એક્ઝિટ પોલમાં આ પાંચ કારણથી ભાજપની તરફેણમાં સર્જાયો દેશવ્યાપી અન્ડરકરન્ટ
Lok Sabha Elections Exit Poll 2024 : લોકસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ સમાપન થયા બાદ હવે એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે, જેમાં ભાજપને મોટી લીડ મળતી જોવા મળી રહી છે. આજતક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના તારણો સાચા પડશે તો ભાજપ જંગી બહુમતી સાથે ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ થશે. જોકે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારથી વિપક્ષ નબળી દેખાઈ રહી છે અને તેના કારણે એવું લાગી રહ્યું છે કે, ભાજપ અને NDA માટે આ ચૂંટણી ખૂબ જ સરળ છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘400 પાર’નો નારા આપ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે, આ ચૂંટણી ઈન્ડિયા ગઠબંધનના પક્ષો માટે મુશ્કેલ બનશે, પરંતુ ચૂંટણી પ્રચાર શરૂ થયો અને પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યાં સુધીમાં NDA બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું હતું અને એવી અટકળો શરૂ થઈ હતી કે, ઈન્ડિયા ગઠબંધન 2004નું પુનરાવર્તન કરશે. જોકે ભાજપની રણનીતિ તેમજ ચૂંટણી પ્રચારે તમામ અટકળોને બાજુએ મુક્યા અને ચૂંટણીમાં દમદાર અને મજબૂતી સાથે કુદી પડ્યું હતું. અને હવે તેની અસર એક્ઝિટ પોલમાં સામે આવી છે. તો જાણીએ કે, તે કયા મુખ્ય કારણો છે, જેના કારણે ભાજપ આટલી મોટી સફળતા મળતી જોવા મળી રહી છે.
1. લાભાર્થી યોજનાઓ
મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી લાભકારી યોજનાઓની આ ચૂંટણીઓમાં મોટી અસર પડી છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થાય છે. દેશમાં એક બહુ મોટો વર્ગ છે જે મોટાભાગે સરકારી યોજનાઓની મદદ પર જીવી રહ્યો છે. લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે. મકાનો અને શૌચાલય માટે પણ ફંડ આપવામાં આવી રહ્યું છે. આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર આપવામાં આવી રહી છે. આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓ યોજનાઓનો લાભ મળ્યા બાદ એક અલગ જ અનુભૂતિ કરી રહ્યા છે. એવું નથી કે આવી યોજનાઓ દેશમાં પહેલીવાર લાગુ કરવામાં આવી છે. આ યોજનાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે, પરંતુ હવે તેનો યોગ્ય રીતે અમલ થયો છે. તેથી લોકોને લાગે છે કે જો બીજી સરકાર આવશે તો કદાચ આ યોજનાઓ બંધ થઈ જશે.
2. માળખાગત વિકાસને લગતું કામ
ભારતના અંતરિયાળ ગામોમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો લાભ લોકોને મળી રહ્યો છે. રોડ અને હાઈવે બનાવવામાં આવી રહ્યા છે અને તેના માટે વળતર પણ મળી રહ્યું છે. દેશમાં એક સમય એવો હતો કે, જ્યારે રોડ અને રેલ્વે માટે જમીનનો સર્વે શરૂ કરાતો, ત્યારે ખેડૂતો ચિંતિત થઈ જતા હતા. તેમની ચિંતાનું કારણ એ હતું કે, જે જમીન સંપાદિત કરાતી હતી, તે જમીન માટે મળતું વળતર ઘણું ઓછું હતું. એટલું જ નહીં, વળતર મેળવવામાં ઘણા વર્ષો વીતી જતા હતાં. તેથી લોકો સરકારી અધિકારીઓને પૈસા ચૂકવીને તેમની જમીન સંપાદનથી બચાવતા હતા. જોકે આ બીજી ટર્મ છે અને લોકોને એટલા નાણાં મળી રહ્યા છે કે, લોકો પોતે ઇચ્છે છે કે જો તેમનું મકાન કે જમીન સંપાદિત વિસ્તારમાં આવે તો તેમનું જીવન સુધરશે. લોકો આ માટે પૈસા ખર્ચવા પણ તૈયાર છે. બુલેટ ટ્રેન યોજનાની વાત કરીએ તો આ રૂટમાં આવતી જમીન સંપાદનમાં પણ વળતરની ચૂકવણી કરાઈ છે.
