મમતા અને બસપાનું ‘એકલા ચાલો’, બીઆરએસનો સફાયો... એ 3 ફેક્ટર જે મોદીની હેટ્રિકની સીડી બન્યા
Lok Sabha Elections Exit Poll 2024 : લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ હવે એક્ઝિટ પોલના તારણો સામે આવી ગયા છે. તારણો મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) વર્ષ 2019થી પણ મોટી જીત મેળવશે અને સત્તામાં પરત ફરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 361થી 401 બેઠકો, ઈન્ડિયા બ્લોકને 131થી 166 અને અન્યોને 8થી 20 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું છે.
એક્ઝિટ પોલના તારણો મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપ વર્ષ 2019ની ચૂંટણીથી પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતી દેખાઈ રહી છે, તો પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ તરફી ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના તેલંગણામાં પણ ભાજપની વૉટ શેયરિંગ અને બેઠકોની સંખ્યા વધવાનું અનુમાન લગાવાયું છે. લોકસભા ચૂંટણીના એ ત્રણ પરિબળો કયા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળના ગઠબંધનને હેટ્રિક તરફ લઈ જઈ રહી છે.
1...બ્રાન્ડ મોદીની વેલ્યૂ વધી
એક્ઝિટ પોલના પરિણામો મુજબ, ભાજપ અને એનડીએને પ્રચંડ જીત સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવાના અનુમાન લગાવાયા છે. મોદીની હેટ્રિક (જો એક્ઝિટ પોલ મુજબ પરિણામો આવશે તો) પાછળ બ્રાન્ડ મોદીને મોટું પરિબળ માનવામાં આવી રહ્યું છે. ગત ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2014માં એનડીએએ 331 અને 2019માં 351 બેઠકો જીતી હતી.
લોકસભા ચૂંટણી-2024માં એક્ઝિટ પોલના તારણો મુજબ એનડીએને ઓછામાં ઓછી 361 બેઠકોનો અંદાજ લગાવાયો છે. આ આંકડો છેલ્લી બે ચૂંટણીના મુકાબલે ઘણો વધુ છે. 10 વર્ષ સરકાર ચલાવ્યા બાદ આવો જનાદેશ મળવો, એ બાબતનો સંકેત મનાય છે કે, બ્રાન્ડ મોદીની બ્રાન્ડ વેલ્યૂ દર ચૂંટણીમાં વધી છે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ કરવા જેવા નિર્ણયોના કારણે વડાપ્રધાન મોદી વચનો પૂરા કરનારા નેતાઓની ઈમેજ બનાવવામાં સફળ થયા છે.
2... મમતા બેનર્જી અને માયાવતીની ‘એકલા ચલો’ નીતિ
બિહાર (Bihar)માં મહાગઠબંધન સરકારનું નેતૃત્વ કરતી વખતે નીતિશ કુમારે વિપક્ષી એકતાની કવાયત શરૂ કરી ત્યારે તેમણે એક સૂત્ર આપ્યું હતું - એક પછી એક.... નીતિશે ભાજપ અને એનડીએના ઉમેદવારો સામે એક ઉમેદવાર મેદાનમાં ઉતારવાની ફોર્મ્યુલા આપી હતી. તેમની દલીલ એવી હતી કે, આમ કરવાથી ભાજપ વિરોધી મતો એકતરફ પડશે અને વિરોધી મતો વેરવિખેર નહીં થાય. નીતીશ ગઠબંધન છોડીને એનડીએમાં ગયા બાદ ઈન્ડિયા ગઠબંધને (INDIA Alliance) રાજ્યમાં આ ફોર્મ્યુલા લાગુ કરી હતી. તેજસ્વી યાદવે (Tejashwi Yadav) મુકેશ સાહનીની પાર્ટીને છેલ્લી ઘડીએ પોતાના ક્વોટામાંથી બેઠકો આપી હતી. ત્યારબાદ તેજસ્વી તેમને સાથે લઈને ચૂંટણી રેલીઓમાં જતા હતા અને હવે એક્ઝિટ પોલના તારણોમાં તેની અસર પણ દેખાઈ રહી છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિપક્ષી એકતા જોવા મળી નથી. જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન (Samajwadi Party And Congress Alliance)માં મેદાનમાં ઉતર્યા હતા, ત્યારે માયાવતી (Mayawati)ની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP)એ એકલા ચલોની નીતિ પર ચાલ્યા. બીજીતરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી (CM Mamata Banerjee)ની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પણ એકલા ચલોની નીતિ પર ચાલી કોંગ્રેસથી અલગ થઈને દરેક બેઠક પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જેના કારણે આ રાજ્યોમાં ત્રિકોણીય જંગ જોવા મળ્યો. ભાજપ વિરોધી મતો બે તરફ વિભાજિત થયા અને NDAને તેનો ફાયદો (એક્ઝિટ પોલના તારણોમાં) થયો.
3...તેલંગણામાં બદલાયો રાજકીય મિજાજ
તેલંગણાના રાજ્યની સ્થાપના થયા બાદ, ત્યારથી લઈને વર્ષ 2023ની ચૂંટણી પહેલા રાજ્યનું રાજકાણ પ્રાદેશિકવાદની ભાવનાઓ પર ચાલતું હતું, તેથી જ સત્તા જાળવી રાખવામાં ચંદ્રશેખર રાવ (K Chandrasekhar Rao)ની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (હવે ભારત રાષ્ટ્ર સમિતિ-BRS) સફળ થઈ. જોકે વર્ષ 2023માં તેલંગણાની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતાનો મિજાજ બદલાયો અને કોંગ્રેસ પર વિશ્વાસ મુકી રાજ્યની સત્તા સોંપી. તેથી લોકસભા ચૂંટણીમાં પણ આ ટ્રેન્ડ રિપિટ થતો જોવા મળી રહી છે.
એક્ઝિટ પોલના તારણો મુજબ તેલંગણાની 17 બેઠકોમાંથી ભાજપે કુલ મતોમાંથી 43 ટકા વૉટ શેયરિંગ સાથે 11થી 12 બેઠકો, ઈન્ડિયા બ્લોકને 39 ટકા વૉટ શેયરિંગ સાથે ચારથી છ બેઠકો મળી શકે છે. જ્યારે રાજ્યમાં વર્ષોથી દબદબો દેખાડનાર બીઆરએસને 13 ટકા વૉટ શેયરિંગ સાથે એક પણ બેઠક મળવાની સંભાવના દેખાતી નથી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમને પણ નિષ્ફળ દેખાતી જોવા મળી રહી છે. અત્યાર સુધી બીઆરએસ પર વિશ્વાસ ધરાવતા મતદારો ભાજપ તરફ વળ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.