'રોહિણી આચાર્યને જંગી મતોથી હરાવો..', લાલુ યાદવ સ્ટેજ પર બેઠા હતા અને RJD નેતાની જીભ લપસી
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈને બુધવાર સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. જો કે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે ત્યારે બિહારમાં લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યના સમર્થનમાં આયોજિત જાહેર સભામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એમએલસીની જીભ લપસી ગઈ હતી અને તેમણે રોહિણીને જીતાડવાની જગ્યાએ હરાવવાની અપીલ કરી દીધી હતી. થોડીક ક્ષણ માટે તો સભામાં ઉપસ્થિત આરજેડી નેતા પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
"Rohini Acharya ko jabardast vote se haraiye"
— BALA (@erbmjha) April 18, 2024
Hilarious slip of tongue by RJD MLC Sunil Singh in the presence of Lalu Yadav 😂 pic.twitter.com/dTMsseMJup
આરજેડીના એમએલસીની જીભ લપસી
આ વખતે લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીએ રોહિણી આચાર્યને સારણ (Saran Seat) બેઠક પરથી ટિકિટ આપી છે અને આ માટે પૂરજોશમાં પ્રચાર કરી રહી છે જેમાં ઘણા આરજેડીના વરિષ્ઠ નેતા જાહેર સભામાં પહોંચ્યા હતા. રોહિણી આચાર્ય (Rohini-Acharya)ને જંગી મતોથી જીતાડવાની લોકોને અપીલ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના એમએલસી સુનિલ સિંહ (Sunil Singh)નો વારો આવ્યો ત્યારે તેમની જીભ લપસી ગઈ હતી અને ઉત્સાહમાં જ તેમણે બોલી નાખ્યું હતું કે, 'અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ડૉ. રોહિણી આચાર્યને આટલા મજબૂત મતથી હરાવો.'.
સભામાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
સુનીલ સિંહે આ વાક્ય બોલતા જ સભામાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે? પણ તેને તરત જ આ વાતનો અહેસાસ થયો. આ પછી તરત જ પોતાની વાત સુધારી અને રોહિણી આચાર્યને જંગી મતોથી જીતાડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રોહિણીની સભામાં જે પ્રકારની ભીડ એકઠી થઈ છે તે સ્પષ્ટ કરે છે કે તે જંગી બહુમતીથી લોકસભાની ચૂંટણી જીતી જશે.