લોકસભા ચૂંટણી 2024: રાજકીય પક્ષો પાસે તમારો અંગત ડેટા કેવી રીતે પહોંચે છે?, જાણો સંપૂર્ણ વિગતો
Lok Sabha Elections 2024: ભારતમાં લગભગ 65 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે. તેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં અવારનવાર કરતા હોઈએ છીએ. ટ્રેનમાં મુસાફરી માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવવી હોય કે એપ્સ દ્વારા ફૂડ ઓર્ડર કરવાનું હોય કે પછી ઓનલાઈન ડેટિંગથી લઈને લગ્ન સુધી બધી જ સેવા આપણને આંગળીના ટેરવાં પર મળી રહે છે. જો કે આ બધી એપ્લિકેશન તમારી બધી વ્યક્તિગત માહિતી સંભવત: રાજનેતાઓ સુધી પહોંચાડી દે છે. શું આ શક્ય છે? ચાલો આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.
જો કોઈ વ્યક્તિ ધર્મ, જાતિ, ભાષા,સ્થળ વગેરે જેવી વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર અપલોડ કે શેર કરે છે. એ બધી માહિતીએ નેતાઓ એક ડેટા છે અને તે ડેટાથી ચૂંટણીમાં કઈ રીતે પોતાના મતદારને આકર્ષવા એ તેમનું મુખ્ય લક્ષ્ય હોય છે. ભારતની ડિજિટલ ક્રાંતિના કારણે સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા ખૂબ વધી છે. ખાનગી કંપનીઓને ડેટા વેચવાની મંજૂરી આપતા સંબંધિત નિયમો ભારતમાં હળવા હોવાથી તેનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા સરળતાથી થઇ શકે છે. તેથી આ પક્ષો તેમના દરેક કામ માટે ડેટા મેળવી લે છે. ત્યાં સુધી કે તમે આજે શું ખાધું છે અને તમે કાલે ક્યાં ફરવા જશો, તે બધી માહિતી તેમને મળી શકે છે.
નેતાઓને તમારી અંગત જાણકારી શું કામ જોઈએ છે?
નેતાઓ આ ડેટાનો ઉપયોગ કોને લક્ષ્ય બનાવવા અને તેમના સુધી કેવી રીતે પહોંચવું તે માટે કરે છે. મતદારો પક્ષના રાજકીય સંદેશને કેવી રીતે પ્રતિસાદ આપે છે તે નક્કી કરવામાં મદદ કરી શકે છે. આ માહિતી દ્વારા તેઓ મતદાર કોને મત આપશે તેનું પૂર્વાનુમાન મેળવી શકે છે. જો કે સવાલ એ છે કે આપણે આ બધી ચિંતા શું કામ કરવી જોઈએ?
માઇક્રો ટાર્ગેટિંગ કરીને અંગત માહિતીનો ઉપયોગ કરાય છે
માઇક્રો ટાર્ગેટિંગ એટલે કે અંગ ડેટાનો ઉપયોગ જાહેરાતો બતાવવા અને માહિતી પ્રદાન કરવા માટે થાય છે. 'માઇક્રોટાર્ગેટિંગ' શબ્દ સૌપ્રથમ 2016માં પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ચર્ચામાં આવ્યો હતો. તે સમયે પોલિટિકલ કન્સલ્ટન્સી કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ મૂકાયો હતો કે, ફેસબુક દ્વારા વેચાયેલા ડેટાનો ઉપયોગ તેણે ટ્રમ્પ તરફી સામગ્રી મોકલવા કર્યો હતો. જો કે કંપનીએ તે આરોપોને ફગાવી દીધા હતા પરંતુ તેના સીઈઓ એલેક્ઝાન્ડર નિક્સનને સસ્પેન્ડ કરી દેવાયા હતા. 2018માં પણ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા 87 મિલિયન ફેસબુક પ્રોફાઇલ્સનો ડેટા યુઝર્સની સંમતિ વિના એકત્રિત કરાયો હતો. ત્યાર પછી ટેડ ક્રૂઝ અને ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકન પ્રમુખપદની ઝુંબેશમાં તેનો ઉપયોગ કરાયો હતો.
આ કારણે લોકોના મનમાં સવાલ ઉઠ્યો કે, તેમણે જે જાહેરાતોથી પ્રભાવિત થઇ મત આપ્યો હતો, તેને તેઓ શંકાની નજરે જોવા લાગ્યા. વિશ્વભરના દેશો લોકશાહી પર તેની અસરથી એટલા ચિંતિત હતા કે તેમણે તરત જ પગલાં લેવાનું શરૂ કર્યું. જેમ કે, અનેક લોકો ફેસબુક પર માહિતી અપલોડ કરવામાં કે શેર કરવામાં સતર્ક થઈ ગયા. તો કેટલાકે ફેસબુક એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું.
ભારતના લોકો કઈ રીતે ડેટા ચોરીથી પ્રભાવિત છે?
