‘ફિર મોદી'ના સટ્ટામાં બુકીઓ માલામાલ અને પન્ટરો રાતા પાણીએ રોયા, 97 ટકાએ પૈસા ગુમાવ્યા
Lok Sabha Elections 2024: ફિર મોદી અને 400 પારના નારા વચ્ચે અણધાર્યા ચૂંટણી પરિણામોએ બુકીઓને માલામાલ અને પન્ટરોને બેહાલ કરી દીધાં છે. સટ્ટાબજારે મતદાનના સાત તબક્કા દરમિયાન ભાજપને 319થી 250 બેઠકો મળશે તેના ઉપર અલગ અલગ પ્રકારના ભાવ બજારમાં મુક્યાં હતાં. મોટાભાગના પન્ટરોએ ભાજપને 300થી વધુ બેઠકો મળશે તેના ઉપર સટ્ટો બુક કર્યો હતો. પણ, ભાજપને 246 બેઠકો જ મળતાં 300થી વધુ બેઠકો ઉપર જ નહીં 250 બેઠકો મળશે તેના ઉપર બે-પાંચ ટકા વળતર મેળવી લેવાની આશાએ ગણતરી અગાઉના ત્રણ જ દિવસમાં મોટી રકમના દાવ લગાવનારાં પન્ટરોએ પૈસા ગુમાવ્યાં છે. ગુજરાતમાં ભાજપને 26 બેઠકો મળશે તેના ઉપર સટ્ટો લગાવનારાં પન્ટરોએ 2000 કરોડ ગુમાવ્યાં છે. 'ફીર મોદી’ના સટ્ટામાં 97 ટકા પન્ટરોએ પૈસા ગુમાવ્યા છે.
અણધાર્યા પરિણામોથી બુકીઓ માલામાલ થયાં
મતદાન પૂર્ણ થયાં પછી ફરી એક વખત મોદી સરકાર બને છે તેના ઉપર 80 ટકાથી વધુ પન્ટરોએ દાવ લગાવ્યો હતો. જો કે, પન્ટરોએ ભાજપને કેટલી બેઠક મળશે તેના ઉપર સટ્ટો નોંધાવવાનો હતો. બુકી બજારે જાહેર કરેલા સટ્ટાના ચક્રવ્યૂહ તેમજ અણધાર્યા પરિણામોથી બુકીઓ માલામાલ થયાં છે અને પન્ટરોએ રાતા પાણીએ રડવાનો વખત આવ્યો છે. બુકી બજારે ભાજપને 250થી 312 બેઠકો મળશે તેવી ધારણા સાથે અલગ અલગ ભાવ જાહેર કર્યાં હતાં. મોટાભાગના પન્ટરોએ ભાજપને 300થી વધુ બેઠકો મળશે તેના ઉપર ભાવ લગાવ્યાં હતાં. ભાજપને 246 અને એનડીએને કુલ 286 બેઠક મળી હોવાથી પન્ટરો ધોવાઈ ગયાં છે.
300 બેઠક ઉપર 45 પૈસા અને 35 પૈસાના ભાવ અપાયાં હતાં
બુકી બજારનું કહેવું છે કે, ભાજપને ઓછામાં ઓછી 250 અને મહત્તમ 312 બેઠકો મળી શકે છે તેવી ધારણા સાથે ભાવ જાહેર કરાયાં હતાં. ભાજપને 250 બેઠક મળશે તેના ઉપર દાવ લગાવનારને એક રૂપિયાના સટ્ટા સામે 6 પૈસા તેમજ ભાજપને 250 બેઠક નહીં મળે તેના ઉપર ભાવ લગાવનારને 3 પૈસા જ વળતરના ભાવ જાહેર કરાયાં હતાં. આજ રીતે ભાજપને 275 બેઠક ઉપર 15 પૈસા અને 11 પૈસા તેમજ 300 બેઠક ઉપર 45 પૈસા અને 35 પૈસાના ભાવ અપાયાં હતાં.
97 ટકા પન્ટરોએ પૈસા ગુમાવ્યાનો અંદાજ
મતગણતરી અગાઉના ત્રણ દિવસ દરમિયાન ભાજપને 250 બેઠક જ તો મળશે જ તેવી ધારણા વચ્ચે છ ટકા (છ પૈસા) વળતરની ધારણાએ ચોક્કસ વર્તુળોએ અબજો રૂપિયાના દાવ લગાવ્યાં હતાં. સટ્ટાબજારે ભાજપને સૌથી ઓછી 250 બેઠકના ભાવ જાહેર કર્યાં તેનાથી પણ ઓછી 246 બેઠક જ મળતાં પન્ટરોએ અબજો રૂપિયા ગુમાવ્યાં છે. આ સ્થિતિમાં ભાજપને 305, 310, 311 અને 312 બેઠક મળશે તેના ઉપર વધુ સટ્ટો રમનાર પન્ટરોએ પણ સ્વાભાવિક રીતે જ પૈસા ગુમાવ્યાં છે. આમ, બુકી બજારે જાહેર કરેલા ભાવના ચક્રવ્યૂહમાં પન્ટરો ચારે બાજુથી ધોવાયાં છે. ભાજપ ઉપર ચૂંટણી સટ્ટો નોંધાવનાર 97 ટકા પન્ટરોએ પૈસા ગુમાવ્યાનું બુકી બજારના સૂત્રો કહે છે.
પન્ટરોને રાતા 'પાણીએ રડવાનો વખત આવ્યો
અણધાર્યા ચૂંટણી પરિણામોથી ગણતરી હતી તેના કરતાં પણ દસગણી આવક બુકીઓને થઈ છે. બુકીઓના ઘર ભરાયાં છે અને પન્ટરોને રાતા 'પાણીએ રડવાનો વખત આવ્યો છે. હદ તો એ વાતની છે કે, આજે સવારે મતગણતરી શરૂ થઈ પછી ઓનલાઈન સટ્ટો ચલાવતાં અનેક બુકીઓએ પન્ટરો પોતે નોંધાવેલો સટ્ટો કાપે નહીં તે માટે અનેક સોદા સસ્પેન્ડ કરી નાંખ્યાં હતાં. મતલબ કે, ભાજપની જીતની બેઠકો ઉપર લગાવેલા સટ્ટા કરતાં ઓછી રકમનો અથવા તો કોંગ્રેસ ઉપર સટ્ટો લગાવીને પોતાની સટ્ટાની રકમ ડૂબી રહેલી રકમમાંથી થોડી રિકવરી કરવા અનેક પન્ટરો ઈચ્છી રહ્યાં હતાં. પરંતુ, ઓનલાઈન સટ્ટામાં વળતી કપાત થઈ શકે તે પ્રકારનું સટ્ટાબુકીંગ જ બ્લોક એટલે કે સસ્પેન્ડ કરી દેવાયું હતું. પન્ટરોને બેહાલ કરતી અને માલામાલ થઈ ચૂકેલી બુકીબજારમાં હવે ભાજપની જ સરકાર બનશે? સરકારમાં કોણ હશે? સહિતના મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે. નજીકના દિવસોમાં આવો સટ્ટો આવે તો પણ નવાઈ નહીં.