આ રાજ્યમાં રસપ્રદ થઈ ચૂંટણી: જો કોંગ્રેસ એક પણ બેઠક ના જીતે તો જતી રહેશે મુખ્યમંત્રીની ખુરશી!

Updated: May 28th, 2024


Google NewsGoogle News
આ રાજ્યમાં રસપ્રદ થઈ ચૂંટણી: જો કોંગ્રેસ એક પણ બેઠક ના જીતે તો જતી રહેશે મુખ્યમંત્રીની ખુરશી! 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જામી છે. કારણ કે આ છ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો નક્કી કરશે કે હિમાચલ પ્રદેશમાં સત્તા પરિવર્તન થશે કે વર્તમાન સરકાર સત્તામાં રહેશે. અહીં મુખ્યમંત્રીની ખુરશી માટેની લડાઈ લોકસભાની ચૂંટણી કરતાં પણ મહત્ત્વની બની છે.

હિમાચલ પ્રદેશમાં 4 લોકસભા, 6 વિધાનસભા બેઠક પર મતદાન થશે

હિમાચલ પ્રદેશનીમાં થોડા મહિના પહેલા કોંગ્રેસના ધારાસભ્યોના બળવાના કારણે સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જો વર્તમાન સરકાર સત્તામાં રહેશે તો સુખવિંદર સિંહ સુખુ મુખ્યમંત્રી રહેશે, જ્યારે સત્તા પરિવર્તન થાય તો ભાજપના નેતા જયરામ ઠાકુરને ફરીથી મુખ્યમંત્રી તરીકે કામ કરવાની તક મળી શકે છે. પરંતુ પેટાચૂંટણીના પરિણામો પરથી જ નક્કી થશે. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ચાર લોકસભા બેઠક અને છ વિધાનસભા બેઠક પર પહેલી જૂને મતદાન થશે.

કોંગ્રેસે 40 બેઠક જીતી હતી

હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠક છે. ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 40 બેઠક જીતી હતી જ્યારે ભાજપના ઉમેદવારોએ 25 બેઠકો જીતી હતી. જ્યારે ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી.

સુખુ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી

હિમાચલ પ્રદેશમાં 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી શા માટે યોજવામાં આવી રહી છે તે સમજવા માટે ફેબ્રુઆરી 2024માં થયેલા એક મોટા રાજકીય ઘટનાક્રમ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. ફેબ્રુઆરીમાં જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસના 6 ધારાસભ્યોના બળવાને કારણે પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી રાજ્યસભાની ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીત્યા હતા. કોંગ્રેસ માટે આ હારને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. ત્યારે આ બેઠકો ખાલી પડી હોવાથી આ બેઠકો પર પેટાચૂંટણી યોજવી જરૂરી હતી. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા.

આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે

કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યોને ભાજપે એ જ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા. આ ધારાસભ્યોના નામ રાજેન્દ્ર રાણા, સુધીર શર્મા, ઈન્દર દત્ત લખનપાલ, રવિ ઠાકુર, ચૈતન્ય શર્મા અને દવિન્દર ભુટ્ટો છે. ભાજપે તેમને સુજાનપુર, ધર્મશાલા, બડસર, લાહૌલ-સ્પીતિ, ગગરેટ અને કુટલેહર વિધાનસભા બેઠકો પરથી ટિકિટ આપી છે.

35 ધારાસભ્યોનું સમર્થન જરૂરી

કોંગ્રેસ માટે આ છ બેઠક પરની પેટાચૂંટણી જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 68 બેઠકની વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 35 ધારાસભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. છ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 34 થઈ ગઈ છે. જો કે, આવી સ્થિતિમાં, વિધાનસભાના સભ્યોની સંખ્યા પણ ઘટીને 62 થઈ ગઈ છે અને આ માટે જરૂરી બહુમતીનો આંકડો 32 છે.

કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ પણ ગંભીર

કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ પણ હિમાચલ પ્રદેશમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીનું મહત્ત્વ જાણે છે, તેથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા મોટા નેતાઓ હિમાચલ પ્રદેશમાં સતત પ્રચાર કરી રહ્યા છે.

કોંગ્રેસ માટે હિમાચલ પ્રદેશમાં બળવાખોરીને સંભાળવી એ મોટો પડકાર છે કારણ કે હાલમાં માત્ર ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની પોતાની સરકાર છે. જેમાં કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. જો પેટાચૂંટણીના પરિણામો પક્ષની વિરૂદ્ધમાં આવશે તો પક્ષને રાજ્યમાં સત્તા પરથી દૂર કરવામાં આવશે. તેથી કોંગ્રેસની કેન્દ્રીય અને રાજ્યની નેતાગીરી આ પેટાચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.

ભાજપ માટે આ છ બેઠક જીતવી જરૂરી

ભાજપ કોઈપણ સંજોગોમાં છ બેઠક જીતવા માગે છે. હિમાચલ પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું ગૃહ રાજ્ય પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં જાહેર સભાઓ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હિમાચલના ચૂંટણી પ્રચાર પર જોર આપી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ બિંદલ પણ આ તમામ છ વિધાનસભા બેઠક પર પાર્ટી કાર્યકર્તાઓને એકજૂટ કરવા અને ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સતત જનતાને કહી રહ્યા છે કે, 'ભાજપ અમારી ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માંગે છે અને દેવભૂમિ હિમાચલમાં આવી સંસ્કૃતિ ક્યારેય અસ્તિત્વમાં નથી. હિમાચલ પ્રદેશના લોકોને ભાજપના ષડયંત્રનો જડબાતોડ જવાબ આપે.' બીજી તરફ ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રવાદના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં છે. ભાજપના નેતાઓ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા અને દેશની સારી આર્થિક વ્યવસ્થાનો દાવો કરીને જનતાની વચ્ચે જઈ રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ NDAમાં ડખા શરૂ? મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાએ વધારી ભાજપની મુશ્કેલી


Google NewsGoogle News