Get The App

'ફંડ આપીશ પણ મતદાન સમયે ટકા-ટક વોટ આપજો' મહારાષ્ટ્રના નાયબ CMના નિવેદનથી મચ્યો હોબાળો

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
'ફંડ આપીશ પણ મતદાન સમયે ટકા-ટક વોટ આપજો' મહારાષ્ટ્રના નાયબ CMના નિવેદનથી મચ્યો હોબાળો 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલ એટલે કે આવતીકાલે થવાનું છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જો કે પ્રથમ તબક્કાનું જ્યાં મતદાન થવાનું છે ત્યાં પ્રચારના પડઘમ શાંત પડ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ સીએમની તેમની પત્નીના ચૂંટણી પ્રચાર દરમિયાન જીભ લપસી ગઈ હતી અને એવું નિવેદન આપી દીધું કે હોબાળો મચી ગયો છે.

 મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારની જીભ લપસી

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. તેમની પત્ની સુનેત્રા પવાર (Sunetra Pawar) માટે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની જીભ લપસી ગઈ હતી, જે તેમના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. હાલમાં સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મરાઠીમાં બોલી રહ્યા છે. આ વીડિયોમાં અજિત પવારને ફંડના બદલામાં વોટિંગ વિશે વાત કરતા સાંભળી શકાય છે. 

શરદ પવાર અને ઉદ્ધવ જૂથે નિવેદન સામે વાંધો ઉઠાવ્યો

અજિત પવાર વધુ ફંડ માટે ચૂંટણીમાં પાર્ટીના સિમ્બોલ પર બટન દબાવવાની વાત કરતા સાંભળી શકાય છે. તેમના એક નિવેદને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. વિપક્ષી નેતાઓએ આને ચૂંટણીમાં આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. શરદ પવાર (Sharad Pawar) જૂથ અને ઉદ્ધવ (Uddhav) જૂથે આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

શું બોલ્યા અજિત પવાર?

વાયરલ થયેલા આ વીડિયોમાં અજિત પવાર કહે છે કે, 'હું કહેવા માંગુ છું... જે પણ ફંડની જરૂર પડશે તો હું આપીશ અને તેના માટે સહયોગ પણ કરીશ, પરંતુ જે રીતે હું ફંડ આપું તે રીતે જ મતદાન સમયે મશીનમાં સિમ્બોલ પરનું બટન દબાવજો ટકા-ટક-ટકા-ટક.. જેથી ફંડ આપવું સારું લાગે છે, નહીં તો ખરાબ લાગે છે'. અજિત પવારે પૂણેના ઈન્દાપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

બારામતીમાં ભાભી vs નણંદ

મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક (Baramati Lok Sabha seat) પર નણંદ અને ભાભીની તાકાતનો પરચો જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી સુપ્રિયા સુલે (Supriya Sule) અને સુનેત્રા પવાર ઉમેદવાર છે. સુપ્રિયા સુલે એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારની પુત્રી છે અને તેમને એનસીપીના શરદ જૂથમાંથી ટિકિટ મળી છે. સુનેત્રા પવાર સુપ્રિયાની ભાભી છે. અજિત પવારની પત્ની સુનેત્રા આ વખતે તેમની નણંદ સામે ચૂંટણી લડી રહી છે. શરદના ભત્રીજા અજિતે NCPમાં અલગ જૂથ બનાવીને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.


Google NewsGoogle News