હરિયાણામાં ભાજપ-કોંગ્રેસની જીતની જવાબદારી બે પૂર્વ મુખ્યમંત્રીના ખભા પર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને હરિયાણામાં તેમના પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચાર સંભાળી રહ્યા છે, જ્યારે મનોહર લાલ ખટ્ટર ભાજપના ઉમેદવારો માટે સખત મહેનત કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે તેમના રાષ્ટ્રીય નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે, પરંતુ જો હરિયાણાની વાત કરીએ તો આ બે મોટા ચહેરાઓ છે જેના પર તેમની રાજકીય પક્ષોને સૌથી વધુ વિશ્વાસ છે.
બંને નેતાઓ હાઈકમાન્ડની નજીક છે
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને મનોહર લાલ ખટ્ટર બંને લાંબા સમયથી હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા 2005થી 2014 સુધી હરિયાણાના મુખ્યમંત્રી પદે હતા, જ્યારે મનોહર લાલ ખટ્ટર ઓક્ટોબર 2014થી માર્ચ 2024 સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મનોહર લાલ ખટ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના મિત્ર અને નજીકના ગણાય છે. એ જ રીતે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ ગાંધી પરિવારના વિશ્વાસુ ગણાય છે. કોંગ્રેસે હરિયાણામાં ટિકિટ વહેંચણીમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની પસંદગીને મહત્ત્વ આપ્યું છે, તો ભાજપે મનોહર લાલ ખટ્ટરની પસંદગીને ધ્યાનમાં રાખી છે.
ખેડૂતોની નારાજગી મોટો પડકાર
મનોહર લાલ ખટ્ટરને હરિયાણામાં ખેડૂતોની નારાજગી વચ્ચે ભાજપની જૂની કામગીરીનું પુનરાવર્તન કરવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કોંગ્રેસ નેતૃત્ત્વના વિશ્વાસ પર ઊભુ રહેવું તે અગ્નિપરિક્ષા છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા 75 વર્ષના છે, જ્યારે મનોહર લાલ ખટ્ટર 70 વર્ષના છે. આવી સ્થિતિમાં આ બંને કદાવર નેતા પોતાના પક્ષની ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે કોઈપણ યુવા નેતાની જેમ પોતાની તાકાતનો ઉપયોગ કરી રહ્યા છે.