I.N.D.I.A.ને ઝટકો! દિગ્ગજ નેતા નહીં લડે લોકસભા ચૂંટણી, લાલુના જમાઇને ઉમેદવાર બનાવ્યાં
Kannauj Lok Sabha Candidate : સમાજવાદી પાર્ટીએ આજે ઉત્તર પ્રદેશની કનૌઝ લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ જાહેરની સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે અખિલેશ યાદવ (Akhilesh Yadav) લોકસભા ચૂંટણી નહીં લડે. પાર્ટીએ કનૌઝ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુબ્રત પાઠક (Subrat Pathak) વિરુદ્ધ પરિવારના અન્ય સભ્ય તેપ પ્રતાપ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. તેજ પ્રતાપ યાદવ પ્રતાપ યાદવ અખિલેશ યાદવના ભત્રિજા અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ છે.
કનૌઝમાંથી અખિલેશ ન ઉતર્યા, પત્નીને પણ ટિકિટ ન આપી
અગાઉ 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને કનૌઝ બેઠક પરથી ટિકિટ આપી હતી, જોકે તેમની ભાજપના વર્તમાન સાંસદ સુબ્રત પાઠક સામે હાર થઈ હતી. જોકે આ વખતે પાર્ટીએ સુબ્રત પાઠક સામે તેજ પ્રતાપને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા અખિલેશ યાદવના પરિવારના ચાર ઉમેદવારના નામ જાહેર કરાયા હતા, જેમાં મેનપુરી બેઠક પરથી ડિમ્પલ યાદવ, આજમઢથી ધર્મેન્દ્ર યાદવ, બદાયુથી આદિત્ય યાદવ અને ફિરોજાબાદમાં અક્ષય યાદવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
સપા રાજ્યની 80માંથી 62 બેઠકો પર ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે, I.N.D.I.A ગઠબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટી સીટ શેયરિંગની રણનીતિ હેઠળ રાજ્યની 80 બેઠકોમાંથી 62 બેઠકો પર ચૂંટણી લડવાની છે. અત્યાર સુધીમાં કુલ 59 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સમાજવાદી પાર્ટી રાજ્યમાં કોંગ્રેસ અને ટીએમસીનો સાથ મેળવી ચૂંટણી લડી રહી છે. અગાઉ સમાજવાદી પાર્ટીના કનૌઝ એકમના અધ્યક્ષે કનૌઝ બેઠક પરથી અખિલેશ ચૂંટણી લડવાના હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કુલ 80 લોકસભા બેઠકો છે, જેમાંથી આઠ બેઠક પર 19 એપ્રિલે મતદાન પૂર્ણ થયું હતું. જ્યારે રાજ્યમાં 26મી એપ્રિલે આઠ બેઠકો પર, સાતમી મેએ 10 બેઠકો પર, 13 મીએ 13 બેઠકો પર, 20મી મેએ 14 બેઠકો પર, 25મી મેએ 14 બેઠકો પર અને પહેલી જૂને 13 બેઠકો પર મતદાન યોજાશે.