Get The App

'હું તમને મારો દીકરો સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે', સોનિયા ગાંધીની ભાવુક અપીલ

Updated: May 17th, 2024


Google NewsGoogle News
'હું તમને મારો દીકરો સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે', સોનિયા ગાંધીની ભાવુક અપીલ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ શુક્રવારે (17મી મે) રાયબરેલીમાં એક જાહેરસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે લોકોને ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'હું મારા દીકરા (રાહુલ ગાંધી)ને તમને સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે.' આ જાહેરસભમાં રાહુલ ગાંધી, પ્રિયંકા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક ઉપરાંત ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી પણ ઉમેદવારી નોંધાવી છે. 

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ શું કહ્યું?

રાયબરેલીમાં જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું, 'મારું જીવન તમારા પ્રેમ અને આશીર્વાદથી ભરેલું છે. મારી પાસે જે છે તે બધું તમારુ આપેલું છે. હું તમને મારો દીકરો સોંપી રહી છું. જેમ તમે મને પોતાની માનો છો, તે જ રીતે રાહુલને પણ પોતાના જ માનજો, રાહુલ તમને નિરાશ નહીં કરે.'

સોનિયા ગાંધીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો

સોનિયા ગાંધીએ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ઈન્દિરાજીના હ્યદયમાં રાયબરેલી માટે ખાસ સ્થાન હતું. મેં તેમને નજીકથી કામ કરતા જોયા છે. તેમને તમારા માટે અપાર પ્રેમ હતો. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શિક્ષણ આપ્યું છે જે ઈન્દિરાજી અને રાયબરેલીના લોકોએ મને આપ્યું હતું. દરેકને માન આપો, નબળાનું રક્ષણ કરો. અન્યાય સામે લોકોના અધિકારોની રક્ષા માટે તમારે જે પણ લડવું હોય તે લડો. ડરશો નહીં.. કારણ કે તમારા સંઘર્ષના મૂળ અને પરંપરાઓ ખૂબ જ મજબૂત છે.' 

રાયબરેલી બેઠક ગાંધી પરિવારનો ગઢ

રાયબરેલી બેઠકને ગાંધી પરિવારનો ગઢ ગણવામાં આવે છે. અહેવાલો અનુસાર, ફિરોઝ ગાંધીએ દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં રાયબરેલીથી ચૂંટણી લડી હતી. એવું કહેવાય છે કે કોંગ્રેસના તત્કાલીન દિગ્ગજ નેતા રફી અહેમદ કિડવાઈએ ફિરોઝ ગાંધીને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવા કહ્યું હતું. રાયબરેલી બેઠકથી ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને સોનિયા ગાંધી આ બેઠક પરથી સંસદમાં પહોંચતા રહ્યા છે. હવે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા છે અને આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર છે.

'હું તમને મારો દીકરો સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે', સોનિયા ગાંધીની ભાવુક અપીલ 2 - image


Google NewsGoogle News