ઈવીએમ અને વીવીપેટ સ્લિપના ડેટાનો તાળો ના મળે ત્યારે ચૂંટણી પંચ શું કરે છે?, જાણો શું છે નિયમો
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે પૂર્ણ થયું હતું. જ્યારે હજી છ તબક્કાનું મતદાન બાકી છે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. છેલ્લી કેટલીક ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ્સ (VVPAT) દ્વારા મતદાન કરવામા આવી રહ્યું છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે, ઈવીએમ અને વીવીપેટ સ્લિપના ડેટાનો તાળો ના મળે ત્યારે ચૂંટણી પંચ શું કરે છે અને તેનો નિયમ શું છે?
ઈવીએમ અને વીવીપેટ ખરેખર શું કરે છે?
ઈવીએમ નાગરિકોને પોતાનો મત આપવા માટેનું એક ઈલેક્ટ્રોનિક મશીન છે. ચૂંટણી પંચ અનુસાર, ઈવીએમના ઉપયોગ મતદાન અને તે મતની ગણતરીમાં મદદરૂપ થાય છે. ઈવીએમ કંટ્રોલ યુનિટ અને વોટિંગ યુનિટ એમ બે ભાગોનું બનેલું છે, ઈવીએમ સામાન્ય બેટરી પર ચાલતું મશીન છે. જે મતદાન દરમિયાન પડેલા મતને રેકોર્ડ કરે છે અને મતોની ગણતરી પણ કરે છે.
વીવીપેટ કેવી રીતે કામ કરે છે?
ભારતમાં ઘણા રાજકીય પક્ષો ઈવીએમને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. આ શંકાઓને દૂર કરવાના ઈરાદાથી ચૂંટણી પંચે એક નવી પ્રણાલી લઈને આવી, જેને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને વીવીપેટ પણ કહેવામાં આવે છે. આ ઈવીએમ સાથે જોડાયેલી એવી સિસ્ટમ છે, જેના દ્વારા મતદાન કરનાર વ્યક્તિ જોઈ શકે છે કે તેમનો મત યોગ્ય ઉમેદવારને પડ્યો છે કે નહીં. ઈવીએમના બેલેટ યુનિટ પર બ્લુ બટન દબાવતાની સાથે જ ઉમેદવારનું નામ, ક્રમ અને ચૂંટણી ચિન્હ ધરાવતી સ્લિપ તેની બાજુમાં મૂકવામાં આવેલા વીવીપેટ મશીનમાં છપાઈ જાય છે, તે વીવીપેટ મશીનના નાના પારદર્શક ભાગમાં સાત સેકેન્ડ સુધી દેખાય છે અને પછી સીલબંધ બોક્સમાં પડી જાય છે.
ઈવીએમ અને વીવીપેટના ડેટાનો તાળો ના મળે તો ચૂંટણી પંચ શું કરે છે?
વીવીપેટ સ્લિપનું વેરિફિકેશન કાઉન્ટિંગ હોલમાં સુરક્ષિત વીવીપેટ કાઉન્ટિંગ બૂથની અંદર કરવામાં આવે છે. મતની ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રિટર્નિંગ ઓફિસર મતવિસ્તારનું અંતિમ પરિણામ જાહેર કરે છે. ઘણીવાર વીવીપેટ સ્લિપના પરિણામો અને તેના સંબંધિત ઈવીએમના મત સમાન હોય છે. પરંતુ જો આ પરિણામો અલગ હોય તો શું? ચૂંટણી પંચના નિયમ 56D(4)(b) અનુસાર, આવા કિસ્સામાં, વીવીપેટ સ્લિપનું પરિણામ અંતિમ માનવામાં આવે છે.