'આ તો ખુલ્લેઆમ બૂથ કેપ્ચરિંગ..', સરકારી-પોલીસ કર્મીઓના વોટ ચોરીનો રાજ્યસભા સાંસદનો આરોપ
Lok Sabha Elections 2024 | ઉત્તરપ્રદેશ સહિત 10 રાજ્યોમાં આજે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટ વોટિંગમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વોટ્સએપ ગ્રૂપ દ્વારા બેલેટ પેપર અધિકારીઓ સુધી પહોંચ્યા હતા અને તેના પર નિશાન પણ નહોતું. આની તપાસ થવી જોઈએ.
શું કહ્યું રાજ્યસભા સાંસદે
રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે લખ્યું કે, 'ઉત્તરપ્રદેશના સરકારી કર્મચારીઓ, ખાસ કરીને પોલીસ કર્મચારીઓના મતદાનનો અધિકાર કેમ છીનવાઈ ગયો? વોટ્સએપ ગ્રૂપ દ્વારા ફોર્મ ભર્યા બાદ બેલેટ પેપર અધિકારીઓ સુધી પહોંચ્યા હતા, પરંતુ કર્મચારીઓને બેલેટ પેપર પર ટિક માર્ક્સ લગાવવા ન દેવાયા. સરકારી કર્મચારીઓને ડર છે કે તેમના મત અધિકારીઓ દ્વારા આપી દેવાયા છે.
સેંકડો પોલીસકર્મીઓને લઈને કર્યો દાવો...
તેમણે કહ્યું કે, સેંકડો પોલીસકર્મીઓએ મને ફોન કરીને મળીને આ આશંકા વ્યક્ત કરી છે. આ છેતરપિંડીની તપાસ થવી જોઈએ, દોષિત અધિકારીઓને સજા થવી જોઈએ અને આ પોસ્ટલ બેલેટ પ્રક્રિયાને રદ કરીને ફરીથી પારદર્શક પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવે. આ ઓપન બૂથ કેપ્ચરિંગ છે. સરકારી કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.