ઉત્તર પ્રદેશ નહીં છોડે ગાંધી પરિવાર, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાયબરેલી-અમેઠી મુદ્દે કરી જાહેરાત
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં કુલ 80 બેઠકો છે પરંતુ કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. જોકે, પાર્ટી હજુ સુધી આ 17 બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત નથી કરી શકી. રાયબરેલી અને અમેઠી જેવી બેઠકો પર લાંબા સમય સુધી કોંગ્રેસ પાર્ટીનો કબજો રહ્યો છે પરંતુ હવે પાર્ટીએ આ જ સીટો પર પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે મથામણ કરવી પડી રહી છે. હવે આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એ.કે એન્ટનીએ રાયબરેલી અને અમેઠીથી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે.
એ.કે એન્ટનીએ રાયબરેલી-અમેઠી મુદ્દે કરી જાહેરાત
એ.કે એન્ટનીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ગાંધી પરિવારનો કોઈ એક સદસ્ય ઉત્તર પ્રદેશથી ચોક્કસ ચૂંટણી લડશે. આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, તે સદસ્ય રોબર્ટ વાડ્રા નહીં હશે. હવે કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી વાડ્રા રાજ્યમાંથી ચૂંટણી લડી શકે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
અમેઠી અને રાયબરેલીથી કોને મળશે ટીકિટ?
ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર લાંબા સમય સુધી ગાંધી પરિવારનો કબજો રહ્યો છે. રાયબરેલીથી સોનિયા ગાંધી 2019માં ચૂંટણી જીત્યા હતા. તેઓ લાંબા સમય સુધી અહીંના સાંસદ રહ્યા હતા પરંતુ હવે સ્વાસ્થ્યનો હવાલો આપતા તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે અને રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે. બીજી તરફ અમેઠીમાં રાહુલ ગાંધીને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલા તેઓ આ બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા હતા. હવે રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી નોંધાવી છે પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તેઓ અમેઠીથી પણ ચૂંટણી લડી શકે છે અને રાયબરેલીથી સોનિયા ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને ટિકીટ મળી શકે છે. જોકે, પ્રિયંકાં ગાંધી અત્યાર સુધી કોઈ ચૂંટણી નથી લડ્યા.
રોબર્ટ વાડ્રાએ પણ આપ્યા હતા સંકેત
રોબર્ટ વાડ્રાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરે છે. લોકો તેમને પોતાની સમસ્યા જણાવે છે. આ સાથે જ તેમણે પણ ચૂંટણી લડવાની સંભાવનાઓથી ઈનકાર નહોતો કર્યો. રોબર્ટના નિવેદન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમને અમેઠીથી ટિકીટ આપવામાં આવી શકે છે. કોંગ્રેસના નેતાઓ અખિલેશ પ્રતાપ સિંહ અને અવિનાશ પાંડેએ કહી ચૂકયા છે કે રાહુલ અને પ્રિયંકાને અમેઠી અને રાયબરેલીથી ટિકિટ મળી શકે છે. પાર્ટી હાઈકમાન્ડ આ મામલે હજુ પણ મૌન છે પરંતુ ટૂંક સમયમાં બંને સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.