3. રામ મંદિર મુદ્દે વિપક્ષનું નકારાત્મક વલણ
માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ રામ મંદિરની લહેર જોવા મળી હતી. કારણ કે મંજિલ સુધી પહોંચ્યા બાદ માત્ર સંતોષનો ભાવ રહી જાય છે. જો મનમાં આ સંતોષનો ભાવ ઉભો થાય તો તેણે કોઈપણ ખામીઓ દેખાતી નથી. આ જ કારણે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓથી પરેશાન હોવા છતાં લોકો સરકારથી સંતુષ્ટ જણાતા હતા. રામ મંદિરનું નિર્માણ મહત્વનું ન હતું, પરંતુ વિપક્ષ તેની કેવી રીતે અવગણના કરી રહ્યો છે તે મહત્વનું હતું. પ્રજા મંદિર નિર્માણથી ખૂબ જ ખુશ હતી પણ પ્રજાને તેથી વધુ દુઃખ એનું થયું કે, કેટલાક નેતાઓ જાણીજોઈને રામ મંદિર કાર્યક્રમથી દૂર રહ્યા. કારણ કે તેઓને ડર હતો કે તેમને કેટલાકના મત નહીં મળે. જો અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ વગેરેએ રામ મંદિર પર પોતાનું વલણ સકારાત્મક રાખ્યું હોત તો ભાજપ રામ મંદિરનો શ્રેય લઈને પણ લોકોના મત મેળવી શક્યો ન હોત.
4. અનેક પક્ષને તોડવાનું માઈક્રો લેવલે કામ
ભાજપ દરેક સ્તરે ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરી રહી હતી. બૂથ અને પન્ના પ્રમુખોને જે પ્રકારની તાલીમ અને જવાબદારી અપાઈ છે, તે કોઈપણ પક્ષમાં જોવા મળી નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપના કાર્યકરોને એવી રીતે તાલીમ અપાઈ હતી કે, ક્યાંયથી ફરિયાદની વાત સામે આવી ન હતી. ભાજપ ખૂબ જ ઉચ્ચ સ્તરથી લઈને ખૂબ જ નાના સ્તરના નેતાઓને પક્ષમાં જોડાવવા માટે સતત મહેનત કરતું જોવા મળ્યું હતું. કેરળની વાત કરીએ તો ભાજપનું અહીં અસ્તિત્વ જ નથી, તેમ છતાં પાર્ટીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ.કે.એન્ટોનીના પુત્રને ભાજપમાં લાવી ચૂંટણીમાં જંપ લાવ્યું. મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ઘણી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા. ઉત્તર પ્રદેશમાં છેલ્લા તબક્કાની ચૂંટણીના થોડા દિવસો પહેલા જ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નારદ રાય ભાજપમાં જોડાયા હતા. જ્યારે અખિલેશને તેમના જ નજીકના નેતાઓએ ચોંકાવી દીધા હતા અને ભાજપમાં હાથ પકડી લીધો હતો. મનોજ પાંડે, રાકેશ સિંહ, પૂજા પાલ વગેરે ભાજપમાં એમનેમ જ આવ્યા નથી, પરંતુ તે માટે સૂક્ષ્મ સ્તરે આયોજન કરાયું હતું. આખા દેશમાં માત્ર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી જ નહીં, દરેક પાર્ટીના લોકોને ભાજપમાં સામેલ કરી વિરોધી પાર્ટીઓને નબળી પાડવામાં આવી.
5. મોદી-શાહ અને યોગીની હિંદુસમ્રાટની છબિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દમદાર ચૂંટણી સભાઓ ગજવી અને સતત રેલીઓ પણ યોજી. એટલું જ નહીં વડાપ્રધાને 75 દિવસમાં 206 રેલીઓ, કાર્યક્રમો અને રોડ-શો તેમજ લગભગ 80 ઈન્ટરવ્યૂ આપી પોતાનો જ ગત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. એક તરફ વિપક્ષ (તેજસ્વી યાદવ સિવાય) 12 એપ્રિલ સુધી માત્ર ચૂંટણીની યોજના બનાવી રહ્યો હતો, તો બીજીતરફ ભાજપે રેલીઓ અને સભાઓ યોજવાનું શરૂ કરી દીધું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણી સુધી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે, પરંતુ તેમણે ત્યાં સુધીમાં એક પણ રેલીઓ કરી ન હતી. અને ત્યારબાદ પણ માત્ર કેટલીક રેલીઓ કરી શકી હતી. ઉલટાનું મોદી, શાહ અને યોગીએ મળીને રેકોર્ડ બનાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ કુલ 206 રેલીઓ અને સભાઓ ગજવી હતી, જ્યારે અમિત શાહે 188, રાજનાથ સિંહે 101, જે.પી.નડ્ડાએ 134 અને યોગીએ 204 રેલીઓ કરી છે, જેની સરખામણીમાં કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મળીને કુલ 315 રેલીઓ યોજી હતી. અખિલેશે સૌથી ઓછી 81 રેલીઓ કરી હતી જ્યારે ઉત્તર પ્રદેશ કરતા નાના રાજ્ય બિહારમાં તેજસ્વી યાદવે 251 રેલીઓ યોજી હતી.