...તો કોંગ્રેસને મળશે દિગ્ગજ ચહેરો, ભાજપને એક નહીં ચાર બેઠકોનું પહોંચાડશે નુકસાન
ભાજપ પીલીભીતના સાંસદ વરૂણ ગાંધી અને સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધીની ટિકિટ કાપી શકે છે
ભાજપ ટિકિટ કાપશે તો વરૂણ ગાંધી કોંગ્રેસમાં અથવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તેવી અટકળો
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મતદારોને રિઝવવા તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે, ત્યારે ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ની કેસરગંજ (Kesarganj Seat) અને પીલીભીત બેઠક (Pilibhit Seat) પર ઉમેદવારનું નામ જાહેર ન થતા રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે, ભાજપ બંને બેઠકો પરના ઉમેદવારો બદલી શકે છે. આ બંને બેઠક પર દિગ્ગજ ચહેરા હોવાથી તેઓ અપક્ષમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ વરૂણ ગાંધી જો ભાજપમાં બળવો કરશે તો ભાજપને માત્ર પીલીભીત, સુલ્તાનપુર (Sultanpur)માં જ નહીં, અમેઠી (Amethi) અને રાયબરેલી (Raebareli) સહિત રાજ્યભરની ઘણી બેઠકો પર નુકસાન થઈ શકે છે.
ભાજપની ત્રીજી યાદી પર સૌની નજર
ભાજપે લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં 51 ઉમેદવારો પણ સામેલ છે. ભાજપે બીજી માર્ચે જાહેર કરેલી યાદીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના ઉમેદવાર નામ જાહેર કર્યા હતા, જોકે 13 માર્ચે જાહેર કરેલ બીજી યાદીમાં ઉત્તર પ્રદેશનું એકપણ નામ જાહેર કરાયું ન હતું. તેથી હવે ઉત્તર પ્રદેશની બાકી બેઠકોના નામ ત્રીજી યાદીમાં જાહેર થવાની સંભાવના છે અને આ યાદીમાં કેસરગંજ અને પીલીભીત બેઠક પણ હોઈ શકે છે. ભાજપ પોતાના સહયોગી દળોને પાંચ બેઠકો આપી શકે છે.
વરૂણ ગાંધીની ટિકિટ કપાશે
હાલ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે ત્રીજી યાદી માટે સતત બેઠકો યોજાઈ રહી છે. તેમાંથી કેટલી માહિતી પણ સામે આવી છે. સૂત્રોનો દાવો છે કે, ભાજપ પીલીભીત બેઠક પરના ઉમેદવાર (BJP Candidate) બદલી શકે છે. આ બેઠક પર ફાયરબ્રાન્ડ નેતા વરૂણ ગાંધી સાંસદ છે. આવી સ્થિતિમાં વરૂણ ગાંધી (Varun Gandhi)ની ટિકિટ કપાઈ શકે છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે, વરૂણ ગાંધીના નજીકના લોકોએ પીલીભીતથી ઉમેદવારી ફોર્મ પણ ખરીદી લીધું છે.
વરૂણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પરથી લડશે?
વરૂણ ગાંધી હંમેશા આક્રમક અને વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે ખેડૂત આંદોલનમાં પણ સતત ટ્વિટ કરતા રહેતા હતા, તેથી ત્યારથી જ એવું મનાઈ રહ્યું છે કે, ભાજપ તેમની ટિકિટ કાપી શકે છે. આ ઉપરાંત સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi)ની પણ ટિકિટ કપાવાની સંભાવના છે. એવી પણ દાવો થઈ રહ્યો છે કે, જો વરૂણ ગાંધીને ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.
...તો સોનિયા-મેનકા વચ્ચેનો વિવાદ સમાપ્ત થઈ જશે
જો વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટી અથવા કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડશે તો ગાંધી પરિવારના ગઢ અમેઠી અને રાયબરેલી બેઠક પર કોંગ્રેસની મજબૂતી વધશે. જો ભાજપ તેમની ટિકિટ કાપશે અને તેઓ કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ એક દિગ્ગજ ચહેરો મળી જશે. જો વરૂણ જોડાશે તો સોનિયા (Sonia Gandhi) અને મેનકા ગાંધી વચ્ચે વિવાદ પણ સમાપ્ત થઈ શકે છે. દાવા મુજબ વરૂણ ગાંધીની રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સાથે વાતચીત થતી રહે છે. પ્રિયંકાના વરૂણ સાથે સારા સંબંધો છે અને રાજકારણમાં કંઈપણ સંભવ છે.
કોંગ્રેસ વરૂણ અથવા મેનકાને ઉમેદવાર બનાવશે?
જો રાહુલ ગાંધી અને વરૂણ ગાંધી વચ્ચે વાત આગળ વધશે તો કોંગ્રેસને હિન્દુ છબીવાળા મોટા નેતા વરૂણ ગાંધી મળી જશે. કોંગ્રેસ વરૂણ અથવા મેનકા ગાંધીને અમેઠી અથવા રાયબરેલીના પણ ઉમેદવાર બનાવી શકે છે.