‘હવે ચૂંટણીઓ અને રાજકારણની વાત થાય ત્યારે...’, એક્ઝિટ પોલ મુદ્દે પ્રશાંત કિશોરની પહેલી પ્રતિક્રિયા
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ અંગે રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે 'X' પર લખ્યું કે, 'હવે ચૂંટણીઓ અને રાજકારણની વાત થાય ત્યારે નકલી પત્રકારો, બફાટ કરતા નેતાઓ અને સોશિયલ મીડિયા પર સ્વ-ઘોષિત નિષ્ણાતો દ્વારા નિરર્થક વાતો અને વિશ્લેષણમાં તમારો કિંમતી સમય બગાડો નહીં.' નોંધનીય છે કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની જીત થઈ રહી છે. ઈન્ડિયા ટુડે-માય એક્સિસ ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં NDAને 361થી 401 બેઠક મળવાની સંભાવના છે.
પ્રશાંત કિશોરે ભાજપ અંગે શું કહ્યું?
એક ઈન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ‘'મારા આકલન મુજબ, ભાજપને પશ્ચિમ અને ઉત્તર ભારતમાં બેઠકોની સંખ્યામાં કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. ભાજપ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં પોતાની સ્થિતી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘણાં એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે NDA, તમામ સંભાવનાઓમાં, તમિલનાડુ અને કેરળમાં તેનું ખાતું ખોલશે, જ્યારે કર્ણાટકમાં તેનું શાનદાર પ્રદર્શન રહેશે.જો કે,બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં તેની બેઠકની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે.
NDAને 350થી વધુ બેઠક મળવાનું અનુમાન
આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના પોલમાં એનડીએ 350થી વધુ અને I.N.D.I.Aને 125થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મમતા અને બસપાનું ‘એકલા ચાલો’, બીઆરએસનો સફાયો... એ 3 ફેક્ટર જે મોદીની હેટ્રિકની સીડી બન્યા