Get The App

ભાજપ માટે આ રાજ્યમાં આકરા ચઢાણ, આ મુદ્દાઓ ચૂંટણી પરિણામોને અસર કરી શકે

Updated: May 31st, 2024


Google NewsGoogle News
ભાજપ માટે આ રાજ્યમાં આકરા ચઢાણ, આ મુદ્દાઓ ચૂંટણી પરિણામોને અસર કરી શકે 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે પહેલી જૂને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં બેઠકોના ગણિત પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળ દેશનું ત્રીજું સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં 80 , મહારાષ્ટ્રમાં 48 અને પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠક ધરાવે છે. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, 'તૃણમૂલ કોંગ્રેસ (TMC) બંગાળમાં પોતાના દમ પર ભાજપ સામે ચૂંટણી લડશે.' બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'પક્ષ (ભાજપ)ને સૌથી મોટી સફળતા બંગાળમાં જ મળવાની છે.'

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ચૂંટણી રેકોર્ડ

પશ્ચિમ બંગાળમાં ભાજપના વિશ્વાસનું કારણ તેના રેકોર્ડ છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અહીં માત્ર એક બેઠક જીતી શક્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ ખાસ દેખાવ નહોતો. 2014માં બંગાળમાં ભાજપે માત્ર બે લોકસભા બેઠક જીતી હતી. આ પછી ભાજપે પોતાની રણનીતિ બદલી છે. ખૂબ જ આક્રમક રીતે પોતાને તૃણમૂલના વિકલ્પ તરીકે રજૂ કર્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની મહેનત રંગ લાવી. પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા. 42 લોકસભા બેઠકો ધરાવતા રાજ્યમાં ભાજપ 18 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મત શેર વધીને 40% થયો. બીજી તરફ તૃણમૂલ સામે મમતા બેનરજીનો પડકાર વધી ગયો હતો. તૃણમૂલે વર્ષ 2014માં 34 બેઠક જીતી હતી, જ્યારે વર્ષ 2019માં તે માત્ર 22 સીટો જીતી શકી હતી.

મુખ્યમંત્રી મમતા બેનરજીને સૌથી મોટો ઝટકો સુવેન્દુ અધિકારીએ આપ્યો હતો. ડિસેમ્બર 2020માં ભાજપ સાથે જોડાયેલા સુવેન્દુ અધિકારીએ આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં મમતાને તેમના જ ગઢ નંદીગ્રામમાં હરાવ્યા હતા. અધિકારીના નેતૃત્વમાં ભાજપ હવે રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ બની ગયો છે.

લોકસભા ચૂંટણી 2024: પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં આ વખતે ભ્રષ્ટાચાર, જમીન પચાવી પાડવા, સંદેશખાલી યૌન શોષણ કેસ સહિતના વિવિધ મુદ્દાઓ પર ભાજપે તૃણમૂલ પર નિશાન સાધ્યું છે. 25,000 શિક્ષકોની ભરતી રદ કરવાનો કોલકત્તા હાઈકોર્ટનો નિર્ણય પણ ભાજપ માટે હથિયાર બની ગયો. 

આ મુદ્દાઓ પરિણામોને અસર કરી શકે છે

સંદેશખાલી ઘટના: ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટનું એક ગામ આ વર્ષે અચાનક ચર્ચામાં આવ્યું. તૃણમૂલ નેતા શાહજહાં શેખ પર ઘણી મહિલાઓએ યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા હતા. જમીન પચાવી પાડવાની ફરિયાદો પણ ઉઠી હતી. કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર શાહજહાં શેખની 29મી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. મામલો સીબીઆઈ પાસે છે. ભાજપે લોકસભા ચૂંટણી 2024ના પ્રચારમાં આ મુદ્દા પર ઘણું ધ્યાન આપ્યું હતું. આ મુદ્દાની અસર ચૂંટણી પરિણામો પર જોવા મળી શકે છે.

I.N.D.I.A.ગઠબંધનથી અંતર: તૃણમૂલ રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી મોરચાનો ભાગ છે, પરંતુ બંગાળમાં નથી. તૃણમૂલે I.N.D.I.A.ગઠબંધન સાથે રહીને ચૂંટણી લડી નથી, જેના કારણે તેમનું નુકસાન થઈ શકે છે. કોંગ્રેસ-સીપીઆઈ (એમ) ગઠબંધન ઘણી બેઠક પર તૃણમૂલને નુકસાન થઈ શકે છે.

મુસ્લિમ તુષ્ટિકરણ: ભાજપે બંગાળમાં તૃણમૂલને હિન્દુ વિરોધી  અને મુસ્લિમ મૈત્રીપૂર્ણ ગણાવવામાં કોઈ કસર છોડી નથી. ચૂંટણીઓ વચ્ચે, કલકત્તા હાઈકોર્ટે અનેક મુસ્લિમ સમુદાયોને ઓબીસીનો દરજ્જો આપવાના તૃણમૂલ સરકારના નિર્ણયને રદ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે,'ધર્મના આધારે અનામત આપવામાં આવતી નથી.'

મહિલાઓનો મત: સંદેશખાલીના પ્રકરણે ભલે મમતાની છબીને નુકસાન પહોંચાડ્યું હોય, પરંતુ તેઓ પોતાની સરકારી યોજનાઓથી મહિલાઓને આકર્ષવામાં સફળ થયા છે. એસસી અને એસટી કેટેગરીની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા અને અન્ય કેટેગરીની મહિલાઓને દર મહિને 500 રૂપિયા મળે છે. રાજ્યની 48% વસ્તી મહિલાઓ છે. મમતાને છેલ્લી ચૂંટણીમાં મહિલાઓનું સમર્થન મળી રહ્યું છે. આ વખતે શું પરિણામ આવશે, તેમાં મહિલા મતદારો મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, બંગાળની ચૂંટણીની રાજનીતિ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે. આ વખતે બંગાળમાં ઘણાં સાયલન્ટ મતદારો છે. આવી સ્થિતિમાં સંપૂર્ણ ચિત્ર ચોથી જૂને જ સ્પષ્ટ થશે.


Google NewsGoogle News