PM મોદીએ મેરઠથી કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ: કહ્યું- ભ્રષ્ટાચાર સામેની લડત રોકાશે નહીં
Uttar Pradesh : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો છે. આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભાજપ સરકારે રામ મંદિર નિર્માણ, કલમ-370 હટાવી અસંભવને સંભવ કરી બતાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ સત્તા પર આવશે તો મહિલાઓના સશક્તિકરણ માટે આગામી પાંચ વર્ષ સમર્પિત કરીશું.
‘2024ની ચૂંટણી વિકસીત ભારત બનાવવા માટેની છે’
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, ‘2024ની ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નહીં, પરંતુ વિકસીત ભારત બનાવવા માટેની છે. 2024નો જનાદેશ ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાશક્તિ બનાવશે. જ્યારે ભારતીય અર્થતંત્ર 11માં ક્રમાંકે હતું, ત્યારે ભારતની ગરીબી દર વધી રહી હતી. જ્યારે ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, તો 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા. હું તમને ગેરેન્ટી આપું છું કે, જ્યારે આપણે ત્રીજું અર્થતંત્ર બની જઈશું, તો ગરીબી ખતમ થવા ઉપરાંત નવું મધ્યમ વર્ગ ભારતના વિકાસનો પ્રોત્સાહન આપશે.
ભ્રષ્ટાચાર સામેની લડત રોકાશે નહીં : વડાપ્રધાન
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું માત્ર ભ્રષ્ટાચારીઓની તપાસ કરી રહ્યો નથી. હું ગેરંટી આપું છું કે, જેણે પણ મારા દેશના લોકોને લૂંટ્યા છે. હું મારા લોકોના ચોરાયેલા નાણાં પરત આપી રહ્યો છું. ભ્રષ્ટાચારીઓ કાન ખોલીને સાંભળી લો... મોદી ભલે ગમે તેટલા હુમલા કરો, આ મોદી છે, અટકવાનો નથી. ભ્રષ્ટાચાર ગમે તેટલો મોટો હોય, કાર્યવાહી થશે અને જરૂર થશે. જેણે દેશને લૂંટ્યા છે, તેમણે પરત આપવા જ પડશે. આ મોદીની ગેરંટી છે.
મોદીએ વિવાદાસ્પદ કચ્ચાતિવુ ટાપુનો પણ ઉલ્લેખ કર્યો
મોદીએ સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા 1974માં શ્રીલંકાને અપાયેલ વિવાદિત કચ્ચાતિવુ ટાપુનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મંચ પર વડાપ્રધાન મોદી સાથે RLD અધ્યક્ષ જયંત ચૌધરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મેરઠથી ભાજપના ઉમેદવાર અરૂણ ગોવિદ સહિત ઘણા મોટા નેતાઓ ઉપસ્થિત હતા.
મોદીએ I.N.D.I.A. ગઠબંધન પર સાધ્યું નિશાન
તેમણે I.N.D.I.A. ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, ‘એકતરફ તમારી જોડે NDA છે, જે ભ્રષ્ટાચારને નાબુદ કરવા પ્રતિબદ્ધ છે, તો બીજીતરફ તમારી પાસે INDI ગઠબંધન છે, જે ભ્રષ્ટ નેતાઓને બચાવવાનું કામ કરી રહી છે. તેઓ વિચારી રહ્યા છે કે, તેઓ મોદીને ડરાવી દેશે, પરંતુ મારા માટે મારો ભારત જ મારો પરિવાર છે.’