ભારતમાં કેમ્બ્રિજ એનાલિટિકા સાથે સંકળાયેલી એક કંપનીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને તેમના ક્લાયન્ટ છે. જો કે બંને પક્ષે આ વાતને નકારી કાઢી હતી. ભારતના તત્કાલીન ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે પણ ભારતીય નાગરિકોના ડેટાના દુરુપયોગ બદલ કંપની અને ફેસબુક સામે કાર્યવાહીની ચેતવણી આપી હતી, પરંતુ મતદારોના માઇક્રો ટાર્ગેટિંગને રોકવા અત્યાર સુધી કોઈ મોટા પગલાં લેવાયા નથી. ચૂંટણી પંચે 2019માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે સ્વૈચ્છિક નૈતિક સંહિતા જારી કરી હતી, પરંતુ તે પ્રચારની રીતો અને મતદારોના ડેટાને ઍક્સેસ કરવા જેવા મુદ્દાના નિવારણ માટે ભારતના ચૂંટણી પંચના નિયમો અને આચાર સંહિતા નવા યુગના ડિજિટલ પ્રચારના સંદર્ભમાં પર્યાપ્ત નથી.
રાજકીય પક્ષો કઈ રીતે તમારો ડેટા મેળવે છે?
ચૂંટણીઓ અગાઉના મહિનાઓમાં ચૂંટણીના ઉમેદવારો અને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જંગી રોકાણ કરે છે, જેથી તેઓ મતદારો સુધી પહોંચીને વધુને વધુ મત મેળવી શકે. જો કે હવે રાજકીય પક્ષોએ તેમના હેતુઓ માટે મતદારોની માહિતી એકત્રિત કરવાના શંકાસ્પદ માધ્યમોનો આશરો લીધો છે. આ માટે તેઓ સરકારી ડેટા બેઝને ટેપ કરીને અને સમગ્ર યોજનાઓમાં લાભાર્થીઓની માહિતીને ઍક્સેસ કરે છે. અથવા ઓનલાઈન 'સર્વે' અને મોબાઈલ એપ્સના માધ્યમથી પક્ષો મતદારો વિશે ઘણી બધી અંગત માહિતી મેળવી અને 360° પ્રોફાઇલ્સ બનાવીને મતદારોને પ્રભાવિત કરી શકે છે.
ઉદાહરણ તરીકે...
•એક ખાનગી કંપની IT Grids Pvt દ્વારા 'સેવામિત્ર એપ' બનાવાઈ હતી. તેણે તેલુગુ દેશમ પાર્ટી માટે મતદાર સર્વેક્ષણ હાથ ધરવા બાયોમેટ્રિક માહિતી, મતદાન મથકનો મતદાર ડેટા પણ એકત્રિત કર્યો અને તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં મતદારોની પ્રોફાઇલિંગમાં પક્ષને મદદ કરી.
•મહારાષ્ટ્રમાં 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં પ્રચાર માટે જિલ્લા સ્તરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ યોજનાઓના લાભાર્થીઓને ઓળખવા અને ટેપ કરવા કહેવામાં આવ્યું હતું.
•2023માં બેંગલુરુમાં યુવા મતદારોએ આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા મતવિસ્તારમાંથી તેઓની નોંધણી પણ કરી ન હોય તેવા મત વિસ્તારમાંથી કૉલ આવી રહ્યા હોવાની જાણ થઈ હતી.
•2024માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે તેમના X હેન્ડલ પર સ્ક્રીન શૉટ પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળમાં યોજનાના લાભાર્થીઓની અંગત વિગતોની ઍક્સેસ હોવાનો અજાણપણે ખુલાસો કર્યો હતો.
ભારતીય ચૂંટણીઓમાં મતદારના ડેટાનો ઉપયોગ નવો નથી. ડેટા નિયમનના કાયદા નબળા હોય અને રાજ્ય સરકાર અને કેન્દ્ર પર રાજકીય પક્ષોનું પ્રભુત્વ હોય ત્યારે ડેટાનો અર્યાદિત ઉપયોગ કરવો સહેલું બની જાય છે.
શું ડેટાના ઉપયોગથી લોકોના વિચારને બદલી શકાય છે?
ભારતમાં અંદાજે 760 મિલિયન સક્રિય ઇન્ટરનેટ યુઝર્સ છે, જે પૈકી લાખો લોકો વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સરકાર પાસે વ્યક્તિગત ડેટાનો મોટો ભંડાર છે અને સરકાર પણ ખાનગી કંપનીઓને વ્યક્તિગત માહિતી વેચી રહી હોવાના અનેક અહેવાલ છે. આ માટે વિવિધ ખાનગી કંપનીઓ પણ તમારા રોજિંદા જીવનની આદતો, વિચારો અને તમારી પસંદ-નાપસંદને પ્રભાવિત કરી શકે છે. મૂળભૂત રીતે આ લોકોના પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. સરકારો અને પક્ષો પોતાના રાજકીય હિતને સાધવા આ ડેટાનો અયોગ્ય ઉપયોગ કરીને મતદાર, સમાજ અને દેશમાં વિભાજન અને અરાજકતા લાવવા માંગતા પરિબળોને પ્રોત્સાહન આપી શકે છે.
ભવિષ્યમાં લોકોના વ્યક્તિગત ડેટા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટાર્ગેટેડ એડવર્ટાઈઝિંગ જેવા અત્યાધુનિક માધ્યમોનો ઉપયોગ કરી રાજકીય પક્ષો અને સરકારો મતદારના વિચાર, અને વર્તણૂકને પ્રભાવિત કરી શકે તેની સંભાવના નકારી શકાય નહી.