ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસ ક્રાઇમમાં તો ભાજપ કમાણીમાં મોખરે, 33% ઉમેદવાર કરોડપતિ : ADR રિપોર્ટ

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસ ક્રાઇમમાં તો ભાજપ કમાણીમાં મોખરે, 33% ઉમેદવાર કરોડપતિ : ADR રિપોર્ટ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના પહેલાં તબક્કાના મતદાન માટે હવે માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ દરમિયાન તમામ રાજ્યો જ્યાં પહેલાં તબક્કાનું મતદાન થવાનું છે તેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. દરેક પક્ષ દ્વારા ઉમેદવારો નક્કી કરાઈ દેવાયા છે. આ તમામ ઉમેદવારોનો રીપોર્ટ પણ સામે આવી ગયો છે. 

ADR દ્વારા તમામ ઉમેદવારોના રેકોર્ડ જાહેર કરાયા

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ (ADR) દ્વારા તમામ ઉમેદવારોના રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. રાજસ્થાન (Rajasthan)માં પણ એડીઆર દ્વારા 113 ઉમેદવારોની સંપત્તી, ગુનામાં સંડોવણી, તેમની સામે થયેલા કેસ અને અન્ય ઘણી બાબતોનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ વખતે 114 ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી પણ તેમાંથી 113 ઉમેદવારોનું એનાલિસીસ સામે આવ્યું છે. એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે, ઉમેદવારોના સોગંધનામાના આધારે જે વિગતો સામે આવી છે તે જણાવે છે કે, સંપત્તી અને કમાણીની બાબતમાં ભાજપના ઉમેદવારો મોખરે છે. બીજી તરફ ગુના નોંધાવાની અને ક્રાઈમની બાબતમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. 

એક ઉમેદવાર સામે હત્યાનો ગુનો નોંધાયેલો

આ 113 ઉમેદવારોમાંથી 11 સામે વિવિધ ગુનાઓમાં કેસ દાખલ કરવામાં આવેલા છે. 11માંથી 7 ઉમેદવારો એવા છે જેમની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. તેમાંથી એક ઉમેદવાર સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે જ્યારે એક ઉમેદવાર સામે દહેજ માટે હેરાન કરવાનો ગુનો દાખલ છે. આ બેઠકો ઉપર ભાજપ(BJP)ના જે 12 ઉમેદવારો મેદાનમાં છે તેમાંથી માત્ર એક જ ઉમેદવાર સામે ગુનો નોંધાયેલો છે. બીજી તરફ કોંગ્રેસ(Congress)ના 10 ઉમેદવારોમાંથી ત્રણ સામે ગુના નોંધાયેલા છે. કોંગ્રેસ અને આરપીએલના 1-1  ઉમેદવાર ઉપર ગંભીર ગુના નોંધાયેલા છે. બીજી તરફ જયપુર ગ્રામ્યની બૈઠક ઉપરથી ચૂંટણી લડી  રહેલા કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચોપડા સામે 8 કેસ નોંધાયેલા છે.

સંપત્તીની બાબતમાં ભાજપનો હાથ ઉપર

એક તરફ ક્રાઈમની વાત કરીએ તો બીજી તરફ કમાણી અને આવકની ચર્ચા પદા આવે છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે સંપત્તીની બાબતમાં ભાજપનો હાથ ઉપર છે. 113 ઉમેદવારોમાંથી 37 ઉમેદવારો કરોડપતિ છે. એડીઆરના અહેવાલ પ્રમાણે 33 ટકા ઉમેદવારો કરોડપતિ છે. તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.81 કરોડ રૂપિયા થાય છે. ભાજપના 12 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો કરોડપતિ છે. બીજી તરફ કોંગ્રેસના 10 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો કરોડપતિ છે. 

આ બેઠક પર ભાજપના ઉમેદવાર સૌથી ધનિક

નાગૌર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધા (Jyoti Mirdha) સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની પાસે 102 કરોડની સંપત્તિ છે. તેમની સામે મેદાને ઉતરેલા આરએલપી પ્રમુખ હનુમાન બેનિવાલ માત્ર 81 લાખની સંપત્તિ ધરાવે છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો બજેન્દ્ર ઓલા પાસે સૌથી વધારે સંપત્તિ છે. તેઓ 16 કરોડની સંપત્તિ ધરાવે છે. કોંગ્રેસ ઉમેદવારોમાં સૌથી ઓછી સંપત્તિ સંજના જાટવની 23 લાખ છે. તેવી જ રીતે ભાજપના ઉમેદવાર ઈંદુ દેવી જાટવની માત્ર 21 લાખની સંપત્તિ છે. ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 14 કરોડ થાય છે જ્યારે કોંગ્રેસની સરેરાશ 7 કરોડ થાય છે. બસપાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ એક કરોડ રૂપિયા થાય છે. તેના કારણે જ સંપત્તિની બાબતમાં કોંગ્રેસ કરતા ભાજપ આગળ છે.


Google NewsGoogle News