાંચો: ગુજરાતથી લઈને યુપી સુધી... ભાજપને હવે પોતાના જ નેતાઓ નડી રહ્યા છે, પેરાશૂટ નેતાઓની એન્ટ્રીથી વિદ્રોહ


Google NewsGoogle News